અગાઉની ચૂંટણીના આર્થિક વ્યવહારોને ધ્યાને રાખીને
મોટી રોકડની હેરાફેરી ઉપર નજર રાખવા માટ ચૂંટણી તંત્રએ ખાસ
ટીમો ગોઠવી ઃ ઓબ્ઝર્વર પણ દેખરેખ રાખશે
ગાંધીનગર : ચૂંટણી સમયે જેમ સંવેદનશીલ વિસ્તારો ગુનાહિત ઇતિહાસને
ધ્યાને રાખીને નક્કી થતા હોય છે તેમ ચૂંટણી તંત્ર પણ ચૂંટણી સમયે નાણાની હેરફેર
અટકાવવા માટે ખાસ નજર રાખે છે. જિલ્લામાં ખર્ચના ઓબ્ઝર્વર નીમી દેવામાં આવ્યા છે.
ત્યારે પાંચ બેઠકો પૈકી જિલ્લાની ગાંધીનગર ઉત્તર અને કલોલ બેઠક ખર્ચની દ્રષ્ટીએ
સંવેદનશીલ ગણવામાં આવી છે જેથી આ બન્ને બેઠકો ઉપર તંત્રનું સ્ટેટીક સર્વેલન્સ ખાસ
નજર રાખી રહ્યું છે.
રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને હાલ રાજકીય
પક્ષો ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આ સ્થિતિમાં ચૂંટણી
તંત્રના માથે ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની પણ સૌથી મોટી જવાબદારી છે.
ચૂંટણીમાં આમ તો વિધાનસભા બેઠકો ઉપર સંવેનશીલ મતદાન મથકોની યાદી તૈયાર થતી હોય છે
આ વિસ્તારમાં ગુનાહિત ભુતકાળને ધ્યાને રાખીને સંવેદનશીલ મતદાન મથકોની વધઘટ થતી હોય
છે ત્યારે તંત્રએ આ જ પ્રકારે ખર્ચની રીતે સંવેદનશીલ બેઠકો પણ તૈયાર કરી છે જેમાં
ગાંધીનગર ઉત્તર અને કલોલ બેઠકનો સમાવેશ થાય છે. આ બન્ને બેઠકોમાં ભુતકાળમાં
સ્ટેટીક સર્વેલન્સ ટીમો દ્વારા કરોડો રૃપિયાની નાણાકિય હેરફેર પકડવામાં આવી હતી
એટલુ જ નહીં, ચૂંટણી
તંત્રને ખર્ચ સંબંધિત પણ વ્યાપક ફરિયાદો મળી હતી જેને ધ્યાને રાખીને આ બન્ને
બેઠકોને ખર્ચની દ્રષ્ટીએ સંવેદનશીલ જાહેર કવામાં આવી છે. જેથી અહીં સ્ટેટીક
સર્વેલન્સની ટીમોને ખાસ નજર રાખવા તાકિદ કરવામાં આવી છે. એટલુ જ નહીં, ચૂંટણી પંચ
દ્વારા આ બન્ને બેઠકો ઉપર ખર્ચના ઓબ્ઝર્વરોને પણ બારીકાઇથી કામ કરવા સુચના આપવામાં
આવી છે. જેમના દ્વારા આ વિસ્તારના ઉમેદવારોના આર્થિક વ્યવહારો ઉપર નજર રાખવામાં
આવશે.