- વેપારી સાથે પાટીના શખ્સે વિશ્વાર કેળવી વોટ્સએપ પર માલનો ઓર્ડર આપ્યો હતો
- લાખોનો માલ પાંચ દિવસની ઉધારી ઉપર મેળવી પાટીનો શખ્સ નાણા ઓળવી ગયો, જુદી જુદી જગ્યાએ ટ્રક ખાલી કરાવી જગ્યા પણ ખાલી કરી છુમંતર થયો
ભાવનગર
ભાવનગરના લોખંડના વેપારી પાસેથી માલ મેળવવા બોટાદના પાટી ગામના શખ્સે વોટ્સએપ પર માલ મંગાવી પાંચ દિવસની ઉધારી ઉપર ૧૩ લાખનો માલ મેળવી બોટાદ અને રાજકોટ પંથકમાં લોખંડ ખાલી કરાવ્યા બાદ નાણા ન આપતા વેપારીએ તપાસ કરતા શખ્સ જગ્યા પણ ખાલી કરી પોબારા ભણી ગયો હતો. જેને લઈ વેપારીએ શખ્સ સામે ફરીયાદ નોંધાવી હતી.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના શિલ્પીનગરમાં આવેલ વીટી એપાર્ટમેન્ટમાં રહેતા અને ચીત્રા જીઆઈડીસીમાં આગમ ઈમ્પેક્ષ નામની કંપની ધરાવતા લોખંડના વેપારી ધર્મિનભાઈ ચંદ્રકાંતભાઈ શાહે બોરતળાવ પોલીસ મથકમાં બોટાદ જિલ્લાના પાટી ગામના કમલેશ મનજીભાઈ મોરડીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ઉક્ત શખ્સ ચારેક વર્ષ પહેલા ચિત્રામાં ફર્મ ચલાવી કામ કાજ કરતા હોય જેને લઈ પરીચય હોય જેથી ગત તા. ૨૯.૪.૨૨ના રોજ તેઓના મોબાઈલ ઉપર મેસેજ કરી લોખંડના સર્કલનો માલનો ઓર્ડર આપી પ્રોફાઈલ કટીંગની માહિતી મેળવી ભાવતાલ કરી એક અઠવાડીયાની ઉધારી ઉપર માલનો ઓર્ડર આપતા તેઓએ ટ્રકમાં રૂા. ૬૨.૦૯૨૫નો માલ રવાના કરતા કમલેશે બોટાદના સાળંગપુર રોડ ઉપર ટ્રક ખાલી કરાવેલ દરમિયાન ગત તા. ૦૬.૦૫ના રોજ ફરી બીજો ઓર્ડર મંગાવી ૧૫.૦૫ સુધીમાં પેમેન્ટ આપી દેવાનો વિશ્વાસ અપાવતા તેઓએ રૂા. ૬૭.૪૦૪૦નો માલ મોકલતા શખ્સે રાજકોટ પાસેના પડવલા ગામે તેની હાજરીમાં ગોડાઉનમાં માલ ઉતરાવેલ બાદ તેઓએ ઉક્ત માલના પેમેન્ટની ઉઘરાણી કરતા અવાર નવાર ગલ્લા તલ્લા કરી મોબાઈલ બંધ કરી દેતા તેઓએ પડવલા ગામે જઈ તપાસ કરતા કમલેશે એક માસ માટે ગોડાઉન ભાડે રાખેલ અને તેનું પણ ભાડુ ચુકવ્યા વગર માલ લઈને જતો રહ્યો હોવાનું અને તેના ઘરે ન આવ્યો હોવાનું જાણવા મળેલ. ઉક્ત કમલેશ મોરડીયાએ વિશ્વાસ કેળવી રૂપિયા ૧૨.૯૪૦.૯૬૫નો માલ મેળવી નાણા ન ચુકવી છેતરપીંડી અને વિશ્વાસધાત કર્યો હતો. જેને લઈ બોરતળાવ પોલીસે આઈપીસી. ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.