વિદેશી પ્રવાસીઓએ હવે સેલ્ફ-ડેક્લેરેશન ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં
નવી દિલ્હી,તા.21 નવેમ્બર-2022, સોમવાર
ભારતે વિદેશી પ્રવાસીઓ માટે એર સુવિધા ફોર્મ ભરવાની શરતો બંધ કરી દીધી છે. સરકારે એક નોટીસમાં કહ્યું છે કે, ભારત આવનારા વિદેશી પ્રવાસીઓએ હવે સેલ્ફ-ડેક્લેરેશન ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. આ નિર્ણય અડધી રાતથી લાગુ થઈ જશે. અત્યાર સુધી બોર્ડિંગ પહેલા આ ફોર્મ ભરવું જરૂરી હતું. ફ્રિક્વન્ટ ફ્લાયર અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી દ્વારા ભારત સરકારે માંગ કરાઈ હતી કે, વિદેશીથી ભારતમાં ઉડ્ડયન મારફતે આવતા પહેલા એર સુવિધા ફોર્મ ભરવાની અને જમા કરવાની જે શરતો હતી, તે બંધ કરવાની માંગ કરી હતી, જે ભારત સરકારે સ્વિકારી લીધી છે.
મંત્રાલયે સુધારેલી નવી માર્ગદર્શિકા જારી કરી
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોમવારે સાંજે એક નોટીસમાં કહ્યું છે કે, વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરે કોરોના કેસોની સંખ્યામાં સતત ઘટાડાને ધ્યાને લઈ અને રસીકરણ કવરેજમાં નોંધપાત્ર પ્રગતિને ધ્યાને લઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે “આંતરરાષ્ટ્રીય આગમન માટે સુધારેલી માર્ગદર્શિકા’ જારી કરી દીધી છે. આરોગ્ય મંત્રાલયની આ માર્ગદર્શિકા અનુસાર ઓનલાઈન એર સુવિધા પોર્ટલ પર સ્વ-ઘોષણા ફોર્મ જમા કરવાનું બંધ કરાયું છે. જો કે, મંત્રાલયે વધુમાં ઉમેર્યું, કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખી જો જરૂર પડશે તો આ નિયમ અંગે વધુ સમીક્ષા કરાશે.
કોરોનાની રસી લેવી પણ ફરજિયાત નહીં
ઉપરાંત આંતરરાષ્ટ્રીય આગમન દરમિયાન હવે કોરોનાની રસી લેવી ફરજિયાત નથી. જો કે, સુરક્ષાની દ્રષ્ટિએ રસી લગાવવી સારી બાબત છે. તાજેતરમાં, સરકારે જાહેરાત કરી હતી કે ફ્લાઇટમાં માસ્ક પહેરવું જરૂરી નથી. પરંતુ કોરોનાના કેસોને જોતા માસ્ક પહેરવું જોઈએ, પરંતુ જો કોઈ માસ્ક ન પહેરે તો તેના માટે કોઈ દંડ વસૂલાશે નહીં.