યુવાન કોલેજકાળમાં ખુબ ગેમ રમતો
ગોધરા શહેરમાં વસવાટ કરતા 20 વર્ષિય યુવાન દેવ રામવાની કોલેજકાળ દરમિયાન મોબાઈલ ઉપર ઘણી બધી ગેમ રમતો હતો. જેથી તેના પિતા તેને અવારનવાર ગેમ ન રમવા માટે ટોકતા હતા. પરંતુ ગેમ પ્રત્યેની તેની ચાહના તેને હંમેશા ગેમ પ્રત્યે આકર્ષતી હતી. કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દેવને એક સ્ટાર્ટઅપ બિઝનેસ શરૂ કરવાનો આઈડિયા આવ્યો અને તેને પોતાના ગેમ રમવાના શોખને વેપારમાં પરિવર્તન કરવાનું વિચાર્યું.
અમદાવાદથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ દેવે ગોધરામાં આવીને પિતા સાથે ચર્ચા કરી કે, તે ગેમને લગતો જ સ્ટાર્ટ અપ બિઝનેસ શરૂ કરવા માંગે છે. પોતાના દીકરાને મોબાઇલમાં ગેમ રમવાની ટેવ છોડાવવા માટે અને તેને સારી લાઈનમાં સેટ કરવા માટે પિતાએ પણ દેવની વાત માની અને દેવને સ્ટાર્ટઅપ શરૂ કરવા માટેની મંજૂરી આપી.
તમારા શહેરમાંથી (પંચમહાલ)
30 રૂપિયામાં જ કોઈપણ વ્યક્તિ ગેમની મજા માણી શકે
દેવે ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં દુકાન ભાડે લઈને તેમાં પુલ અને સ્નૂકર પ્લાઝાની શરૂઆત કરી અને આજે દેવ દ્વારા શરૂ કરવામાં આવેલ પ્લાઝા એક સફળ બિઝનેસમાં પરિવર્તન થયું છે. દેવ મહિને લાખો રૂપિયાનું ટર્ન ઓવર કરી રહ્યો છે. પુલ પ્લાઝામાં ખાસ કરીને પુલ, કેરમ , સ્નૂકર, પી એસ 4 વગેરે જેવી ગેમ રમાડવામાં આવે છે. આ પ્લાઝાની ખાસ બાબત તો એ છે કે, અહીં ગેમ રમવાની શરૂઆત માત્ર 30 રૂપિયાથી થાય છે . જેથી કોઈપણ સામાન્ય વ્યક્તિ પોતાની પોકેટ મનીમાંથી પણ લાઈવ પુલ ગેમ રમી શકે છે .
આ ગેમ રમવાની કોઈ પણ સમય સીમા નથી હોતી. જ્યાં સુધી એક ગેમ પૂર્ણ ન થાય ત્યાં સુધી માત્ર 30 રૂપિયામાં જ કોઈપણ વ્યક્તિ ગેમની મજા માણી શકે છે. ગોધરામાં ઘણા બધા યુવાનો પોતાના મિત્ર વર્તુળ સાથે પોતાના નવરાશના સમયમાં લાઈવ પુલ રમવા માટે દેવનો પ્લાઝામાં અવારનવાર મુલાકાત લેતા હોય છે.
10 થી 12 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું
સ્ટાર્ટ અપની શરૂ કરવા માટે દેવ એ 10 થી 12 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ સાથે 6 જેટલા પુલ ટેબલ મુંબઈથી મંગાવીને બિઝનેસની શરૂઆત કરી હતી. હાલ દેવ મહિને 1 લાખથી 1.5 લાખ સુધીનું ટર્નઓવર કરીને 10 થી 15% ટકા નફો મેળવી રહ્યો છે. દેવ દ્વારા તેના પ્લાઝામાં કામ અર્થે બે વ્યક્તિઓને સ્ટાફ તરીકે રાખવામાં આવ્યા છે . જે દેવને પ્લાઝા ચલાવવામાં મદદ કરે છે. દેવ દ્વારા શરૂ કરવામાં આવેલ લાઇવ પુલ પ્લાઝા ગોધરાના યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ખૂબ મોટી સંખ્યામાં યુવાનો પોતાના મિત્રો સાથે અહીં પ્લાઝામાં ગેમ્સની મજા માણવા માટે આવતા હોય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18