સૌથી પહેલાં વાત કરીએ પાંચ સીટની. અબડાસાના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહ જાડેજા. તેમણે 2017ની વિધાનસભા ચૂંટણી પછી પક્ષપલટાની પહેલી લહેરમાં કેસરિયો ધારણ કરી પંજાને ટાટા-બાયબાય કહી દીધું હતું. તો આ વખતે ભાજપને તેમને વિધાનસભા ટિકિટ આપી છે. અબડાસામાં તેમનું વર્ચસ્વ સારું હોવાથી તેઓ જીતે તેવી પ્રબળ શક્યતા છે. વિજાપુરમાં રમણ પટેલ અને વિસનગરમાં ઋષિકેશ પટેલ પણ એકદમ મજબૂત ખેલાડી છે. બંનેની ગણના ભાજપના મજબૂત ચહેરામાં કરવી જ પડે. તેમાંથી ઋષિકેશ પટેલ કેબિનેટ કક્ષાના મંત્રી છે. ખેડબ્રહ્માના ભાજપના ઉમેદવાર અશ્વિન કોટવાલે થોડાં સમય પહેલાં જ કોંગ્રેસ છોડ્યું અને ભાજપમાં જોડાઈ ગયા હતા. તેમને પણ ભાજપે ટિકિટ આપીને રિપિટ કર્યા છે. આ ઉપરાંત ગાંધીનગર દક્ષિણના ઉમેદવાર અલ્પેશ ઠાકોર પણ મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે. તેમણે પણ કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં જોડાયા હતા.
ત્યારબાદ વાત કરીએ વિરમગામની. તો અહીં ભાજપે યુવા ચહેરો હાર્દિક પટેલ પર હાથ અજમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ પાટીદાર આંદોલન વખતનો એક બહુ ચર્ચિત ચહેરો છે. તેથી આ સીટ પર તે વિજયી બને તેની સંભાવના વધારે છે. હવે વાત કરીએ, ઘાટલોડિયા બેઠકની. તો અહીં આવેલા દરેક ઉમેદવાર મુખ્યમંત્રી બન્યા છે. પહેલાં આનંદીબેન પટેલ અને હવે ભૂપેન્દ્ર પટેલ. તો ભાજપે આ વખતે ઘાટલોડિયા સીટ પરથી ભૂપેન્દ્ર પટેલને રિપિટ કર્યા છે. મોરબીની ઝૂલતા પુલની દુર્ઘટનાથી ચર્ચામાં આવેલા કાંતિ અમૃતિયાને પણ ભાજપે મોરબી વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે. ભાજપે અહીંથી મંત્રી બ્રિજેશ મેરજાની ટિકિટ કાપી નાંખી છે. ત્યારબાદ જસદણ વિધાનસભા બેઠક પરથી ભાજપે કુંવરજી બાવળિયાને ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પછી ભાજપમાં આવનારા તેઓ પહેલા કોંગ્રેસી નેતા હતા. હવે વાત કરીશું, ગોંડલની તો અહીંથી ભાજપે જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબા જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે. મહત્ત્વનું છે કે, આ વિસ્તારમાં તેમનું વર્ચસ્વ ખૂબ જ જોરદાર છે.
