દશેરા તરીકે ઉજવાતી આસો માસની દસમના દિવસે દેશભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. કચ્છના પણ ગામડે ગામડે ક્ષત્રિયો સંગઠિત થઈને શસ્ત્રોની પૂજા કરે છે. ત્યારે આ વર્ષે દશેરાના પ્રથમ વખત જિલ્લાભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો ભુજ ખાતે ભેગા થઈ જિલ્લા કક્ષાનો સામૂહિક શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજશે.
કચ્છ જિલ્લા રાજપૂત કરણી સેના અને કચ્છ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત આ શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં કચ્છ રાજપૂત સભાના પ્રમુખ અને માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા અધ્યક્ષ પદે હજાર રહેશે. તો સમગ્ર જિલ્લામાંથી રાજપૂત ભાઈઓને કરણી સેના દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આયોજકોના મતે નારાયણ સરોવરથી લઈને બીજી કોર આડેસર સાંતલપરથી રાજપૂત યુવાનો આ શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં પધારવાના છે અને 10 થી 15 હજાર જેટલા લોકો આ કાર્યક્રમમાં ભાગ લે તેવી શક્યતા છે. દરેક પોતપોતાના શસ્ત્રો સાથે લઈને આવશે જેથી ઉપસ્થિત લોકો કરતાં વધારે શસ્ત્રો ભેગા થશે તેવું આયોજકોએ જણાવ્યું હતું.
બપોરે ત્રણ વાગ્યે શરૂ થનાર આ કાર્યક્રમમાં સૌપ્રથમ સભા બાદ એક વિશાળ રેલી યોજવામાં આવશે, જેમાં હજારો સશસ્ત્ર યુવાનો બાઈક, કાર તેમજ ઘોડાઓ ઉપર સવાર થઈ ભુજમાં પોતાની એકતાનું શક્તિ પ્રદર્શન કરશે. આ રેલી રાજપૂત કુમાર છાત્રાલયથી શરૂ થઈ જ્યુબિલિ ગ્રાઉન્ડ, સ્વામિનારાયણ મંદિર અને પરત છાત્રાલય ખાતે સમાપ્ત થશે, જે બાદ પારંપરિક વિધિથી બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં શસ્ત્ર પૂજન કરવામાં આવશે.
રેલીમાં અન્ય લોકોને કોઈ પરેશાની ન થાય અથવા કોઈ પ્રકારની સમસ્યા ઉભી ન થાય તે માટે ખાસ એક્સ આર્મીની ટીમ તૈયાર કરવામાં આવી છે. આર્મીમાં ફરજ બજાવી નિવૃત થયેલા રાજપૂત સમાજના 40 થી 50 લોકો આ રેલી દરમિયાન વ્યવસ્થા અને શિસ્ત જળવાઈ રહે તેની કાળજી રાખશે.
\”રાજપૂત સમાજ શિસ્તમાં રહેનારું સમાજ છે. હજારો લોકો સાથેની આ રેલી શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થશે અને તે માટે અમારી એક્સ આર્મીની ટીમ પણ તકેદારી રાખશે. અમારી રેલીથી અન્ય સમાજોને પણ શિસ્તબદ્ધ રીતે ભવ્ય રેલી યોજવાની પ્રેરણા મળશે,\” તેવું ગુજરાત કરણી સેના મીડિયા પ્રભારી રાણુભા જાડેજાએ જણાવ્યું હતું.
તમારા શહેરમાંથી (કચ્છ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર