રીંગરોડ મેટ્રો ટાવરમાં દુકાન ધરાવતા વેસુના વેપારી પાસેથી રૂ.55.04 લાખનું ગ્રે કાપડ મંગાવી રૂ.12.41 લાખનું પેમેન્ટ કર્યું હતું
બાકી પેમેન્ટ માટે ઉઘરાણી કરી તો ગાળાગાળી કરી ધમકી આપી
- રીંગરોડ મેટ્રો ટાવરમાં દુકાન ધરાવતા વેસુના વેપારી પાસેથી રૂ.55.04 લાખનું ગ્રે કાપડ મંગાવી રૂ.12.41 લાખનું પેમેન્ટ કર્યું હતું
- બાકી પેમેન્ટ માટે ઉઘરાણી કરી તો ગાળાગાળી કરી ધમકી આપી
સુરત, : સુરતના રીંગરોડ સ્થિત મેટ્રો ટાવરમાં દુકાન ધરાવતા વેસુના વેપારી પાસેથી દલાલ મારફતે રૂ.55.04 લાખનું ગ્રે કાપડ મંગાવી રૂ.12.41 લાખનું પેમેન્ટ કર્યા બાદ ઉધના મગદલ્લા રોડના વેપારીએ રૂ.42.63 લાખનું બાકી પેમેન્ટ નહીં કરતા સલાબતપુરા પોલીસે વેપારી અને દલાલ વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતમાં વેસુ વીઆઈપી રોડ નંદની 1 ની પાછળ સ્ટાર ગેલેક્ષી ફ્લેટ નં.બી-5/05 માં રહેતા 46 વર્ષીય આશીષભાઈ આનંદકુમાર જૈન રીંગરોડ સ્થિત મેટ્રો ટાવરમાં મહાવીર પ્રિન્ટના નામે ગ્રે કાપડ અને આરએફબી કાપડનો વેપાર કરે છે.છેલ્લા 12 વર્ષથી પરિચીત દલાલ હિતેષ ઉર્ફે સોનુ અગ્રવાલ ( રહે.ફ્લેટ નં. 301, વૈભવ એપાર્ટમેન્ટ, અશોક પાન પાર્લર પાસે, મખ્ખનભોગવાળી ગલી, સીટીલાઇટ, સુરત ) ની ભલામણને પગલે તેમણે ઉધના મગદલ્લા રોડ યુનિક હોસ્પિટલ પાસે નવજીવન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી પ્લોટ નં.21 માં શ્યામ ફેશનના નામે કાપડનો વેપાર કરતા દિનેશ જેઠાલાલ પટેલને ડિસેમ્બર 2021 થી માર્ચ 2022 દરમિયાન કુલ રૂ.55,04,122 નું ગ્રે કાપડ ઉધારીમાં આપ્યું હતું.તે પૈકી દિનેશ પટેલે પેમેન્ટ પેટે રૂ.12,40,969 ચૂકવ્યા હતા.
જયારે બાકીના રૂ.42,63,153 ની ઉઘરાણી કરતા બંનેએ હાલ મંદી ચાલે છે, પેમેન્ટ આવ્યું નથી તેવા બહાના કાઢી સમય પસાર કર્યો હતો.બાદમાં બંનેએ ફોન રિસીવ કરવાનું પણ બંધ કરી દીધું હતું.આથી આશીષભાઈ દિનેશની દુકાને ગયા તો તે મહીં મળતા ફોન કર્યો તો ગાળાગાળી કરી ધમકી આપી હતી કે ઉઘરાણી માટે આવવું નહીં.મહીં તો જાનથી મારી નાંખીશ.આ અંગે આશીષભાઈએ કરેલી અરજીના આધારે સલાબતપુરા પોલીસે ગતરોજ વેપારી અને દલાલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.