-અરાઉન્ડ ધ ઈલેક્શન : ગુજરાત
અમદાવાદ, બુધવાર
હરીફ પક્ષ કે
હરીફ ઉમેદવાર પર ગરીમાપૂર્વક પ્રહાર કરવામાં આવે તેવી ચૂંટણીઓ જાણે હવે ભૂતકાળના ગર્તમાં
ધકેલાઇ ચૂકી છે. નેતાઓ દ્વારા બેફામ વાણીવિલાસનો આજે વધુ એક કિસ્સો જોવા મળ્યો છે.
દ્વારકા બેઠકથી ભાજપના ઉમેદવાર પબુભા માણેકે તેમની સભામાં વાણીવિલાસ કરતાં પણ રાહુલ
ગાંધીનું નામ લીધા વિના કહ્યું કે, “તેણે દાઢી
વધારી છે એટલે કાયદેસર સદામ હુસેન જેવો લાગે છે. આ દેશનો કમો છે. અમારા સમાજમાં અને
ઓખામંડળનો કમો કોણ છે તેને તેનું સરનામું જાણવું હોય તે આગળ આવીને બેસે…’
પોરબંદર દારૃબંધીની
ઐસી તૈસી, ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં દારૃડિયા આવી ગયા
ગુજરાતમાં દારૃબંધીનો
કાયદો માત્ર કાગળ પર છે અને તે વાત જગજાહેર છે. દારૃબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૃ વેચાતો
હોય છે અને તાજેતરમાં નેશનલ મીડિયામાં આ વાત ચમકી હતી. બન્યું એમ કે, પોરબંદર ખાતે
હિન્દી ન્યૂઝ ચેનલના ડિબેટના કાર્યક્રમમાં દારૃડિયા ઘુસી આવ્યા હતા અને એન્કર સામે
બફાટ કરવા લાગ્યા હતા. જેના કારણે આ એન્કરે જાહેરમાં ભાજપના નેતાને કહ્યું કે, ‘ગુજરાતમાં
દારૃબંધી છે પણ મારે અફસોસ સાથે કહેવું પડે છે કે જે લોકો મારી સાથે વાત કરવા આવી રહ્યા
છે તેમાંના કેટલાક દારૃ પીને આવેલા છે. ‘
મહેસાણા : સભામાં
ખુરશી ખાલી પણ મફત ટી-શર્ટ કેપ લેવા માટે પડાપડી
મહેસાણા ખાતે
યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં લોકો માટે નરેન્દ્ર મોદીના તસવીરોવાળી ટોપી-ટી
શર્ટનું મફતમાં વિતરણ કરવામાં આવી રહ્યું હતું. જેના કારણે તેને લેવા માટે લોકોમાં
ભારે પડાપડી થઇ હતી. આખરે આયોજકને સ્ટેજ પરથી એવી વિનંતી કરવી પડી કે, ‘મહેરબાની કરીને
લાઇન લગાવીને એક પછી એક વ્યક્તિ ટી શર્ટ કેપ માટે આવો. ‘
ચૂંટણી પહેલા
રોડ નહિ તો વોટ નહિ _- અરવલ્લીમાં ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કાર
બાયડના ચેહવાના
મુવાડા ગામે ગ્રામજનો ભારે ગુસ્સામાં છે. વાત એમ છે કે, આ ગામના લોકો વર્ષોથી પ્રાથમિક
સુવિધાઓથી વંચિત છે. આ અંગે તેમણે વારંવાર રજૂઆત કરી હોવા છતાં નિરાકરણ આવ્યું નથી.
જેના કારણે ગ્રામજનોએ હવે ચીમકી ઉચ્ચારી છે કે, ‘જો અમારા વિસ્તારમાં રોડ નહીં બને
તો ચૂંટણીમાં મત નહીં આપવામાં આવે. ‘ સ્વતંત્રતાના ૭૫ વર્ષ બાદ પણ બાયડના મુવાડા ગામમાં
હજુ સુધી પાકા રસ્તા નહીં બનાવાયા હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી નડી રહી છે. તેમણે
‘ચૂંટણી પહેલા રોડ નહિ તો વોટ નહિ’ ના બેનર પણ ગામમાં ઠેકઠેકાણે લગાવ્યા છે.