- પૂર્વ સૈનિકોના પ્રશ્નો અંગે ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવના અધ્યક્ષ સ્થાને 5 સદસ્યોની કમિટી રચાશે
ગાંધીનગર, તા. 21 સપ્ટેમ્બર 2022, બુધવાર
વિધાનસભા ચૂંટણી નજીક આવવાની સાથે જ વિવિધ ક્ષેત્રના સરકારી કર્મચારીઓ પોતાની વિવિધ માગણીઓ મામલે રાજ્ય સરકારનું નાક દબાવવા માટે પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર સામે 20થી પણ વધારે આંદોલનો ચાલી રહ્યા છે. તેમાંથી એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નો મામલે સમાધાન કરવામાં આવતા તેમનું આંદોલન સમેટાયું હતું. ત્યારે હવે પૂર્વ સૈનિકોના આંદોલનનો પણ અંત આવ્યો છે.
સરકારે પૂર્વ સૈનિકોના પ્રશ્નો અંગે કમિટીની રચના કરવાની જાહેરાત કરી ત્યાર બાદ આંદોલન પૂર્ણ થયું છે. માજી સૈનિકોના 14 જેટલા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ઉચ્ચ કક્ષાની સમિતિ રચવામાં આવશે. ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવના અધ્યક્ષ સ્થાને કમિટી બનાવવામાં આવશે. આ સાથે જ આજે બે આંદોલનના સુખદ અંત સાથે વિવિધ આંદોલનોના ચક્રવ્યૂહને તોડવામાં સરકારને સફળતા મળવાની શરૂઆત થઈ છે.
આ પણ વાંચોઃ ગુજરાતના ST કર્મચારીઓની જીત, રાજ્યમાં એક આંદોલન સમેટાયું
5 અધિકારીઓની કમિટી બનાવાશે
ગુજરાતના માજી સૈનિકો પોતાના વિવિધ અધિકારોની માગણીઓ સાથે છેલ્લાં ઘણાં સમયથી ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા હતા. જોકે વિધાનસભા સત્રની શરૂઆત પહેલાં જ સરકાર તરફથી હકારાત્મક અભિગમ અપનાવવામાં આવતાં માજી સૈનિકોનું આંદોલન સમેટાયું છે.
માજી સૈનિકો પોતાની 14 પડતર માંગણીઓને લઈને છેલ્લાં ઘણાં આંદોલન કરી રહ્યા હતા. આખરે સરકારે આજે 5 અધિકારીઓની કમિટી બનાવવાની તથા તેમની 14 માગણીઓ અંગે ચર્ચા કરવાની બાંહેધરી આપી છે અને આ કમિટીમાં 3 અધિક મુખ્ય સચિવ પણ રહેશે.
નિશ્ચિત સમય મર્યાદામાં આ કમિટી પોતાનો રિપોર્ટ ફાઈલ કરશે. ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવના અધ્યક્ષ સ્થાને બનાવાયેલી 5 સદસ્યોની કમિટીમાં મહેસૂલ, સામાન્ય વહીવટ, નાણા અને ગૃહ વિભાગના સચિવોનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ માજી સૈનિકોની 5 માંગણીઓનો સ્વીકાર, શહીદના પરિવારને મળશે 1 કરોડનું વળતર
જાણો શું છે માજી સૈનિકોની 14 માગણીઓ
- શહીદ સૈનિકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 1 કરોડની સહાય
- માજી સૈનિકને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવામાં આવે
- ઉચ્ચ અભ્યાસમાં માજી સૈનિકના બાળકોને અનામત
- ગુજરાત સરકારી સેવામાં 5 વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદી
- માજી સૈનિકના બાળકોના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવવો
- શહીદ સૈનિકના દીકરા અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી
- વર્ગ-1 અને વર્ગ-4 સુધીની નિમણૂક વખતે માજી સૈનિકોને અપાતી અનામતનો ચુસ્ત અમલ
- ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્મારક
- રહેણાંક માટે પ્લોટની ફાળવણીના નિયમનો ચુસ્ત અમલ
- કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ્દ કરીને સરકાર દ્વારા સીધી માજી સૈનિકની નિમણૂકની જોગવાઈ
- દારૂ માટે ભારતીય સેનાએ આપેલી પરમિટ માન્ય રાખવાની જોગવાઈ
- સેનાની નોકરીનો સમય ગાળો પુનઃ નોકરીમાં સળંગ ગણી પગાર રક્ષણ
- ગુજરાત સરકારી સેવામાં 5 વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદી