- લોકઆઉટ અને વેતન વિવાદને લઈને કર્મચારીઓમાં રોષ
- સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઘણા કામદારો ઘાયલ
નવી દિલ્હી,તા.25 નવેમ્બર 2022,શુક્રવાર
ચીનમાં એપલના પ્લાન્ટમાં લગભગ 20,000 નવા કામદારોએ કામ બંધ કરી દીધું છે. તેનાથી પ્રતિષ્ઠિત બ્રાન્ડ એપલના ઉત્પાદનોના ઉત્પાદન પર અસર થવા લાગી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કામ બંધ કરીને કંપની છોડી ગયેલા 20,000 લોકોમાં વધુ નવા કામદારો છે અને તેઓ હવે પ્રોડક્શન લાઇન પર કામ કરી રહ્યા નથી. ચીનના ઝેનઝોઉમાં એપલના સપ્લાયર ફોક્સકોનના પ્લાન્ટમાં કામ કરતા એક સૂત્રએ મીડિયાને આ અંગે માહિતી આપી છે.
આ બાબતની જાણકાર વ્યક્તિએ કહ્યું છે કે, આ કામદારોના કામ બંધ થવાને કારણે એપલ પ્લાન્ટમાં ઉત્પાદન લક્ષ્યાંક હાંસલ કરવાની પ્રક્રિયાને ફટકો પડ્યો છે. કંપનીએ નવેમ્બર સુધીમાં સંપૂર્ણ ઉત્પાદન ફરી શરૂ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. પરંતુ, કામદારોની અશાંતિને કારણે વિશ્વની સૌથી મોટી iPhone ફેક્ટરીમાં ઉત્પાદનને અસર થઈ છે. એક દિવસ પહેલા જ ચીનમાં વિશ્વની સૌથી મોટી Apple iPhone ફેક્ટરીમાં કોરોના લોકઆઉટ અને વેતન વિવાદને લઈને કર્મચારીઓના ઉગ્ર વિરોધના સમાચાર હતા. સોશિયલ મીડિયા પર આ અંગેના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઘણા કામદારો ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સેંકડો કામદારોનું ફેક્ટરીના સુરક્ષા કર્મચારીઓ સાથે ઘર્ષણ થયું હોવાના અહેવાલ છે. કોરોનાના કારણે લગભગ એક મહિનાથી ફેક્ટરીમાં કડક નિયંત્રણો અને વેતન અંગેના વિવાદને કારણે કામદારો ઉશ્કેરાયા હોવાના સમાચાર છે. ચીનના ઝેંગઝોઉ સ્થિત એપલ પ્લાન્ટમાં ઓક્ટોબરથી તણાવ જોવા મળી રહ્યો હતો. કોરોના પ્રતિબંધને કારણે લોકડાઉન શરૂ થયું ત્યારથી કામદારોમાં અસંતોષ વધી રહ્યો હતો. આઇફોન સિટીના 200,000 થી વધુ કામદારોમાંથી ઘણાને અલગ કરવામાં આવ્યા હતા. તેમને ભોજન અને દવાઓ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.