મોટેભાગે ગ્રામીણ પ્રદેશોથી ઘેરાયેલા કચ્છ જિલ્લામાં લગ્નો એકદમ સાદી અને પરંપરાગત રીતે યોજાતા હોય છે. આ પ્રકારના પરંપરાગત લગ્નોમાં અઠવાડિયુ, દસ અથવા પંદર દિવસથી પરિવારજનો પોતપોતાના બધા કામ વહેંચી લેતા હોય છે અને લગ્નની તૈયારીઓમાં લાગી જતાં હોય છે. પરંતુ હવે શહેરોમાં લોકો ભવ્ય લગ્ન યોજવા તરફ વળી રહ્યા છે અને આ કામમાં તેમના સહભાગી થાય છે વેડિંગ પ્લાનર્સ.
ઇવેન્ટ મેનેજર અથવા તો વેડિંગ પ્લાનર પોતાના ક્લાયન્ટ માટે તેમના કાર્યક્રમ અનુસાર બધી જ સગવડો પૂરી પાડે છે. જ્યારે લગ્નની વાત આવે તો કંકોત્રી છપાવવાથી લઈને હનીમૂન માટેનો પ્રવાસ પણ આ વેડિંગ પ્લાનર ગોઠવી આપે છે, જે થકી પરિવારજનો લગ્નના કામકાજમાંથી નિશ્ચિંત થઈ આવા પ્રસંગ પોતાના પરિવાર સાથે ખુલીને માણી શકે છે.
કચ્છમાં પણ છેલ્લા થોડા વર્ષોમાં આ ઇવેન્ટ મેનેજમેન્ટનું વ્યવસાય વધ્યું છે. હવે કચ્છમાં પણ લોકો આયોજનના ઝંઝટભર્યા કામથી મુક્ત થઈ પ્રસંગને પરિવાર સાથે માણવા ઈચ્છી રહ્યા છે. આ તકને ઝડપી ઇવેન્ટ મેનેજર્સ પણ આ સીઝન દરમિયાન દિવસ રાત એક કરી પોતાના ક્લાયન્ટ માટે સારામાં સારું આયોજન કરવા મહેનત કરી રહ્યા છે.
મોટી સંખ્યામાં કચ્છના લોકો અન્ય શહેર, રાજ્ય અથવા દેશમાં સ્થાયી થયા હોતાં મહેમાનોનું આવકાર ખૂબ જરૂરી બની રહે છે. ત્યારે આ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની પણ મહેમાનોને એરપોર્ટ અથવા રેલવે સ્ટેશનથી લઈ લગ્ન દરમિયાન તેમનું ખ્યાલ રાખી તેમને પરત મોકલવા સુધીની જવાબદારી ઉપાડે છે. આવા પ્રસંગોમાં પરિવાર અને મહેમાનોને માત્ર તૈયાર થવાનું કામ રહે છે બાકી સર્વે ઇવેન્ટ મેનેજર સંભાળે છે. આ માટે લગ્ન સ્થળ, ડેકોરેશન વગેરે વસ્તુઓ મુજબ આ ઇવેન્ટ મેનેજર રૂ. 1.5 લાખથી લઈને 8 લાખ સુધી ચાર્જ લેતા હોય છે. તો અનેક ભવ્ય લગ્નોમાં આ ખર્ચ 50 લાખ સુધી પણ પહોંચી જતું હોય છે.
જો કે, કચ્છમાં હજુ પણ લોકો સર્વસ્વ ઇવેન્ટ મેનેજર પર મૂકવા રાજી હોતાં નથી. ડેકોરેશન, સ્થળ, સાઉન્ડ, ઓર્કેસ્ટ્રા, લાઈટિંગ વગેરે ઇવેન્ટ મેનેજર તો સંભાળે જ છે પરંતુ ફોટોગ્રાફર અને જમવાનું મેનુ તો લોકો મોટે ભાગે જાતે જ નક્કી કરી રહ્યા છે. કચ્છમાં છેલ્લા થોડા વર્ષોથી ઇવેન્ટ મેનેજમેન્ટ કરતા આશિષ ઝાએ જણાવ્યું હતું કે, \”કચ્છના લોકો વફાદાર ગ્રાહકો છે. તેમના પરિવારના અન્ય પ્રસંગોમાં જે વ્યક્તિએ ફોટા પાડ્યા હશે તેમની પાસેથી જ ફોટા પડાવવાનો આગ્રહ રાખતા હોય છે. તો કચ્છના લોકો પોતાની જીભના સ્વાદ પ્રમાણે જમણવાર નો મેનુ પણ જાતે જ નક્કી કરે છે. દસ ઓર્ડરમાંથી માંડ એક-બે ઓર્ડરમાં જ આ વસ્તુઓ પણ અમારા પર મુકાય છે.\”
તમારા શહેરમાંથી (કચ્છ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર