Special Digital Library started for Blind peoples in Jamnagar jsv dr – News18 Gujarati


Sanjay Vaghela, Jamnagar: જીવનમાં વાંચન ખુબ જ જરૂરી છે, પુસ્તકો વાંચવાની આદત બાળકોને નાનપણથી જ જરૂર પાડવી જોઈએ. વાંચનનો ઘણા લોકોને શોખ પણ હોય છે. પરંતુ ઘણા એવા પણ લોકો છે જેઓને વાંચનનો શોખ તો છે પરંતુ કમનસીબે તેઓ દ્રષ્ટિહીન હોવાથી તેઓ વાંચી શકતા નથી. જો કે આજના ટેક્નોલોજીનાં યુગમાં અનેક કામ સરળ બન્યા છે. ટેક્નોલોજીને કારણે જ દિવ્યાંગોને ખાસ મદદ મળી રહી છે અને તેમના અનેક કામ સરળ બન્યા છે. તેમાં પણ પ્રજ્ઞાચક્ષુઓ માટે વિવિધ ડિવાઇઝની શોધ કરવામાં આવી ચુકી છે. જેમાંથી એક ડિવાઇઝ છે તેઓ સાંભળીને પુસ્તકો વાંચી શકે છે. આવી જ એક અધ્યતન લાઈબ્રેરીની શરૂઆત જામનગરમાં શરુ કરવામાં આવી છે. આ લાઈબ્રેરીની મદદથી પ્રજ્ઞાચક્ષુ લોકો સરળતાથી પુસ્તકો સાંભળી શકે છે. તો કેવી છે આ લાઈબ્રેરી, શું શુ સુવિધાઓ છે આવો જાણીએ.

નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ એટલે કે અંધજન વિવિધ તાલીમલક્ષી કેન્દ્ર દ્વારા જામનગર શહેરમાં એરોડ્રોમ રોડ પર આવેલી તેમની શાખામાં એક ખાસ અધ્યતન ડિજિટલ લાઈબ્રેરી શરુ કરવામાં આવી છે. આ ડિજિટલ લાઈબ્રેરીમાં 6000 જેટલાં પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ પુસ્તકોમાં ગુજરાતી, હિન્દી ઈંગ્લીશ ભાષાનો પણ સમાવેશ થાય છે. આ ડિજિટલ લાઈબ્રેરીની મદદથી પ્રજ્ઞાચક્ષુ લોકો પણ સરળતાથી પુસ્તકોનું જ્ઞાન મેળવી શકે છે. અંધજન વિવિધ તાલીમ લક્ષી કેન્દ્ર દ્વારા ખાસ પ્રજ્ઞાચક્ષુ લોકો માટે વિઝ્યુઅલી ઈમ્પૅડની સહાયથી આ ડિજિટલ લાઇબ્રેરીના કોમ્પ્યુટર વસાવવામાં આવ્યા છે.

કેવી છે આ ડિજિટલ લાઈબ્રેરી?

આ ડિજિટલ લાઈબ્રેરીમાં એક ખાસ પ્રકારનું કોમ્પ્યુટર લગાવવામાં આવ્યું છે અને તેની સાથે એક શ્રાવ્ય મશીન લગાવવામાં આવ્યું છે, જેથી પ્રજ્ઞાચક્ષુ લોકો સરળતાથી પુસ્તકોનું જ્ઞાન મેળવી શકે છે. આ કોમ્પ્યુટરને ટોકિંગ કોમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કોમ્પ્યુટરમાં શ્રાવ્ય પુસ્તકો હોય છે જેને સાંભળી શકાય છે. આ શ્રાવ્ય પુસ્તકો ખાસ બ્લાઇન્ડ પીપલ એસોસીએશન તરફથી આપવામાં આવ્યા છે.

આ સિવાય કેટલાક પુસ્તકો ઈન્ટરનેટ પરથી પણ ડાઉનલોડ કરવામાં આવ્યા છે. કોઈ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને આ શ્રાવ્ય પુસ્તક ઘરે લઇ જવું હોય તો પણ પેન ડ્રાઇવમાં પુસ્તક ડાઉનલોડિંગ કરી આપવામાં આવે છે. જે બિલકુલ મફત છે. આ લાઈબ્રેરી શરુ કરવા પાછળનો હેતુ પણ એજ છે કે પ્રજ્ઞાચક્ષુ લોકો પણ સારી રીતે પુસ્તકો વાંચી શકે. જામનગરમાં એરોડ્રોમ રોડ પર આવેલી અંધજન વિવિધ લક્ષી તાલીમ કેન્દ્રમાં આ લાઈબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે.

જેમાં સવારે 11થી સાંજે 5 વાગ્યાં સુધી પ્રજ્ઞાચક્ષુ લોકો ફ્રીમાં તેનો લાભ લઇ શકે છે. ઉલ્લેખનીય છે કે અંધજનો માટેની કામગીરી અંગે સામાન્ય લોકો માહિતગાર થાય તે હેતુથી દરવર્ષે અંધતત્વ નિવારણ માટે ધ્વજદિન ઉજવાય છે, જેમાં વિવિધ સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ અને સ્કૂલ, કોલેજોમાં ધ્વજની વહેંચણી કરવામાં આવે છે.

તમારા શહેરમાંથી (જામનગર)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Jamnagar News, Jamnagar Samachar, જામનગર સમાચાર



Source link

Leave a Comment