ભાજપના ઈશારે વોટર્સને ધમકી અપાતી હોવાની ચૂંટણી પંચમાં ફરિયાદ



- માથાભારે તત્વોની મદદથી વોટના તડજોડનું રાજકારણ

અમદાવાદ,તા.24 નવેમ્બર 2022,ગુરૂવાર

ગુજરાત વિધાનસભાની દરિયાપુર સીટના કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી પંચમાં ફરિયાદ કરીને ભાજપના ઉમેદવારના ઈશારે જુગારનો અડ્ડો ચલાવતા કુખ્યાત ગોવિંદ પટેલ ઉર્ફ ગામો, વિક્કી જૈન, ઘનશ્યામ ઢોલીયો, ચંદ્રેશ વ્યાસ અને અશોક મારવાડી ખુલ્લેઆમ મતદારોને ધમકાવતા હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ કરી છે. દરિયાપુર વિધાનસભામાં તટસ્થ અને નિષ્પક્ષ ડીસીપી કક્ષાના અધિકારીને મુકવા માટે કોંગ્રેસના ઉમેદવારે માંગ કરી છે. માથાભારે તત્વોની મદદથી વિધાનસભા સીટો પર ઉમેદવારોએ વોટના તડજોડનું રાજકારણ શરૂ થયાની ચર્ચાએ જોર પકડયું છે.

કુખ્યાત વિક્કી જૈન, ગામો, ઢોલીયો, ચંદ્રેશ વ્યાસ અને અશોક મારવાડી મતદારોને ધમકાવતા હોવાનો આક્ષેપ

કોંગ્રેસના દરિયાપુર વિધાનસભા સીટના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. જુગારનો અડ્ડો ચલાવતા ગોવિંદ પટેલ ઉર્ફ ગામો અને વિક્કી બાબુલાલ જૈને કોંગ્રેસનો પ્રચાર કરવા માટે નીકળેલી મહિલાઓને ખુલ્લેઆમ ધમકી આપી હતી. આ અંગે દરિયાપુરના પીઆઈ ચૌધરીને પણ ઉમેદવારે ફોન કરી ફરિયાદ કરી હતી. ભાજપના ઉમેદવારની જાહેરાત થઈ ત્યારથી ઘનશ્યામ ઢોલીયો, ચંદ્રેશ વ્યાસ અને અશોક મારવાડી પણ મતદારોને ખુલ્લેઆમ ધમકાવી રહ્યાની ફરિયાદો અરજદારને મળ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. દરિયાપુરમાં સ્પેશ્યલ કેસમાં તટસ્થ અને નિષ્પક્ષ ડીસીપીની નિમણૂંક કરવાની માંગ પણ ફરિયાદમાં થઈ છે.

ભાજપના ઉમેદવાર કૌશિક જૈને કેટલાક અસમાજીક તત્વો સાથે મીટિંગ કરી તેનો વીડિયો વાઈરલ થયો હતો. આ મીટિંગમાં શું ચર્ચા થઈ, કોણ હાજર રહ્યું અને વીડિયોમાં જોવા મળતા અસામાજીક તત્વો પર આઈબી દ્વારા વોચ રખાવી લોકોને ડરાવે ધમકાવે નહી તે જોવા માટે ફરિયાદમાં રજૂઆત થઈ છે. અસામાજીક વિસ્તારમાં અશાંતિ ના ફેલાવે તે માટે તમામ સીસીટીવી ચાલુ કરાવવા અને પોલીસ દ્વારા વીડિયો ગ્રાફી કરી ચાંપતી નજર રાખવામાં આવે તેવી માંગ કરાી છે. માથાભારે તત્વોના ઘર, ઓફીસ અને બેઠકના સ્થળો પર સતત વીડિયોગ્રાફી કરાવવા અને તત્કાળ અસરથી વિસ્તારના તમામ દારૂ-જુગારના અડ્ડા બંધ કરાવવા ઉમેદવારે ચૂંટણી પંચને જાણ કરી છે.

પોલીસે ચૂંટણી ટાણે જુહાપુરાના કુખ્યાત મુશીર અને કાલુ વચ્ચે સમાધાન કરાવ્યું

વિધાનસભા ચૂંટણીઓ આવતા ખાસ કરીને હિન્દુ-મુસ્લીમ મતદારો ધરાવતી સીટો પર કસાઈઓ, માથાભારે ગુંડા તત્વો, દારૂ-જુગારના અડ્ડા ચલાવતા બુટલેગરો અને આગેવાનોનું મહત્વ વધતું જાય છે. રાજકીય પાર્ટીઓ વિરોધીને પછાડવા માટે વિધાનસભા સીટો પર માથાભારે તત્વો અને આગેવાનોને અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રાખવાનું અને મતદારોને ડરાવવા ધમકાવાનું રાજકારણ રમે છે. પોલીસના ડરથી ગુંડા તત્વો પોતાના સમાજના કે જાતીના ઉમેદવારના વોટ તોડવા ઉભા થઈ જાય છે. આ સ્ટ્રેટેજીને ગુજરાત વિધાનસભાની છેલ્લી ચૂંટણીઓમાં જોવા મળી છે. આ સ્ટ્રેટેજીના ભાગરૂપે ચૂંટણી ટાણે જ ઉચ્ચ પોલીસ અધિકારીના માનીતા સસ્પેન્ડ પોલીસ કર્મચારીએ કાલુ અને મુશીર વચ્ચે સમાધાન કરાવ્યું હતું. આ સમાધાન પેટે મુશીરની માફી માંગતો કાલુનો ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવ્યો હતો.ચૂંટણીઓ આવતા કસાઈઓ, ગુંડા તત્વો અને માથાભારે શખ્સોનો મતદારોને ડરાવી ધમકાવી વોટની ઉલટફેર કરવા માટે ઉપયોગ થાય છે. મુસ્લીમ વિસ્તારોમાં ચૂંટણી સમયે આવા તત્વોનું મહત્વ નેતાઓ માટે વધી જાય છે. રાજકીય ઓઠ ધરાવતા તત્વો સામે અટકાયતી પગલાં જેવી કાર્યવાહી કરવાની જગ્યાએ પોલીસે શ્રમીક, ગરીબ કે વગ ના ધરાવતા લોકો સામે આંકડા બતાવવા કાર્યવાહી કરે છે. રાજકીય છત્રછાયા ધરાવતા ગુંડા તત્વો સામે પોલીસ આંખ ઉંચી કરતી નથી તેવી પણ ચર્ચા છે.



Source link

Leave a Comment