- સંઘના નેજા તળે આંદોલનનો કાર્યક્રમ જારી કરાયો
- ધંધુકા અને ધોલેરા તાલુકાની આશ્રમશાળાઓના કર્મી.એ વિશાળ રેલી કાઢી કલેકટરને આવેદન આપ્યુ
ધંધુકા : અમદાવાદ જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંઘ દ્વારા વિવિધ અણઉકેલ ૧૮ પ્રશ્નો અંગે વિશાળ રેલી યોજાઈ હતી. બાદ અમદાવાદ જિલ્લા કલેક્ટરને આશ્રમ શાળાઓને સ્પર્શતા અલગ-અલગ ૧૮ જેટલા મુદ્દાઓને લઈ ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં આશ્રમ શાળાના કર્મચારીઓ મોટી સંખ્યામાં વિશાળ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોચ્યા હતા.
ગુજરાત રાજયમાં આવેલી આશ્રમશાળાઓમાં ફરજ બજાવતા અનુસુચિત જાતિ અને વિકસતી જાતીના કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ આપવા, આશ્રમશાળાના કર્મચારીઓને ૪૨૦૦ના ગ્રેડ પેનો લાભ આપવા, આશ્રમશાળાના કર્મચારીઓને સળંગ નોકરીનો લાભ આપવા,આશ્રમ શાળાના ગૃહપતીની જોગવાઈ કરવા તેમજ જુની પેન્શન યોજના લાગુ કરવા સહિતના વિવિધ ૧૮ માંગણીઓ ઉકેલવાની માંગ સાથે અમદાવાદ જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંઘના ઉપક્રમે કલેક્ટરને આશ્રમશાળાના કર્મચારીઓએ વિશાળ રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ આ પ્રશ્નોનુ નિરાકરણ ન આવે તો આ અંગે આંદોલનનો કાર્યક્રમ પણ ઘડી કાઢવામાં આવ્યો હતો. તા. ૧૬.૯ થી ૧૮.૯ ના રોજ કાળી પટ્ટી ધારણ કરાશે, તા. ૧૯મીએ માસ સી.એલ. ભોગવશે. તા. ૨૨મીથી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા કલેકટર કચેરીએ એક દિવસ ધરણા કરાશે. આમ છતા પ્રશ્નોનુ નિરાકરણ નહિ આવે તો આગામી તા. ૭.૧૦ ને સોમવારે ગાધીનગરમાં ધરણા કરી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે અને તેમ છતા પ્રશ્નોેનુ નિરાકરણ નહિ આવે તો આગામી તા.૧.૧૧ ના રોજથી અચોક્કસ મુદતની હડતાલ સુધીના જલદ કાર્યક્રમ આપવામાં આવશે તેવી અમદાવાદ જિલ્લા આશ્રમ શાળા કર્મચારી સંઘના પ્રમુખ, મંત્રી અને કર્મચારીઓ દ્વારા ચિમકી અપાઈ છે.