- વિસાવદર ખાસ પોક્સો કોર્ટનો ચુકાદો
- સજા ઉપરાંત 20 હજાર રૂપિયા દંડ તેમજ ભોગ બનનારને 4 લાખ વળતર ચુકવવા પણ આદેશ
જૂનાગઢ: ભેંસાણ તાલુકાનાં છોડવડીની સીમમાંથી તરૂણીનું અપહરણ કરી અલગ-અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરનાર યુવકને વિસાવદર પોકસો કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા તેમજ 20 હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. તેમજ ભોગબનનાર તરૂણીને 4 લાખ રૂપિયા વળતર પેટે ચુકવવા આદેશ કર્યો છે.
ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામની એક તરૂણીનું તા.27-7-2020નાં રાહુલ ઉર્ફે રોહિત ભાવેશ ડોડીયા(ઉ.વ.25) નામનો યુવક બાઈક પર અપહરણ કરી લઈ ગયો હતો અને તરૂણીને કાગવડ તથા બોરવાવ સીમમાં આવેલા ફાર્મમાં દુષ્કર્મ આચરી જાતીય સતામણી કરી હતી. આ અંગે ભેંસાણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.
આ અંગેનો કેસ વિસાવદર ખાસ પોકસો કોર્ટમાં ચાલી જતા એડીશનલ સેશન્સ જજ અને ખાસ પોકસો જજ જયેશકુમાર શ્રીમાળીએ 23 મૌખીક તેમજ 42 દસ્તાવેજી પુરાવાઓ અને સરકારી તથા બચાવપક્ષનાં વકિલની દલીલોને ધ્યાને લઈ રાહુલ ઉર્ફે રોહિત ભાવેશ ડોડીયાને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા તેમજ 20 હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત ભોગબનનાર તરૂણીને 4 લાખ વળતર ચુકવવા પણ આદેશ કર્યો છે. આ રકમ પાંચ વર્ષની ફિકસ ડીપોઝીટ પેટે બાળાનાં નામે મુકવા અને જયાં સુધી તરૂણી 18 વર્ષની ન થાય ત્યાં સુધી એફડી પરનાં વ્યાજની રકમ તરૂણીના માતા-પિતાને ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે.