યુવકનું અપહરણ કરીને માર માર્યો
મિત્રએ હપતા ન ભરતા યુવકે ટુ-વ્હીલરને રીકવરી ટીમમાં જમા કરાવી દીધુ હતુંઃ વાડજ પોલીસે ગુનો નોંધ્યો
અમદાવાદ
વાડજ જ્યોતિનગરમાં રહેતા યુવકે તેની સાથે કામ કરતા મિત્રને પોતાના
નામે લોન લઇને સ્કૂટર લઇ દીધું હતું. જો કે મિત્રઅ સ્કૂટરના હપતા ન ભરતા યુવકે બેંકની
રીકવરી ટીમને કહીને સ્કૂટર જમા કરાવી દીધું હતું. જેની અદાવત રાખીને મિત્રએ જ યુવકનું
છરીની અણીએ અપહરણ કરીને માર્યો હતો. જે અંગે વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી
છે. નવા વાડજ જ્યોતિનગરમાં રહેતો જીગનેશ ધવલ ફોર વ્હીલરના ડઇવર તરીકે
કામ કરે છે. તેની સાથે સુનિલ મારવાડી (રહે. ડાયમંડ ફ્લેટ, ચાંદખેડા) નામનો યુવક પણ કામ કરે છે. જેથી મિત્રતા હતી. જે નાતે ગત ફેબુ્રઆરી-૨૦૨૨માં જીગ્નેશે સુનિલને
પોતાના નામે લોન લઇને સ્કૂટર અપાવ્યું હતું.
જેમાં ૨૦ હજારનું ડાઉન પેમેન્ટ સુનિલે આપ્યું હતું. જો કે તે બાદ તે નિયમિત રીતે હપતા
ભરતો નહોતો. જેના કારણે બેકની નોટિસ સતત જીગ્નેશના સરનામા પર આવતી હતી. જેથી કંટાળીને
જીગ્નેશે સુનિલનું સરનામું આપીને સ્કૂટર જમા
કરાવી દીધું હતું. જે બાદ બંને વચ્ચે તકરાર ચાલતી હતી. ગત ૧૬ની તારીખે રાતના સમયે જીગ્નેશ
તેના ઘર પાસે હતો ત્યારે સુનિલ અને આકાશ નામના વ્યક્તિ સાથે સ્કૂટર પર આવ્યો હતો. અને
સુનિલે જીગ્નેશને છરી બતાવીને સ્કૂટર પર બેસાડીને
રામોલ લઇ ગયો હતો. જ્યાં અવાવરૂ જગ્યા પર સ્કૂટર ઉભુ રાખીને સ્કૂટર કેમ બેંકમાં જમા
કરાવ્યું તેમ કહીને જીગ્નેશને માર મારીને ઇજાઓ
પહોંચાડીને ડીપીના ૨૦ હજાર પરત માંગ્યા હતા અને ત્યાંથી ચાલ્યા ગયા હતા. જો કે ઇજાઓ
થતા જીગ્નેશ રિક્ષામાં ઘરે પરત આવ્યો હતો અને તબીબને બતાવતા તેને હાથમાં ફેક્ચર તેમજ
મુંઢ મારની ઇજાઓ મળી આવી હતી. જે અંગે વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.