person from Jamnagar sends Garba to CM every year know the reason jsv dr – News18 Gujarati


Sanjay Vaghela, Jamnagar: ગુજરાતીઓનાં પ્રિય તહેવાર એવા નવરાત્રીનાં પર્વને હવે ગણતરીનાં જ દિવસો બાકી છે. નવરાત્રીમાં ગરબાનું ખાસ મહત્વ છે. નવરાત્રી દરમિયાન લોકો ઘરે માતાજીનો ગરબો બેસાડે છે અને નવ દિવસ સુધી તેની પુજા કરે છે. તો બાળાઓ ગરબે ઘૂમીને માતાજીની પ્રતિષ્ઠા કરે છે. બે વર્ષ બાદ લોકો આ વર્ષે ધામધૂમથી નવરાત્રીની ઉજવણી કરશે, જેની તૈયારી અત્યારથી જ શરુ થઇ ચુકી છે. માટીનાં ગરબાથી લઈને ચણીયાચોરીની તૈયારીઓ શરુ થઇ ચુકી છે. તો જામનગરમાં વર્ષોથી ગરબા બનાવતા એક વ્યક્તિ દર વર્ષે એક ગરબો મુખ્યમંત્રીને ગાંધીનગર મોકલે છે. આ ગરબો પણ ખાસ હોય છે. તો આવો જાણીએ કેવો છે આ ગરબો અને કેમ તેઓ મુખ્યમંત્રીને મોકલે છે.

જામનગરમાં આવેલા ગાંધીનગર વિસ્તારમાં રહેતા નયનાબેન સચાણીયાને બાળપણથી જ ગરબા બનાવવા અને તેના પર અવનવી ડિઝાઇન કરવાનો શોખ હતો. ત્યારબાદ લગ્ન બાદ તેઓ પતિ સાથે માટીનાં ગરબા બનાવવાનું કામ કરે છે. તેઓ દર વર્ષે વિવિધ પ્રકારની ડિઝાઇનનાં ગરબા બનાવે છે. જેમાં નાના-મોટી સાઈઝ, તો વિવિધ ડિઝાઇનનાં ગરબા તેઓ બનાવે છે.

ગરબા બનાવવાની પ્રક્રિયા ખુબ જ જટિલ છે. એક ગરબો તૈયાર થતા પહેલા તેના પર 10થી 15 જેટલું વિવિધ કામ થાય છે. તેમાં રંગ કરવો, ડિઝાઇન કરવી અને છેલ્લે તેના પર મોટી કે અન્ય વસ્તુથી ડેકોરેશન કરવું વગેરે કામ કરવામાં આવે છે. એક સાથે તેઓ મોટી સંખ્યામાં ગરબા બનાવતા હોય છે, પરંતુ સરેરાશ કહીએ તો એક ગરબો તૈયાર થવામાં અંદાજે 3થી 4 દિવસનો સમય લાગે છે.

દર વર્ષે મુખ્યમંત્રીને મોકલે છે ગરબો!

નયનાબેને જણાવ્યું કે તેઓ દર નવરાત્રીમાં એક ગરબો રાજ્યનાં મુખ્યમંત્રીને જરૂર મોકલે છે. આ ગરબો ખાસ પ્રકારનો હોય છે. આ ગરબાની ડિઝાઇન કમળ જેવી હોય છે અને તેના મોટી, આભલા, કલર સહીતની વસ્તુઓ લગાવવામાં આવેલી હોય છે. આવું તેઓ શ્રદ્ધાથી કરે છે. તેઓનું કહેવું છે માતાજીના આશીર્વાદ તેમના અને રાજ્યની જનતા પર બન્યા રહે તે માટે કરે છે. ગરબો માતાજીને પ્રિય હોય છે આથી રાજ્ય પર કોઈ આફત ન આવે તેની પ્રાર્થના કરી માતાજીનું પૂજન કરે છે.

આ પણ વાંચો: આ જિલ્લામાં આરોગ્ય વિભાગમાં બહાર પડી મોટી ભરતી, પગાર 25 હજાર સુધી

ઉલ્લેખનીય છે કે અગાઉ માટીનાં ગરબા આવતા હતાં, પરંતુ આજે ગરબામાં વિવિધ રંગોનો ઉપયોગ કરીને તેને સુશોભિત કરવામાં આવે છે. તો આ વખતે તેમાં આંભલા, ટીકી, સિતારા, મોતી સહીતના આભુષણોથી ગરબાને તૈયાર કરવામાં આવ્યા છે. જામનગરના આ ગરબા ન માત્ર જામનગર પરંતુ રાજયભરના અનેક શહેરમાં વેચાય છે. આ ગરબા રૂપિયા 50થી લઈને 1500 રૂપિયા સુધીના વેચાય છે. અન્ય જિલ્લામાંથી વેપારીઓ ગરબા ખરીદવા માટે જામનગર આવે છે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Jamnagar News, Jamnagar Samachar, Navratri 2022, Navratri Garba, જામનગર સમાચાર



Source link

Leave a Comment