- રત્નકલાકાર પર ચોરીનું આળ મૂકી અન્ય કારીગરો સામે તેના કપડાં કઢાવી બળજબરીથી લખાણ પણ લીધું હતું
- કારખાનાના સીસીટીવી ફુટેજમાં ખુલાસાને પગલે ઘટનાના અઢી મહિના બાદ ગુનો નોંધાયો
સુરત,તા.25 નવેમ્બર 2022,શુક્રવાર
સુરતના કાપોદ્રા સ્થિત યોગી જેમ્સના ત્રીજા માળેથી કૂદકો મારી રત્નકલાકારની આત્મહત્યાના બનાવમાં રત્નકલાકાર પર ચોરીનું આળ મૂકી અન્ય કારીગરો સામે તેના કપડાં કઢાવી બળજબરીથી લખાણ લેનાર કારખાનાના માલિક અને બે મેનેજર વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો કારખાનાના સીસીટીવી ફુટેજમાં ખુલાસાને પગલે ઘટનાના અઢી મહિના બાદ નોંધાયો છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના ગારીયાધારના રતનવાવના વતની અને સુરતમાં મોટા વરાછા શિવધારા કેમ્પસ ઘર નં.બી-101 માં રહેતા તેમજ અડાજણ ખાતે વિઝાની ઓફિસ ધરાવતા 34 વર્ષીય કિરણભાઇ ચદુંભાઇ નાવડીયાના મોટા ભાઈ હાર્દિક ( ઉ.વ.38 ) કાપોદ્રા માધવબાગ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી સ્થિત યોગી જેમ્સમાં રત્નકલાકાર તરીકે કામ કરતા હતા.ગત 9 સપ્ટેમ્બરના રોજ કિરણભાઈ સાળંગપૂર ખાતે દર્શન કરવા ગયા હતા.બીજા દિવસે સવારે તે ઘરે પરત ફરતા હતા ત્યારે કોઈ મહિલાએ ફોન કરી જાણ કરી હતી કે તેમના ભાઈ હાર્દિક કારખાનામાં લપસી જતા પડી ગયા છે.ઘરે પહોંચતા કિરણભાઈને જાણ થઈ હતી કે કારખાનામાં હાર્દિકભાઈની ઉપર ચોરીનો આળ મૂકી પુછપરછ કરતા તેમણે કારખાનાની બારીમાંથી પડતું મુકતા તેમનું મોત થયું છે.આથી તેમણે યોગી જેમ્સ જઈ બનાવ અંગે પૂછ્યું હતું પણ ત્યાંથી કોઈ જવાબ મળ્યો નહોતો. ઉપરાંત, અંતિમવિધિ બાદ કારખાનાના સીસીટીવી ફૂટેજ જોવા માંગ્યા તો તે જોવા દીધા નહોતા.
દરમિયાન, કાપોદ્રા પોલીસે આ બનાવમાં અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી સીસીટીવી ફૂટેજ મેળવ્યા તો તેમાં હીરાના પેકેટની ચોરીનો ખોટો આરોપ મુકી કારખાનાના માલિક જિજ્ઞેશભાઇ રવજીભાઇ ચલોડીયા તથા બીજા બે મેનેજરોએ અન્ય કારીગરોની હાજરીમાં હાર્દિકભાઈના કપડાં કઢાવી તેમની આબરૂને લાંછન લગાડયું હતું.તેમજ તેમનું ડેબીટ કાર્ડ તેમજ પીન નંબર મેળવી દબાણ કરી કોરા કાગળ ઉપર કંઇક લખાણ કરાવી માર મારતા તે આઘાતમાં તેમણે કારખાનાના ત્રીજા માળેથી કારીગરોની નજર બહાર બારીમાંથી કુદકો મારી આત્મહત્યા કરી હતી.આ હકીકતને પગલે કાપોદ્રા પોલીસે ગતરોજ કિરણભાઈની ફરિયાદના આધારે યોગી જેમ્સના માલિક જિજ્ઞેશભાઇ રવજીભાઇ ચલોડીયા તથા બે મેનેજરો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.