Navratri 2022 know Date and Muhurat time for kalash


ધર્મડેસ્ક: વર્ષમાં એકથી વધુ વખત નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. થોડા દિવસોમાં નવરાત્રી શરૂ થવા જઈ રહી છે. જેને શારદીય નવરાત્રી કહેવાય છે. નવરાત્રી દરમિયાન મા અંબેના નવ અલગ-અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે. ત્યારે આગામી નવરાત્રીના શુભ મુહૂર્ત અને નવરાત્રીના પ્રારંભની તિથિ અંગે જાણકારી આપવામાં આવી છે.

મુહૂર્ત અને સ્થાપનાનો સમય

શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થશે. જેમાં કળશ સ્થાપનાનો શુભ સમય 26 સપ્ટેમ્બરે સવારે 6:17 થી 7:55 સુધીનો છે. પરંતુ જો કોઈ કારણસર તમે આ મુહૂર્તમાં સ્થાપના ન કરી શક્યા હોવ તો અભિજીત મુહૂર્તમાં પણ સ્થાપના કરી શકો છો. અભિજીત મુહૂર્ત 26 સપ્ટેમ્બરે 11.54થી 12.42 સુધી છે. આ મુહૂર્તમાં પણ કળશ સ્થાપનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે.

સવારે રહેશે શ્રેષ્ઠ મુહૂર્ત

નવરાત્રી માટે સવારે કળશની સ્થાપના કરવી ખૂબ શુભ હોઈ શકે છે. પંચાંગોના જણાવ્યા અનુસાર, અશ્વિન શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 26 સપ્ટેમ્બરે સવારે 3.23 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે સવારે 3.08 વાગ્યા સુધી ચાલશે. કળશ સ્થાપના બાદ માં શૈલપુત્રીની પૂજા થશે.

નવરાત્રીમાં કળશ સ્થાપના કરવા પાછળના કારણો

હિંદુ ધર્મ અનુસાર, તહેવારો પર કળશ સ્થાપનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ કળશમાં દેવી-દેવતાઓ, ગ્રહો અને નક્ષત્રોનો વાસ હોવાનું કહેવાય છે. તેને સુખ-સમૃદ્ધિ અને મંગલ કાર્યનું પ્રતીક માનવામાં આવે છે. નવરાત્રિના દિવસોમાં કળશની સ્થાપના દ્વારા શક્તિનું આહ્વાન કરવામાં આવે છે, જેનાથી ઘરમાં રહેલી તમામ નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે.

આ પણ વાંચો: આ વર્ષે નવરાત્રીમાં ‘પુષ્પા’ અને ‘ભૂલભૂલૈયા’ ચણિયાચોળી મચાવશે ધૂમ

કળશની સ્થાપના કેવી રીતે કરવી?

કળશને મંદિરની ઉત્તર-પૂર્વ દિશામાં સ્થાપિત કરવો જોઈએ. સૌથી પહેલા સ્થાપનાની જગ્યા પર ગંગા જળ છાંટીને તેને પવિત્ર કરી લો. ત્યારબાદ લાકડાની ચૌકી પર સ્વસ્તિક બનાવીને કળશ સ્થાપિત કરો. કળશમાં આંબાના પાન મૂકી તેમાં પાણી કે ગંગાજળ ભરી લો. તેમાં સિક્કા, સોપારી, દુર્વા, હળદરનો ગઠ્ઠો મૂકો. કળશના મુખ પર લાલ કપડાથી વીંટેલું નારિયેળ રાખો.

આ પણ વાંચો: નવરાત્રી પહેલા ધૂમ મચાવી રહી છે અમદાવાદની મા- દીકરીની જોડી

ચોખા એટલે કે અક્ષતમાંથી અષ્ટાદળ બનાવો અને માતા દુર્ગાની મૂર્તિ રાખો. તેમને લાલ અથવા ગુલાબી ચુનરીથી ઢાંકી દો. કળશ સ્થાપનાની સાથે સાથે અખંડ દીવો પણ રાખવામાં આવે છે. કળશ સ્થાપના બાદ માતા શૈલપુત્રીની પૂજા કરો. લાલ ફૂલ અને ચોખા હાથમાં લઈને માતા શૈલપુત્રીનું ધ્યાન કરો અને મંત્ર જાપ કરો અને માતાના ચરણોમાં ફૂલ અને ચોખા ચઢાવો.

Published by:Vinod Zankhaliya

First published:

Tags: Navratri, Navratri 2022, Navratri Puja, Religion



Source link

Leave a Comment