ગોધરા શહેરમાં દશેરાના દિવસે ખાસ પ્રકારના સંસ્કૃત ભાષામાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. માતાજીની આરાધના નો પર્વ એટલે નવરાત્રી, નવ દિવસ લોકો જુદા જુદા પ્રકારના ગરબા પર તાલથી તાલ મિલાવીને જુદા જુદા પ્રકારના સ્ટેપ કરીને માતાજીના મંદિરની આજુબાજુમાં વર્તુળ બનાવીને ગરબા કરી માંઅંબા જગદંબાની આરાધના કરતા હોય છે .
ગુજરાત મુખ્યત્વે ગુજરાતી વેપારીઓ, ગુજરાતનો વેપાર અને ગરબા આ ત્રણ વસ્તુ માટે દુનિયા ભરમાં પ્રખ્યાત છે. પણ હિન્દુ ધર્મની મૂળ ભાષા જેમાંથી હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ભવ થયો છે, તે સંસ્કૃત ભાષામાં ગરબા થઈ શકે ખરા. ! આતો વળી કેવા ગરબા જેના ગીતો ગુજરાતી કે હિન્દી નહીં , પણ સંસ્કૃત ભાષામાં ગાવામાં આવે છે અને લોકો સંસ્કૃત ભાષા ના ગીતો પર તાલથી તાલ મિલાઈને ગરબા રમવાના છે . આવા જ ગરબાનું ભવ્ય આયોજન દશેરાની સાંજે ગોધરા શહેરમાં થવાનું છે.
“સંસ્કૃત ભારતીય પરિવાર” અને “ભારત વિકાસ પરિષદ” ના સંયુક્ત ઉપક્રમે સરસ્વતી સોસાયટી યુવક મંડળ દ્વારા સંસ્કૃત ગરબા મહોત્સવ 2022 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે આયોજન સરસ્વતી સોસાયટી , માર્કેટિંગ યાર્ડ ગોધરા ખાતે કરવામાં આવેલ છે. જેની શરૂઆત રાત્રિના આઠ વાગ્યાથી થશે. સંસ્કૃત ભાષામાં જ્યારે ગરબા વાગતા હોય અને તાલથી તાલ મિલાઈને ગરબા રમવાના હોય , ત્યારે લોકો માટે આ એક નવીન પ્રકારના ચિત્ર નું સર્જન થવાનું છે તેમ લાગે છે .લોકો પણ ઉત્સાહથી આ સંસ્કૃત ગરબા માં ભાગ ભજવવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લગભગ પંચમહાલના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારના સંસ્કૃત ભાષામાં ગરબા નું આયોજન થવાનું છે , ત્યારે લોકો પણ આ દ્રશ્ય નિહાળવા ઘણા આતુર છે .
સંસ્કૃત ભારતીય પરિવાર પંચમહાલ જિલ્લાના સંયોજક મહેશ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ” લોકોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ આવે , તેમજ હિંદુ ધર્મની મૂળ ભાષા સંસ્કૃત ને ટકાવી રાખવા માટે , તેમની સંસ્થા છેલ્લા ચાર વર્ષથી પંચમહાલ જિલ્લામાં અવિરત પણે કાર્ય કરી રહી છે . જેના ભાગરૂપે આ વર્ષે સંસ્કૃત ગરબા 2022 નું આયોજન ગોઠવવામાં આવ્યું છે, સંસ્કૃત ભારતીય પરિવાર સંસ્થા દ્વારા જ, જે ફેમસ ગુજરાતી ગરબા છે તેનું સંસ્કૃત ભાષામાં અનુવાદ કરીને તેમાં મ્યુઝિક ઉમેરીને સુંદર મજાના ગરબા ને સંસ્કૃત ભાષામાં લોકો સુધી પહોંચાડવામાં આવે છે. જે સાંભળીને લોકોમાં સંસ્કૃત ભાષા પ્રત્યેનું જ્ઞાન વધે , લોકો સંસ્કૃત ભાષાને જાણતા થાય અને સમજતા થાય તે સંસ્થાનો મુખ્ય હેતુ છે. ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારે સંસ્કૃત ગરબા નું આયોજન થવાનું હોય ત્યારે સંસ્કૃત ભારતીય પરિવાર ગોધરા દ્વારા પંચમહાલ જિલ્લાની સર્વે જનતાને આ ગરબા મહોત્સવમાં ભાગ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવે છે.
તમારા શહેરમાંથી (પંચમહાલ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર