અહેવાલો મુજબ ટ્વિટરના કર્મચારીઓ નોકરી છોડી રહ્યા છે. મસ્કે મૂકેલી શરતો ઘણા કર્મચારીઓને માન્ય ન હોવાનું ફલિત થયું છે. કર્મચારીઓને વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર, પ્રેસ અથવા અન્ય જગ્યાએ કંપનીની ગોપનીય જાણકારી શેર ના કરવી અને કંપનીની પોલિસીનું પાલન કરવું.
વધુ વિગતો મુજબ અનેક કર્મચારીઓએ એલન મસ્કની નવી શરતો સ્વીકારી નથી અને કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે. કંપનીના એક પૂર્વ કર્મચારીએ પોતાનું નામ જાહેર ના કરવાની શરતે જાણકારી આપી છે કે, મોટી સંખ્યામાં કર્મચારીઓએ રાજીનામું આપ્યા બાદ કંપનીમાં 2,000થી ઓછા કર્મચારીઓ જ બચશે.
ટ્વિટર સોમવાર સુધીમાં બંધ થઈ જશે?
આ પૂર્વ કર્મચારીએ દાવો કર્યો છે કે, તેમની ટીમના તમામ લોકોની છટણી કરી દેવામાં આવી હતી. ટીમના મેનેજરને કાઢી મુકવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમની આખી ટીમના લોકોને કંપનીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.
આ અંગે અન્ય એક કર્મચારી જાણકારી આપે છે કે, તેઓ વધુ સમય સુધી કામ કરવા તૈયાર હતા, તેમ છતાં તેમણે કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેઓ જણાવે છે કે, જે વ્યક્તિ ધમકી આપે તેવી વ્યક્તિ માટે હું કામ કરવા બિલ્કુલ પણ તૈયાર નથી. હું પહેલેથી સપ્તાહમાં 60થી 70 કલાક કામ કરી રહ્યો હતો.
ટ્વિટરના પૂર્વ અધ્યક્ષ બ્રૂસ ડેસ્લેએ કર્મચારીઓના રાજીનામા અંગે BBCને જાણકારી આપી હતી. તેઓ જણાવે છે કે, ટ્વિટરના પૂર્વ એન્જિનિયર દાવો કરી રહ્યા હતા કે, ટ્વિટર સોમવાર સુધીમાં બંધ થઈ શકે છે.
તેમણે જણાવ્યું કે, ટ્વિટરમાં અનેક એવા ફીચર છે, જેના કારણે એન્જિનિયરોએ સાઈટ પર રહેવું પડે છે. જો આ એન્જિનિયરોએ રાજીનામું આપી દીધું તો તેના કારણે મુશ્કેલી ઊભી થઈ શકે છે. અનેક લોકો આ બાબતે પોસ્ટ કરી રહ્યા છે, તમે ઓનલાઈન તે સર્ચ કરી શકો છો.
આ પણ વાંચો: એલન મસ્કના અલ્ટીમેટમથી ટ્વિટરને ઝટકો, અનેક કર્મચારીઓએ ધડાધડ આપી દીધા રાજીનામા
એલન મસ્કનો કર્મચારીઓને મેસેજ
અગાઉ એલન મસ્કે ટ્વિટરના કર્મચારીઓને મેઈલ કરીને જણાવ્યું હતું કે, તેમને વધુ સમય સુધી કામ કરવું પડશે, નહીંતર તેઓ નોકરી છોડી શકે છે. કર્મચારીઓએ કંપનીમાં રહેવું હોય તો તેમણે આ શરત મંજૂર રાખવી પડશે.
એલન મસ્કે આ શરતો મંજૂર કરવા 17 નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો. જે લોકો શરતો નહીં માને તેમને કંપનીમાંથી બરતરફ કરી દેવામાં આવશે.
ટ્વિટરે ઓફિસો બંધ કરી
અહીં ઉલ્લેખનિય છે કે, નવેમ્બર મહિનાની શરૂઆતમાં કંપનીએ 50 ટકા કર્મચારીઓની છટણી કરવાની તૈયારી દર્શાવી હતી. આ દરમિયાન હવે નોકરી છોડીને જઈ રહેલા કર્મચારીઓ #LoveWhereYouWorked હેશટેગ કરીને ટ્વિટ કરી રહ્યા છે. જેમ જેમ કર્મચારીઓ રાજીનામા આપવા લાગ્યા તેમ તેમ ટ્વિટરે તેની ઓફિસો બંધ કરી દીધી છે અને બેજ એક્સેસ સ્થગિત કરી દીધી છે.
આ પ્રકારની પરિસ્થિતિ બાદ એલન મસ્કે ટ્વિટ કર્યું છે કે, હાલમાં ટ્વિટરનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એલન મસ્કના આ ટ્વિટ પર ધારદાર જવાબ આપવામાં આવ્યો છે. રિપ્લાયમાં જણાવવામાં આવ્યું છે કે, રોમમાં ક્યારેય પણ રાત્રિના સમયે આટલું અજવાળું થયું નથી.- નીરો.’ જેમાં રોમન સમ્રાટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, રોમ ભડકે બળી રહ્યું હતું ત્યારે નીરો ફિડલ વગાડતો હતો.
કર્મચારીઓની છટણીનો દૌર
નોંધનીય છે કે, એલન મસ્કે ટ્વિટર સંભાળ્યું તે પહેલા કંપનીમાં 7,500 કર્મચારીઓ હતા. ભારતમાં ટ્વિટરના 200થી વધુ કર્મચારીઓ હતા, જેમાંથી મોટાભાગનાને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. એન્જિનિયરિંગ, સેલ્સ, માર્કેટિંગ અને કોમ્યુનિકેશન ટીમમાં છટણી કરવામાં આવી છે. આ કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ પણ હતા, જેમાંથી મોટાભાગના લોકોને કંપનીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. એટલું જ નહીં, ટ્વિટરમાં વર્ક ફ્રોમ હોમ સંપૂર્ણપણે સમાપ્ત કરી દેવામાં આવ્યું છે. એલન મસ્કે એક સમયે ટ્વિટ કર્યું હતું કે, કંપનીમાં સૌથી સારા લોકો છે. આ કારણોસર હું તે બાબતે બિલ્કુલ પણ ચિંતિત નથી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર