અમેરિકાના વર્જિનિયામાં વોલમાર્ટ મોલમાં ગોળીબાર : 6 લોકોનાં મોત



- ત્રણ દિવસ પહેલા કોલોરાડોમાં ગોળીબારથી પાંચનાં મોત થયા હતાં

- 2022માં અત્યાર સુધીમાં સામૂહિક હત્યાની 40 ઘટનાઓ બની : 2019માં સામૂહિક હત્યાની 45 ઘટના બની હતી

- સામૂહિક હત્યામાં હુમલાખોર સિવાય ઓછામાં ઓછા ચારનાં મોત થયા હોય તેને સામૂહિક હત્યા ગણવામાં આવી

ચેસાપીક : અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ બંધ થવાનું નામ લઇ રહી નથી. અમેરિકાના વર્જિનિયાના ચેસાપીકમાં વોલમાર્ટના સુપર માર્કેટમાં તેના જ મેનેજરે બેફામ ગોળીબાર કરતા છ લોકોનાં મોત થયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. આ ઘટનામાં હુમલાખોરનું પણ મોત થયું છે.

પોલીસ અધિકારી લિઓ કોસિનસ્કીના જણાવ્યા અનુસાર ચેસાપીકનું સુપર માર્કેટ હવે સંપૂર્ણ સુરક્ષિત છે અને તપાસ માટે આ મોલ કેટલાક દિવસો સુધી બંધ રહેશે.

શહેરના મેયર રિક ડબ્લ્યુ વેસ્ટના જણાવ્યા અનુસાર આપણા શહેરમાં ગઇકાલ રાતે બનેલી હિંસાની ઘટનાથી હું શોકગ્રસ્ત છું.

એસોસિએટેેડેટ પ્રેસ, યુએસએ ટુડે અને નોર્થઇસ્ટર્ન યુનિવર્સિટી દ્વારા સંચાલિત ડેટા ૨૦૦૬થી અમેરિકાની દરેક સામૂહિક હત્યાની ઘટના પર નજર રાખી રહ્યું છે. તેમના જણાવ્યા અનુસાર સામૂહિક હત્યાની બાબતમાં ૨૦૨૨નું વર્ષ ખૂબ જ ખરાબ રહ્યુ છે.

ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સામૂહિક હત્યાની ૪૦ ઘટનાઓ બની છે. આ અગાઉ ૨૦૧૯માં સામૂહિક હત્યાની ૪૫ ઘટનાઓ બની હતી. આ ડેટા સામૂહિક હત્યા એવી હત્યાને ગણે છે જેમાં હત્યારા સિવાય ઓછામાં ઓછા ચાર લોકોનાં મોત થયા હોય.

ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા જ કોલારાડોની ગે નાઇટ કલબમાં ગોળીબાર થયો હતો જેમાં પાંચ લોકોનાં મોત થયા હતાં અને ૧૭ લોકો ઘાયલ થયા હતાં. તેની પહેલા ટેક્સાસની શાળામાં થયેલા ગોળીબારમાં ૨૧ લોકોનાં મોત થયા હતાં.

આ અગાઉ ૨૦૧૯માં પણ વોલમાર્ટના મોલમાં ગોળીબાર થયો હતો જેમાં ૨૨ લોકોનાં મોત થયા હતાં.



Source link

Leave a Comment