નેપિયર,તા.22 નવેમ્બર-2022, મંગળવાર
ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે નેપિયરમાં રમાયેલી ત્રીજી T20 વરસાદને કારણે કોઈ પરીણામ આવ્યું નહીં. આ મેચ અધવચ્ચે પડતી મુકાતા ભારતે ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચોની T20 સિરિઝ જીતી લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડની ટીમે 19.4 ઓવરમાં 160 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેવોન કોનવેએ સૌથી વધુ 59 રન ફટકાર્યા હતા. તો ગ્લેન ફિલિપ્સે 54 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજે સૌથી વધુ 4-4 વિકેટ લીધી હતી. ન્યૂઝીલેન્ડની છેલ્લી 7 વિકેટ માત્ર 14 રનમાં પડી ગઈ હતી.
ત્રીજી T20 ટાઈ જાહેર કરાઈ
જવાબમાં ભારતીય ટીમે 9 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 75 રન બનાવી લીધા હતા. ત્યારબાદ વરસાદ શરૂ થયો હતો. જોકે એવો વરસાદ પડ્યો કે પછી એક પણ બોલ રમી ન શકાયો અને ત્રીજી T20 ટાઈ જાહેર કરાઈ. આ સાથે ભારતીય ટીમે શ્રેણી 1-0થી જીતી લીધી હતી. આમ તો ક્રિકેટના નિયમ મુજબ મેચ ટાઈ થાય તો સુપર ઓવર નાખવાનો નિયમ છે, જોકે વરસાદના કારણે એક પણ બોલ ફેંકી શકાય તેવી સ્થિતિ ન હતી. તેથી અંતે મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું.
ભારતીય ટીમ
ઈશાન કિશન, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, દીપક હુડા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલ.
ન્યુઝીલેન્ડની ટીમ
ફિન એલન, ડેવોન કોનવે (વિકેટકીપર), માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, ઈશ સોઢી, એડમ મિલ્ને, લોકી ફર્ગ્યુસન.