- કુનો નેશનલ પાર્ક ખાતે ચિત્તાઓને શરૂઆતમાં ક્વોરેન્ટાઈન માટેના વાડામાં છોડવામાં આવશે
ગ્વાલિયર, તા. 17 સપ્ટેમ્બર 2022, શનિવાર
પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત 70 કરતાં પણ વધારે વર્ષો બાદ ભારતની ધરતી પર ફરી ચિત્તાને વસાવવા માટે નામિબિયાથી એક વિશેષ વિમાન 8 ચિત્તાઓ સાથે મધ્ય પ્રદેશના ગ્વાલિયર ખાતે લેન્ડ થઈ ચુક્યું છે. આ ચિત્તાઓને ભારતીય વાયુસેનાના ચિનુક હેલિકોપ્ટર દ્વારા કુનો નેશનલ પાર્ક ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં તેમને વાડાઓમાં છોડી દેવામાં આવશે. પહેલા વિમાનને નામિબિયાથી રાજસ્થાનના જયપુર ખાતે લેન્ડ કરાવવાની યોજના હતી પરંતુ બાદમાં તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
વિમાને શુક્રવારે રાતે 08:30 કલાકે નામિબિયાની રાજધાની વિંડહોક ખાતેથી ઉડાન ભરી હતી અને આજે સવારે તે ગ્વાલિયરના મહારાજપુર એરપોર્ટ ખાતે લેન્ડ થયું હતું.
આ પણ વાંચોઃ 70 વર્ષ બાદ ભારતમાં જોવા મળશે ચિત્તા, જુઓ પ્રથમ ઝલકનો વીડિયો
મધ્ય પ્રદેશના મુખ્ય વન સંરક્ષક જે એસ ચૌહાણ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે જરૂરી દસ્તાવેજીકરણ સહિતની તમામ ઔપચારિકતા પૂર્ણ કર્યા બાદ ચિત્તાઓને 2 હેલિકોપ્ટર, એક ચિનૂક અને એક એમઆઈ શ્રેણીના હેલિકોપ્ટર દ્વારા ગ્વાલિયરથી આશરે 165 કિમી દૂર પાલપુર ગામ ખાતે પહોંચાડવામાં આવશે. ત્યાંથી ચિત્તાઓને રોડ માર્ગે શ્યોપુર જિલ્લાના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં લઈ જવામાં આવશે.
PM મોદીનો જન્મદિવસ
આજે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે. આ પ્રસંગે તેઓ નામિબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને મધ્ય પ્રદેશના કુનો-પાલપુર નેશનલ પાર્કમાં બનાવવામાં આવેલા ક્વોરેન્ટાઈન વાડાઓમાં છોડશે. આ સાથે જ તેઓ સ્વ-સહાયતા સંમેલનમાં પણ હાજરી આપશે.
વડાપ્રધાન મોદી આજે સવારે 9:40 કલાકે એક વિશેષ વિમાન દ્વારા ગ્વાલિયર પહોંચશે. ત્યાર બાદ 9:45 કલાકે તેઓ કુનો નેશનલ પાર્ક માટે રવાના થશે. 10:45થી 11:15 કલાક દરમિયાન ચિત્તાઓને વાડાઓમાં છોડવામાં આવશે. વડાપ્રધાન આશરે અડધા કલાક સુધી કુનો નેશનલ પાર્કમાં રોકાશે.