- ઢોર નિયંત્રણ કાયદો રદ કરવાની માંગ સાથે સિદસર ગામે માલધારીઓએ વિરોધ પ્રદર્શન કર્યુ
- દુધની અછત સર્જાઈ, ઘણા પાર્લર, ચાની લારીઓ બંધ રહી, દુધની થેલીના કાળાબજાર થયાની ચર્ચા
ભાવનગર : ઢોર નિયંત્રણ કાયદો રદ કરવાની માંગ સાથે ગુજરાત માલધારી મહાપંચાયતે બુધવારે દુધ વેચાણ બંધનુ એલાન કર્યુ હતુ, જેને વ્યાપક સર્મથન મળ્યુ હતું. ભાવનગર શહેર-જિલ્લામાં માલધારી સમાજની હડતાલના પગલે દુધ માટે લોકોની દોડધામ વધી હતી. સિદસર, દિહોર સહિતના કેટલાક ગામમાં માલધારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.
ભાવનગર શહેર અને જિલ્લામાં આજે બુધવારે ઢોર નિયંત્રણ કાયદો રદ કરવાની માંગ સાથે માલધારી સમાજે બંધ પાળી સરકારનો વિરોધ કર્યો હતો. દુધ વેચાણ બંધના એલાનના પગલે ગઈકાલે મંગળવારે રાત્રીના સમયે દુધની દુકાનોએ દુધ લેવા માટે લોકોની કતારો લાગી હતી. કેટલીક ડેરીવાળાઓએ વહેલુ દુધ મોકલી દીધુ હતું. દુધની ઘટ ના પડે તે માટે લોકોએ વધુ દુધની થેલીઓ લઈ લીધી હતી તેથી આજે બુધવારે ભાવનગર શહેર અને જિલ્લામાં દુધની અછત જોવા મળી હતી. મોટાભાગની દુધની દુકાનોએ દુધની થેલીઓ ખાલી થઈ ગઈ હતી તેથી કેટલીક દુધની દુકાનો બંધ જોવા મળી હતી. દુધની અછત હોવાથી કેટલાક લોકોએ દુધની થેલીના કાળાબજાર કર્યા હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. દુધની અછતના પગલે કેટલીક ચાની લારીઓ પણ બંધ હતી. કેટલીક ડેરીઓએ સ્વયંભૂ બંધ રાખ્યુ હતું.
ભાવનગર શહેરના સિદસર ગામે માલધારી સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ અને સરકાર સામે નારાજગી વ્યકત કરી હતી. આ ઉપરાંત તળાજા તાલુકાના દિહોર ગામે બુધવારે સાંજે અમુલ દુધની ગાડી રોકી ઘણી થેલીઓ તોડી નાખી દુધ રોડ પર ઉપર વહાવી દેવામાં આવ્યુ હતું. કેટલીક થેલીઓ પુલની નીચે નદીમાં ફેંકી દેવામાં આવી હતી. જેસરમાં માલધારી સમાજે બંધ પાળી વિરોધ વ્યકત કર્યો હતો. તમામ દુધની ડેરીઓ આખો દિવસ બંધ રહી હતી. માલધારી સમાજે રેલી કાઢી હતી. શહેરના આનંદનગરમાં દુધની ખીર બનાવી હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવી હતી. મહુવા, ગારિયાધાર, સિહોર, પાલિતાણા, ઘોઘા, ઉમરાળા, વલ્લભીપુર વગેરે તાલુકામાં બંધની અસર જોવા મળી હતી. માલધારી સમાજનુ બંધ ઘણા અંશે સફળ રહ્યુ હતુ, જેના પગલે સરકારે માલધારી સમાજની માંગણી સંતોષવી પડી છે.