અંજાર ખાતે નિર્માણ પામેલા વીર બાળક સ્મારકમાં હાલમાં ચાલી રહેલા તહેવારોની ઋતુને ધ્યાને લઇ, મ્યુઝિયમના પ્રવેશ શુલ્ક અને પાર્કીંગ ટીકીટ નવી સૂચના પ્રસિધ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી ઉઘરાવવામાં નહીં આવે. વીર બાળક સ્મારકની જાહેર જનતા 5 ઓકટોબરથી મુલાકાત લઇ શકશે. સોમવાર સિવાય તમામ દિવસોના સ્મારકનો સમય સવારના 10 કલાકથી રાત્રીના 10 કલાક સુધી રહેશે. મ્યુઝિયમનો સમય સવારના 10 થી સાંજે 6.30 કલાક સુધી તથા સોમવારે બંધ રહેશે તેવું ડિઝાસ્ટર શાખાની યાદીમાં જણાવાયું છે.
જાન્યુઆરી 2001ના કચ્છમાં આવેલા ભૂકંપે સમગ્ર જિલ્લાને હચમચાવી મૂકયો હતો. 7.7ની તીવ્રતાના ભૂકંપે સમગ્ર જિલ્લાને કાટમાળમાં ફેરવી નાખ્યો હતો તો હજારો પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. સવારના સમયે જ્યારે સમગ્ર દેશની સાથે કચ્છ પણ 52માં ગણતંત્ર દિવસની ઉજવણી શરૂ કરી રહ્યો હતો ત્યારે આ ગોઝારા ભૂકંપે આનંદના અવસરને દુઃખમાં ફેરવી મૂક્યો હતો. અંજાર ખાતે શાળાના બાળકો અને શિક્ષકો પણ ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી યોજી શહેરના રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એકાએક ધ્રુજી ઉઠેલી ધરાના કારણે આસપાસની ઇમારતો ધરાશાયી થઈ હતી અને 185 બાળકો સાથે 20 શિક્ષકોનું કાટમાળ નીચે દટાઈને મૃત્યુ પામ્યા હતા.
એ ગોઝારા ભૂકંપની અનેક કરુણ કહાણીઓમાંની સૌથી કરુણ કહી શકાય તેવી અંજારની આ ઘટના હતી. ભૂકંપ બાદ કચ્છ જ્યારે ફરી એકવખત ઉભુ થઈ રહ્યું હતું ત્યારે તત્કાલીન મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે તે ગોઝારી ધટનામાં જીવ ગુમાવેલા માસુમ આત્માઓની યાદમાં કચ્છના અંજારમાં વીર બાળભૂમિ સ્મારક બનાવવામાં આવ્યું છે. 21 વર્ષ બાદ અંજાર મધ્યે અંદાજે 17 કરોડના ખર્ચે \”વીર બાળક સ્મારક\” બનીને તૈયાર થયું છે, જેનું લોકાર્પણ 28 ઓગસ્ટના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
પાંચ વિભાગમાં પથરાયેલું છે બાળ મ્યૂઝિયમ
દિવંગત બાળકોને સમર્પિત આ મ્યૂઝિયમનું પાંચ વિભાગમાં નિર્માણ કરવામાં આવ્યંવ છે. પ્રથમ વિભાગમાં દિવંગતોની તસવીરો અને ભૂતકાળના સ્મરણો રજૂ કરવામાં આવ્યા છે. ત્યારબાદ વિનાશ વિભાગમાં કાટમાળ દર્શાવીને મૃત્યુ પામેલા બાળકોના સ્મૃતિચિહ્નો અને તેમની પ્રતિકૃતિ રજૂ કરાઇ છે. ત્યાંથી આગળ જતા ભૂકંપનો અનુભવ થઇ શકે તે માટે એક વિશેષ રૂમ બનાવવામાં આવ્યો છે. અહીં સિમ્યુલેટર તેમજ પડદા પર વીડિયો સાથે ભૂકંપની અનુભૂતિ કરાવવામાં આવશે. તે સિવાય જ્ઞાન-વિજ્ઞાન વિભાગમાં ભૂકંપ આવવાની પ્રક્રિયા, વૈજ્ઞાનિક કારણો અને અન્ય જરૂરી વિગતો સમાવિષ્ટ કરવામાં આવી છે. સમાપન ગેલેરીમાં ભૂકંપના અનુભવો વિશે મુલાકાતીઓને સવાલ પૂછવામાં આવ્યા છે.
મેમોરિયલમાં બાળકોના નામ અને શ્રદ્ધાંજલિ માટે પ્રકાશપુંજ
મ્યૂઝિયમની બહાર મેમોરિયલ બનાવવામાં આવ્યું છે. અહીં ભોગ બનેલા માસૂમ બાળકો અને શિક્ષકોના નામ તેમની તસવીરો સાથે દિવાલ પર લખેલા છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં એક શક્તિશાળી પ્રકાશપુંજ બનાવવામાં આવ્યો છે, જેમાંથી નિકળતો પ્રકાશ સમગ્ર અંજાર શહેરમાં દેખાય છે.
તમારા શહેરમાંથી (કચ્છ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Kutch