Mustufa Lakdawala, Rajkot: સરકારના ઢોર નિયંત્રણ કાયદાને લઈને સમગ્ર ગુજરાતમાં આજે માલધારીઓએ બંધ પાળ્યો છે. દૂધ વિક્રેતાથી માંડી ડેરી સંચાલકોએ આજે સંપૂર્ણ બંધ પાળ્યો છે. ત્યારે રાજકોટમાં વિરોધમાં પણ માલધારીઓમાં સેવા જોવા મળી છે. રાજકોટમાં યદુવંશી ગોપ ભરવાડ સમાજના ધર્મગુરૂ ઘનશ્યામપુરી બાપુના આહવાનને અનુસરવા રાજકોટમાં માલધારીના એક ગ્રુપે સંપૂર્ણ બંધ પાળી વધેલા દૂધનો સદઉપયોગ કર્યો છે. માલધારીઓએ સિવિલ હોસ્પિટલ, ગુંદાવાડી હોસ્પિટલમાં દર્દીઓ અને જરૂરિયાતમંદ લોકોમાં વિનામૂલ્યે દૂધનું વિતરણ કર્યું હતું. તેમજ ઘણા મંદિરોમાં પણ દૂધ વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું.
માલધારી સમાજના આગેવાનો સેવામાં જોડાયા
રાજકોટમાં માલધારી સમાજના આગેવાનો ભીખાભાઈ પડસાળીયા, રણજીત મુંધવા, નારણભાઈ વકાતર, ગોપાલભાઈ ગોલતર, પાંચાભાઈ બાંભવા, દિલીપભાઈ ગમારા, ધીરજ મુંધવા, વિરલ ડાભી, ભરત ધોળકિયા સહિતનાએ દૂધને રસ્તા પર ન ઢોળવા સંદેશ આપ્યો હતો. તેમજ આ આગેવાનોની ઉપસ્થિતિમાં જ રાજકોટની હોસ્પિટલોમાં દર્દીઓને વિનામૂલ્યે દૂધ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ધાર્મિક સંસ્થાઓમાં પણ વિનામૂલ્યે દૂધ આપ્યું હતું.
માલધારી સમાજના આગેવાનનો સંદેશ
માલધારી સમાજના આગેવાન રણજીત મુંધવાએ જણાવ્યું હતું કે, અમારા ધર્મગુરૂ ઘનશ્યાનપુરી બાપુ છે, તેમણે અમને આદેશ કર્યો હતો કે એ મુજબ આજે દૂધના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ દૂધની ખીર બનાવી લોકોને વિનામૂલ્યે વિતરિત કરવાનો સંદેશ પણ તેમના દ્વારા આપવામાં આવ્યો છે. પણ હાલ રાજકોટમાં દૂધનો બગાડ થઈ રહ્યો છે ત્યારે અમારી અપીલ છે. કે વિરોધના નામે દૂધનો બગાડ ન કરો.
રાજકોટમાં હજારો લીટર દુધ રસ્તા પર ઢોળાયું
રાજકોટમાં આજે માલધારીઓનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો હતો અને ઠેર ઠેર રસ્તા પર માલધારીઓએ હજારો લીટર દૂધ રસ્તા પર ઢોળી દીધું હતું. મોરબી રોડ પર સોખડા ચોકડી પાસે માલધારીઓએ કેનના કેન દૂધ રસ્તા પર ઢોળી વિરોધ કર્યો હતો. તો કાલાવડ રોડ પર એક ટેન્કર રોકી તેનો વાલ્વ ખોલી દેતા દૂધની નદી વહી હતી. તેમજ એરપોર્ટ રોડ પર એક ડેરીમાં તોડફોડ કરી દૂધની થેલીઓ રસ્તા પર ઢોળી દીધી હતી.