હાપા રેલવે સ્ટેશન પાસે આવેલી રેલવે કોલોનીમાં એક ખાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ ગરબા ટ્યુબલાઇટ ગરબા તરીકે ખુબ જ પ્રખ્યાત છે. ટ્યુબલાઇટ ગરબા કેમ કહેવામાં આવે છે તેના વિશે પણ તમને જણાવી દઇએ કે આ ગરબામાં માતાજીનો મંડપ ટ્યુબલાઇટથી બનેલો હોય છે. હા, આ એજ ટ્યુબલાઇટ જે વર્ષો પહેલા આપણે ઘરમાં લગાવતા હતા. આજે ટ્યુબલાઇટનું પ્રમાણ ઘટી ગયું છે જેની જગ્યાએ લેઇડી લાઇટ આવી ગઇ છે. પરંતુ છેલ્લા 51થી વધુ વર્ષથી આ પ્રકારે ટ્યુબલાઇટ ગરબા યોજાય છે.
કેવી રીતે આવ્યો વિચાર?
હાપા રેલવે કોલોનીમાં આ ટ્યુબલાઇટ ગરબાનું આયોજન કરવામાં આવે છે. તમને જાણીને નવાઇ લાગશે પરંતુ અહીં એક નહીં પરંતુ બે ટ્યુબલાઇટ ગરબા યોજાય છે. આ બંને ટ્યૂબલાઈટ ગરબા છેલ્લા 30થી 50 વર્ષથી યોજાતા આવે છે. જેમાંથી સૌથી જૂની ગરબીનું આયોજન આશાપુરા ગરબી મંડળ દ્વારા કરવામાં આવે છે, જેના હાલના સંચાલક જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે છેલ્લા 51 વર્ષથી ટ્યુબલાઇટ મંડપ કરીએ છીએ. આ મંડપમાં 100 બાળાઓ ગરબે રમે છે જેમની પાસેથી કોઇપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી તથા તમામને 2100 રૂપિયાની લાણી કરવામાં આવે છે. એટલું જ નહીં અહીં સ્થાપવામાં આવેલી માતાજીની મૂર્તિ ખુદ આ ગરબી મંડળના યુવાનો દ્વારા જાતે તૈયાર કરવામાં આવે છે. ગરબીના કુલ 85 વોલિયન્ટરો છે જેમની દોઢ મહિનાની સખત મહેનતથી આ અનોખો ટ્યુબલાઇટ મંડપ તૈયાર કરવામાં આવે છે.
ખુબ જ સાચવીને રાખવામાં આવે છે ટ્યુબલાઇટ!
જયદીપસિંહે જણાવ્યું કે અંદાજે 7000 જેટલી ટ્યુબલાઇટની મદદથી આ મંડપ તૈયાર કરવામાં આવે છે જેમાંથી અંદાજે 250 જેટલી ટ્યુબલાઇટ ચાલુ સ્થિતિમાં છે બાકીની બંધ હાલતમાં છે. આજના એલઇડીના યુગમાં ટ્યુબલાઇટ મળવી ખુબ જ મુશ્કેલ બની ગયું છે. અમારા દ્વારા ટ્યુબલાઇટને ખુબ જ સાચવીને રાખવામાં આવે છે જેના કારણે વર્ષોથી આ પ્રકારની ગરબીનું આયોજન શક્ય બન્યું છે. જયદીપસિંહે વધુમાં જણાવ્યું કે આ ગરબી મંડળની ખાસીયત છે કે અહીં કોઇપણ પ્રકારના ડીજેના ગીત વગાડવામાં આવતા નથી, તમામ પ્રાચીન ગરબા ગાવામાં આવે છે જેના તાલે બાળાઓ ગરબે રમે છે.
તમારા શહેરમાંથી (જામનગર)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Jamnagar News, Navratri 2022, Navratri Culture and Tradition, જામનગર સમાચાર, નવરાત્રિ