જામનગરની વાત કરીએ તો અહીં નોર્થ પરથી ભાજપે જૂના જોગી રાઘવજી પટેલને ટિકિટ આપી છે તો દક્ષિણમાંથી યુવા ચહેરો અને જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાજા જાડેજાને મેદાને ઉતાર્યા છે. આ સીટ પર ભાજપનો દબદબો તો છે જ પણ હવે રિવાબા પર જનતા વિશ્વાસ કરશે કે નહીં તે તો આગામી સમય જ જણાવશે. ત્યારબાદ વાત કરીએ દ્વારકાની તો અહીં સતત સાત ટર્મથી જીતતા આવનારા પબુભા માણેકને ભાજપે ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે, અહીં તેમનું વર્ચસ્વ ખૂબ જ છે. તેઓ ગમે તે પાર્ટીમાંથી ઊભા રહે કે અપક્ષ ઊભા રહે તો પણ તેમના ચહેરાને લીધે તેઓ જીતતા આવ્યાં છે. જૂનાગઢની માણવદર સીટ પર ભાજપે જવાહર ચાવડાને ટિકિટ આપી છે. તેઓ ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી જીત્યા હતા અને પછી ભાજપમાં જોડાયા હતા. ત્યારે ભાજપે તેમને પેટાચૂંટણીમાં પણ રિપિટ કર્યા હતા અને તેઓ જીત્યા હતા. રાજુલામાં પણ ભાજપે હીરા સોલંકીને રિપિટ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અહીં કોળી સમાજનું વર્ચસ્વ હોવાથી તેઓની જીત લગભગ પાક્કી જ છે.
ભાવનગર ગ્રામ્યમાંથી ભાજપે જૂના જોગી એવા પરસોત્તમ સોલંકીને ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે, તેઓ કોળી સમાજનો એક જાણીતો ચહેરો છે. ત્યારે તેઓને આ સીટ પર ટિકિટ આપીને ભાજપે આ સીટ સિક્યોર કરી લીધી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો ખેડા જિલ્લાની નડિયાદ સીટ પરથી ભાજપે પંકજ દેસાઈને ટિકિટ આપી છે. અહીં તેમનું નામ ખૂબ જ જાણીતું છે અને વર્ચસ્વ પણ જોરદાર છે. ત્યારે મહેમદાવાદ સીટ પર પણ અર્જુનસિંહ ચૌહાણને રિપિટ કરવામાં આવ્યા છે તો આ બંને સીટ પર ભાજપે ઉમેદવારને રિપિટ કરીને સીટ સિક્યોર કરી લીધી છે. પરંતુ મહેમદાવાદના ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણ પર રેપના આરોપ લગાવવામાં આવ્યા હતા. ત્યારે હવે જોવાનું રહેશે કે તેની અસર ભાજપની આ સીટ પર થાય છે કે નહીં. ત્યારબાદ વડોદરાની વાત કરીએ તો, ડભોઈમાંથી શૈલેષ મહેતા ઉર્ફે સોટ્ટાને ભાજપે ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યો છે. જ્યારે માંજલપુર પરથી જૂના જોગી યોગેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે. આ બંને સીટ પર ભાજપે ઉમેદવારને રિપિટ કરીને સીટ સેફ કરી દીધી છે.
દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, સુરતની વરાછા રોડ સીટ પરથી ભાજપે કિશોર કાનાણીને ટિકિટ આપી છે. જ્યારે મજુરામાંથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે સુરત પશ્ચિમમાંથી કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીને ટિકિટ આપી છે. આમ, ભાજપે સુરતમાં ત્રણ સીટ સિક્યોર કરી લીધી છે. જ્યારે વલસાડના કપરાડામાંથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જિતુ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ હાલ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી પણ હતા. જ્યારે ઉત્તર ગુજરાતના ઇડરમાંથી ભાજપે રમણલાલ વોરાને ટિકિટ આપીને સીટ સેફ કરી લીધી છે.
આમ, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે આ 25 સીટ જીતવા માટે વિવિધ સમીકરણ ગોઠવીને ઉમેદવારો નક્કી કર્યા છે. પરંતુ આ ઉમેદવારોનું ભવિષ્ય તો જનતા જનાર્દન જ નક્કી કરશે. ઉલ્લેખનીય છે કે, આ તમામ સીટ પર વર્ષોથી ભાજપનું વર્ચસ્વ છે જ પરંતુ તેમાંથી અમુક સીટ પર ભાજપે આ વખતે નવા યુવાન ચહેરાને પણ તક આપી છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: BJP candidates, Bjp gujarat, Gujarat Assembly Election, Gujarat Assembly Election 2022, Gujarat Assembly Elections 2022