ગુજરાતના ST કર્મચારીઓની જીત, રાજ્યમાં એક આંદોલન સમેટાયું



- 22મી સપ્ટેમ્બરથી માસ સીએલ પર ઉતરવાની ચીમકી આપી હતી જેથી રાજ્યભરમાં લોકોને પરિવહનમાં મુશ્કેલી સર્જાવાની શક્યતા હતી

ગાંધીનગર, તા. 21 સપ્ટેમ્બર 2022, બુધવાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવવાની સાથે જ રાજ્યના વિવિધ ક્ષેત્રના સરકારી કર્મચારીઓએ પોતાની માગણીઓ પૂરી કરાવવા માટે આંદોલનનો રસ્તો અપનાવેલો છે. પાટનગર ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી વિસ્તારમાં આંદોલનકારીઓનો ભારે મોટો મેળાવડો જોવા મળી રહ્યો છે. જોકે તે પૈકી એસટી (ST) નિગમના કર્મચારીઓનું આંદોલન સમેટાયું છે અને રાજ્યમાં ગુજરાત એસટી કર્મચારીઓની જીત થઈ છે.

7 કલાક સુધી ચાલી બેઠક

રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અને એસટી નિગમના કર્મચારીઓ વચ્ચે અડધી રાતે બેઠક યોજાઈ હતી જેમાં એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. બેઠકમાં એસટી નિગમના વિવિધ યુનિયન સાથે તેમની ગ્રેડ પે, મોંઘવારી ભથ્થા સહિતની 25 જેટલી માગણીઓ અંગે ચર્ચા થઈ હતી અને આશરે 7 કલાક સુધી ચાલેલી બેઠકમાં તમામ મુદ્દાઓનું નિરાકરણ આવ્યું છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રીએ એસટી નિગમના કર્મચારીઓની તમામ મુદ્દાઓની માગણી સ્વીકારીને તે અંગેની સત્તાવાર જાહેરાત કરી છે. આ સાથે જ રાજ્યમાં એક આંદોલન સમેટાયું છે.

માસ સીએલ પર ઉતરવાના હતા કર્મચારીઓ

એસટી નિગમના કર્મચારીઓ છેલ્લાં 25 વર્ષથી અલગ-અલગ ભથ્થાઓની માગણી કરી રહ્યા હતા. તેમણે આગામી 22મી સપ્ટેમ્બરથી માસ સીએલ પર ઉતરવાની ચીમકી પણ આપી હતી. જોકે બેઠકમાં સરકાર અને યુનિયન વચ્ચે સમાધાન થયું છે અને સરકારે 10 મુદ્દે માગણીઓનો સ્વીકાર કર્યો છે જેથી ગુજરાતના એસટી કર્મચારીઓની જીત થઈ છે.

ગઈકાલે અમદવાદ સહિત રાજ્યના તમામ એસટી વિભાગના કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી હતી. તેમણે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ સહીત રાજ્યના દરેક એસટી ડેપો ખાતે રિસેસ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરીને સરકાર સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.



Source link

Leave a Comment