દેશમાં સર્વાધિક મગફળી પકવતા ગુજરાતમાં જ લોકોને મોંઘુ તેલ : સૌરાષ્ટ્ર સિંગતેલમાં વધુ રૂ. 40 નો વધારો, ડબ્બાના ભાવ રૂ. 2940 થયા : સાત વર્ષમાં 150 ટકાનો ભાવ વધારો
રાજકોટ, : ગુજરાતમાં મગફળીના ઉત્પાદનમાં 50 ટકા જેટલો વધારો થયો હોવા છતાં પણ ગુજરાતીઓને જ મોંઘુદાટ તેલ ખાવાનો વારો આવ્યો છે. આજે અમદાવાદ તેલિબીયા બજારમાં સિગતેલના લેબલ ટીનનો ભાવ વધીને ફરી એકવાર રૂ. 3000 બોલાયો હતો. જ્યારે રાજકોટ ખાતે સિંગતેલના ભાવમાં આજે તોતિંગ રૂ।. 40નો એક દિવસમાં વધારો થતા 15 કિલો ડબ્બાના ભાવ રેકોર્ડ 2940ની સપાટીએ પહોંચ્યા છે.
તેલીબીયા બજારમાં કપાસિયા, સોયાતેલ, મકાઈ તેલ અને પામતેલના ભાવ સ્થિર છે ત્યારે સિંગતેલમાં કૃત્રિમ રીતે ભાવવધારો બેરોકટોક થઈ રહ્યો છે. લોકોનું કમનસીબ એ છે કે ગુજરાતમાં એકંદરે મગફળી ઉત્પાદન ગત પાંચ-સાત વર્ષમાં 50 ટકા વધી ગયું છે. મગફળી ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં ભારત અગ્રેસર છે અને ભારતમાં ગુજરાત અને ગુજરાતમાં સૌરાષ્ટ્ર મગફળી ઉત્પાદનમાં નં. 1 છે છતાં ગુજરાતીઓને સ્થાનિક ખાદ્યતેલ જ વાજબી ભાવે મળતું નથી.ભાવમાં મોંઘવારી જેટલો પાંચ-દસ ટકાના વધારાને બદલે તોતિંગ વધારો આજે પણ જારી રહ્યો છે.
દેશમાં ત્રણ વર્ષથી મેઘરાજાની કૃપાથી આશરે 1 કરોડ ટન મગફળી પાકે છે. અપેડાના સ્ત્રોત અનુસાર ઈ.સ. 2009-10માં રાજ્યમાં માત્ર 17.57 લાખ ટન મગફળી ઉત્પાદન સાથે દેશમાં ફાળો 17.57 ટકા હતો જે છેલ્લા ઉપલબ્ધ આંકડા મૂજબ ઈ.સ.2019-20માં 46.45 લાખ ટન ઉત્પાદન સાથે દેશના કૂલ ઉત્પાદનમાં ફાળો 13 ટકા વધીને 46.68 ટકા થયો છે. બીજા નંબરે રાજસ્થાનમાં 16.19 લાખ ટન ઉત્પાદન અને બાકીનું તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ વગેરે રાજ્યોમાં હતું. સાત વર્ષ પહેલા 2015-16માં મગફળી ઉત્પાદન 23.60 લાખ ટન થયું હતું અને એકંદરે 30 લાખ ટન થતું તે બે વર્ષથી 45 લાખ ટન થાય છે અને આ વર્ષે પણ બન્ને સીઝનની મગફળીનું ઉત્પાદન તેને આંબી જવાની શક્યતા છે. ચાલુ વર્ષે ખરીફ ઋતુમાં પણ 17 લાખ હેક્ટરથી વધુમાં મગફળી થાય છે અને ખુદ સરકારના મંત્રીઓથી માંડીને મિલરો સહિતના મબલખ પાકની ધારણા બાંધે છે.
નફાખોરો,સંગ્રહખોરો અને તંત્રની સુસ્તીને લીધે મેઘરાજાની કૃપા લોકો સુધી પહોંચતી નથી. પાંચ વર્ષ પહેલા સિંગતેલ રૂ।. 75થી 90ના કિલો લેખે મળતું તે હવે રૂ।. 200એ પહોંચ્યું છે. ભાવ વધારતા કુદરતી પરિબળો જેવા કે પાક નિષ્ફળ જવો, ઉત્પાદન ઘટવું, લોકોની માંગ જબરદસ્ત વધી જવી વગેરેનું અસ્તિત્વ નહીં હોવા છતાં ગણત્રીપૂર્વકનો ખેલ પાર પાડીને સિંગતેલને ઉંચાઈએ લઈ જવાયાની જનમાનસમાં શંકા દ્રઢ બની છે.