એસ.ટી.ના કર્મચારીઓના કાળીપટ્ટી બાંધી સૂત્રોચ્ચાર


- વ્યાજબી માંગણીનું લેખિત સમાધાન છતાં અમલવારી કરવામાં આડોડાઈ

- 21 મીથી 2 દિવસ ઘંટનાદ, શુક્રવારની રાતથી એસ.ટી. બસોના પૈડાં થંભાવી કર્મચારીઓ અચોક્કસ મુદ્દત સુધી માસ સીએલ પર ઉતરી જશે

ભાવનગર : એસ.ટી.ના કર્મચારીઓની વિવિધ ૧૨ માંગણીઓ બાબતે સરકારે લેખિત સમાધાન કર્યું હોવા છતાં અમલવારી કરવામાં આડોડાઈ કરાતા એસ.ટી.ના કર્મચારીઓએ આંદોલન છેડયું છે. જેને લઈ આજે ભાવનગર એસ.ટી.ના કર્મચારીઓએ કાળીપટ્ટી બાંધી રિશેષ સમયમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. જો પ્રશ્નનો નિવેડો નહીં આવે તો શુક્રવારની શરૂ રાતથી કર્મચારીઓ એસ.ટી. બસોના પૈડાં થંભાવી અચોક્કસ મુદ્દત સુધી માસ સીએલ પર ઉતરી જશે.

એસ.ટી.ના ડ્રાઈવર-કંડક્ટરના ગ્રેડ-પેમાં સુધારા સંદર્ભે ઈન્ક્રીમેન્ટ/નોશનલ ગણી અસર આપવાની અમલવારી, ૧૭ ટકા મોંઘવારી ભથ્થુંની અસર, વિવિધ ભથ્થામાં વધારો, ઓવર ટાઈમ મેળવતા કર્મચારીઓને ૭મા પગારપંચ મુજબ મળતા પગાર ધોરણે ઓ.ટી.ના દરમાં સુધારો સહિતના ૧૨ પ્રશ્નની માંગણી સંતોષવા મામલે વારંવાર રજૂઆતો બાદ વાહનવ્યહાર મંત્રી, નિગમના મુખ્ય વ્યવસ્થાપક વગેરે સાથે મળેલી બેઠકમાં લેખિત સમાધાન કરાયું હતું. પરંતુ સરકાર અને નિગમની ખોરી દાનતના કારણે અભી બોલા અભી ફોકની જેમ લેખિત સમાધાન છતાં એક પણ મુદ્દે અમલવારી કરવામાં આવી ન હતી. આ બાબતે વાહનવ્યવહાર મંત્રીએ મિટીંગ યોજવા પણ ખાત્રી આપી પરંતુ તેને પણ ઘણાં દિવસ જેટલો સમય થવા છતાં મિટીંગનું નામસુધ્ધા લેવામાં ન આવતા એસ.ટી.ના ત્રણેય માન્ય સંગઠનોએ અગાઉ મોકૂફ રખાયેલા આંદોલનને પુનઃજીવીત કરી ૧૬મીથી આંદોલનના મંડાણ કર્યા છે. આંદોલનના ભાગરૂપે આજે એસ.ટી.ના કર્મચારીઓ કાળીપટ્ટી ધારણ કરી રિશેષ સમયમાં સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ ૨૦મી સુધી ચાલશે. ત્યારબાદ ૨૧મી અને ૨૨મીના રોજ ઘંટનાદનો કાર્યક્રમ યોજશે અને તા.૨૨-૯ની મધરાત્રિ ૦૦-૦૦ (તા.૨૩-૯ને શુક્રવાર)થી તમામ કર્મચારી બસના પૈડાં થંભાવી દઈ માસ સી.એલ. પર ઉતરી જશે.



Source link

Leave a Comment