શામપરા ગામમાં પડતર પ્રશ્ને ચૂંટણીના બહિષ્કારની ચીમકી


- ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક હેઠળ આવતા શામપરા ગામમાં વિરોધ પ્રદર્શન

- પડતર પ્રશ્ને ગ્રામજનોએ રેલી કાઢી મત નહી આપવાની ચીમકી ઉચ્ચારી, ચૂંટણી અધિકારી-કર્મચારીઓની દોડધામ વધી

ભાવનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી દિવસોમાં યોજાનાર છે ત્યારે માંગણીઓ પૂર્ણ નહી થતા જુદા જુદા વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવામાં આવી રહી છે, આવુ જ ચિત્ર આજે રવિવારે ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક હેઠળ આવતા શામપરા ગામમાં જોવા મળ્યુ હતું. પડતર પ્રશ્ને લોકોએ રેલી કાઢી હતી અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

ભાવનગર નજીકના શામપરા (સીદસર) ગામે છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકો દ્વારા તેમની માંગણીઓ તંત્રને રજુ કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આજે રવિવારેગામ લોકો દ્વારા વિશાળ સંખ્યામાં એકઠા થઈ રેલી યોજી અને ચૂંટણી બહિષ્કારની ચમકી આપી હતી. વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે દરેક ઉમેદવારો તેમના મતદારોને રીઝવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ સામે મતદારો પણ ચૂંટણી સમયે જ તંત્ર અને રાજકીય નેતાના નાક દબાવી તેમની માંગો સ્વીકારે તે માટેના પ્રયાસો કરી રહ્યા છે. છેલ્લા ૧૬ વર્ષથી તેમની વિવિધ માંગણીઓને લઈને ભાવનગર નજીકના શામપરા ગામના લોકો રજૂઆત કરી રહ્યા છે, સ્થાનિક લોકોની માંગણી છે કે તેમના ગામની જમીન સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ ઉભી કરવા માટે આપી છે પરંતુ આ શાળાઓમાં નામ અન્ય ગામના લગાવવામાં આવ્યા છે. હાલ ગામમાં અનેક યુવાનો આર્મી, પોલીસ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની ફિઝિકલ તૈયારી કરી રહ્યા છે ત્યારે તેમને આ તૈયારી કરવા કોઈ મેદાન નથી. મેદાન માટે જમીન ફાળવવામાં આવે તેમજ ગામની કેટલીક સ્થાનિક સમસ્યાઓ અંગે અનેક વાર રજૂઆતો કરેલ છે પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય ઉકેલ આવેલ નથી.

શામપરા ગ્રામજનોના પ્રશ્નનો નિકાલ નહી આવતા ગ્રામજનોએ વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. શામપરા ગામના પ્રશ્નનો યોગ્ય ઉકેલ નહી આવતા ગ્રામજનોએ મતદાનથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે, જેના પગલે ચૂંટણી અધિકારી-કર્મચારીઓની દોડધામ વધી ગઈ છે.



Source link

Leave a Comment