- રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નવા પાર્ટી પ્રમુખે ‘એક વ્યક્તિ એક પદ’ના સિદ્ધાંતનું પાલન કરવું પડશે
નવી દિલ્હી, તા. 23 સપ્ટેમ્બર, 2022, શુક્રવાર
હંમેશા વંશવાદના આરોપોનો સામનો કરતી દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસમાં 24 વર્ષ બાદ ગાંધી પરિવાર સિવાયની કોઈ વ્યક્તિ અધ્યક્ષ બને તે લગભગ નિશ્ચિત જણાઈ રહ્યું છે. કોંગ્રેસના અધ્યક્ષ પદની આ રેસમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સૌથી આગળ ગણાય છે. ગાંધી પરિવારની પહેલી પસંદ ગણાતા અશોક ગેહલોત પાર્ટીના આાગમી અધ્યક્ષ બને તેવી શક્યતા ખૂબ જ પ્રબળ છે.
આ પણ વાંચોઃ કોંગ્રેસના પ્રમુખ પદની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડ્યું, પરિણામ સુધીની તારીખો જાહેર
જોકે ગેહલોતે આ માટે થરૂર સહિત અન્ય કેટલાય સાથીઓનો મુકાબલો કરવો પડશે. ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના સૂરમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત સાથે જ તેમણે પોતે અધ્યક્ષ બન્યા બાદ રાજસ્થાનનું મુખ્યમંત્રી પદ છોડી દેશે તેવો ઈશારો કર્યો છે. આ ઉપરાંત તેમણે પોતે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નામાંકન કરવાના છે તે પણ સ્પષ્ટ કરી દીધું છે.
ગાંધી પરિવારના ઉમેદવાર ગણાતા ગેહલોતે જયપુર ખાતે પોતાનું CM પદ છોડવાનો ઈશારો કરીને કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીના મેદાનમાં ઝંપલાવવાના નિર્ણયની જાહેરાત કરી હતી. અગાઉ તેમણે પોતે કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટાઈ ગયા બાદ પણ રાજસ્થાનના મુખ્યમંત્રીનું પદ જાળવી રાખશે તેમ જણાવ્યું હતું.
જોકે રાહુલ ગાંધી દ્વારા ‘એક વ્યક્તિ અને એક પદ’ના સિદ્ધાંતની વકીલાત કરવામાં આવી ત્યાર બાદ ગેહલોતના સૂરમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નવા પાર્ટી પ્રમુખે ‘એક વ્યક્તિ એક પદ’ના સિદ્ધાંતનું પાલન કરવું પડશે.
કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડ્યું તે બધા વચ્ચે પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ પોતે પાર્ટી અધ્યક્ષ પદની ચૂંટણી નહીં લડે તેવા સંકેત આપ્યા છે.
આ પણ વાંચોઃ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે બે નવા મૂરતિયાઓ જોડાયા, આ બે નેતાએ દાવેદારી નોંધાવી