- મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં આજથી 3 દિવસ કલા ઉત્સવ
- 2 વર્ષનાં અંતરાય બાદ યુનિવર્સિટી અમૃત રંગ યુવા ઉર્જા મહોત્સવનો રંગારંગ પ્રારંભ : આજે ઉદ્ઘાટન સાથે નવ કૃતીઓની સ્પર્ધા યોજાશે
ભાવનગર : ભાવનગરના યુવા કલાકારોમાં કુદરતે ઠાસીને કલા ભરી છે ત્યારે આ કલાકારોની પ્રતિભાને જીવંત કરવા કે મુર્તિમંત કરવા પ્રથમ પગથીયુ એટલે યુવક મહોત્સવ બે વર્ષના કોરોનાના કપરા કાળ બાદ યુવાધન માટે પ્લેટફોર્મ પુરૂ પાડતા યુનિવર્સિટીનાં યુથ ફેસ્ટીવલનું આયોજન આ વર્ષે થયું છે અને ૩૦માં આંતર કોલેજ યુવક મહોત્સવના પ્રથમ દિવસે આજે કાળીયાબીડ પાણીની ટાંકીથી કલાકારોની પ્રથમ ઈવેન્ટ કલાયાત્રા એમ્ફી થીયેટર પહોંચતી હતી અને કાલે ઉદ્ધાટન બાદ રંગારંગ કલાની પ્રસ્તુતિ થશે.
કલાકારોને સ્ટેજ પુરૂ પાડવાના ઉમદા ધ્યેય સાથે વિવિધ ૪૪ કોલેજોની ટીમો વચ્ચે સાહિત્યિક, સાંસ્કૃતિક, અને કલા ક્ષેત્રે કુલ ૩૪ સ્પર્ધા યોજાશે. જ્યારે યુવક મહોત્સવનાં આકર્ષણ સમી કલાયાત્રા ઉદ્ધાટન સમારોહની પૂર્વ સંધ્યાએ કાળીયાબીડ પાણીની ટાંકીથી નિકળી એમ્ફિ થીયેટર જશે જેમાં ૩૦૦થી વધુ સ્પર્ધકો આ કલાયાત્રામાં જોડાયા હતા.
આજથી પ્રારંભ થયેલ યુવક મહોત્સવ તા. ૨૧ના રોજ સમાપન સમારંભ અને વિજેતાઓની જાહેરાત સાથે પૂર્ણ થશે. જ્યારે આવતીકાલે સવારે ૧૦ કલાકે ઉદ્ધાટન સમારોહ યુનિવર્સિટીના એમ્ફ થીયેટર ખાતે યોજાનાર છે. આ અમૃત રંગ યુવા ઉર્જા મહોત્સવને શિક્ષણ મંત્રી ખુલ્લો મુકશે જ્યારે યુવાઓને પ્રેરણા આપવા અને શુન્યથી સર્જન કરવાની કેડી કંડારવા કલા જગતનાં અભિષેક જૈન અતિથી રહેશે જયવીરરાજસિંહજી (યુવરાજ) તથા મેયર, સાંસદ, ધારાસભ્ય, સહિતના મહેમાનો યુથને પ્રોત્સાહિત કરશે અને ત્યારબાદ વિવિધ પાંચ કલા મંચ ઉપર નિયત સમય પત્રક મુજબ સ્પર્ધાઓનો શુભારંભ કરવામાં આવશે.