વલસાડ જિલ્લાના પારડી નજીક પાર નદી કિનારેથી ગઈ 28 ઓગસ્ટના રોજ બીનવારસી હાલતમાં પડેલી કારમાંથી વલસાડની જાણીતી ગાયિકા વૈશાલી બલસારાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ કરતા વૈશાલીની હત્યા તેની જ મિત્ર બબીતાએ કરાવી હોવાનું બહાર આવ્યું હતું. બબીતાએ વૈશાલી પાસેથી લીધેલા 25 લાખ રૂપિયા પરત ન આપવા પડે તે માટે પંજાબના કોન્ટ્રાક્ટ કિલરોને 8 લાખની સોંપારી આપી અને વૈશાલીની હત્યા કરાવી હોવાનું ચકાવનારા ખુલાસો થયો હતો. ત્યારબાદ પોલીસે આ મામલામાં વૈશાલીની હત્યાની સોંપારી આપનાર આરોપી બબીતાની ધરપકડ કરી હતી. પછી પોલીસે વૈશાલીની હત્યા કરનાર આરોપી કોન્ટ્રાક્ટ કિલર ત્રિલોકસિંગ લાલસિંગ સુખવિંદર ઉર્ફે ઇલુ ઉર્ફે સૂખાભાટીની ધરપકડ કરી હતી. આ મામલામાં બબીતાની સાથે કુલ 4 આરોપીઓની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. અગાઉ પોલીસે બબીતા અને પંજાબથી બે કોન્ટ્રાક્ટ કિલરોની ધરપકડ કરી હતી. બાકી રહેલા આરોપી પ્રવિણસિંગ ઉર્ફે પનનની પણ ધરપકડ કરી આખરે તેને સળીયા પાછળ ધકેલી દીધો છે. આમ વૈશાલી બલસારાની હત્યા કેસમાં હવે પોલીસે તમામ ચારે આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: શું છે સાઇબર ક્રાઇમ? તેનાથી બચવા કઈ પ્રકારની તકેદારી રાખવી જોઈએ
પોલીસના હાથે આ વખતે પંજાબથી ઝડપાયેલા આરોપી પ્રવિણસિંગ ઉર્ફે પન્ની એજ વૈશાલીનું કારમાં મફલરથી ગળું દબાવી અને હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓ વૈશાલીની હત્યા નિપજાવી કારને અવાવરું હાલતમાં પારડીની પાર નદી કિનારે મૂકી અને વલસાડથી સુરત અને ત્યારબાદ ત્યાંથી પંજાબ ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસના હાથે પ્રવિણસિંગ ઝડપાયા બાદ આરોપીઓના કેટલાક ચોંકાવનારા શોખ પણ બહાર આવ્યા છે. જે મુજબ બબીતાએ 8 લાખની સોંપારી આપી વૈશાલીની હત્યા કરવાની જે આરોપીઓને સોંપારી આપી હતી, તે તમામ આરોપીઓ પંજાબના સ્થાનિક ટપોરી અસામાજિક તત્વો છે. તેઓ પૈસા માટે કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ કરવા હંમેશા તૈયાર હોય તેવી માનસિકતા ધરાવે છે. સાથે જ ગુનાહિત પ્રવૃત્તિઓમાં મેળવેલા રૂપિયા મોજશોખ પાછળ વાપરતા હોવાનું અને શરીર પર મોંઘા ટેટુ ચિત્રાવતા હોવાનો પણ શોખ ધરાવે છે. આમ વૈશાલીની હત્યા બાદ મળેલા રૂપિયાથી આરોપીઓએ શરીર પર મોંઘા ટેટુ ચિત્રાવ્યા હોવાનું ચોંકાવનારો ખુલાસો પોલીસ સમક્ષ થયો છે.
અત્યાર સુધી આ કેસમાં કુલ તમામ ચાર આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, ત્યારે વૈશાલીની હત્યા નીપજાવનાર મુખ્ય આરોપી બબીતાની ધરપકડ થઈ તે વખતે આરોપી બબીતા 9 માસની ગર્ભવતી હતી. ત્યારબાદ તે પોલીસ રિમાન્ડ હેઠળ પણ હતી અને રિમાન્ડ પૂરા થતા તેને જ્યુડીશિયલ કસ્ટડીમાં એટલે કે નવસારીની સબજેલમાં રાખવામાં આવી હતી. પરંતુ ગર્ભવતી હોવાથી તેણે જેલમાં જ પ્રસવપીડા ઉપડી હતી ને ત્યારબાદ નવસારીની એક હોસ્પિટલમાં તેણે પ્રસુતિમાં એક બાળકીને જન્મ આપ્યો હતો. આથી કોર્ટે બબીતાને મેડિકલ ધોરણે અને માનવતાના આધાર પર 29 દિવસના જામીન મંજૂર કર્યા છે. આથી બબીતા અત્યારે માતા બન્યા બાદ જામીન પર છૂટી છે. વલસાડની જાણીતી સિંગર વૈશાલી બલસારાની હત્યા કેસનો મામલો સમગ્ર જિલ્લામાં ચર્ચા નું કેન્દ્ર બન્યો હતો, ત્યારે હવે વલસાડ પોલીસની ટેક્નિકલ એનાલિસિસ અને કુનેહને કારણે તમામ આરોપીઓ જેલના સળિયા પાછળ પહુંચી ગયા છે.
તમારા શહેરમાંથી (વલસાડ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat News, Murder case, Valsad news