નવી દિલ્હી, તા. 23 નવેમ્બર 2022 બુધવાર
સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થાને ગતિ પ્રદાન કરવા માટે ડીઝલથી વધારે કોઈ પણ ઈંધણની જરૂર નથી. ડીઝલ દ્વારા જ ટ્રક, બસ, જહાજ અને ટ્રેન ચાલે છે. આ સિવાય ડીઝલનો ઉપયોગ કંસ્ટ્રક્શન, મેન્યુફેક્ચરિંગ સિવાય કૃષિ ક્ષેત્રે પણ કરવામાં આવે છે. ઠંડા વાતાવરણ વાળા દેશોમાં ઘરને ગરમ રાખવા માટે પણ ડીઝલનો ઉપયોગ કરવામાં આવે છે. અને જ્યારે પ્રાકૃતિક ગેસના ભાવ આસમાને છે તો આવી સ્થિતિમાં ડીઝલનો ઉપયોગ ગેસના સ્થાને કરવામાં આવી રહ્યો છે પરંતુ આગામી મહિનાઓમાં સપ્લાયમાં ઘટાડાના કારણે દુનિયાના દરેક એનર્જી માર્કેટમાં ડીઝલનું સંકટ પેદા થવાનું છે.
મોંઘુ થઈ શકે છે ડીઝલ!
ડીઝલ સંકટના કારણે કિંમતોમાં ખૂબ જ વધારો થવાનું અનુમાન છે, જેના કારણે ઘરોને ગરમ રાખવા માટે વધારે રકમ ખર્ચ કરવી પડી શકે છે. અમેરિકામાં માત્ર ડીઝલના ભાવોમાં વધારાના કારણે ત્યાંની અર્થવ્યવસ્થા પર 100 અરબ ડોલરનો નાણાકીય બોજ વધવાનું અનુમાન છે. અમેરિકામાં ડીઝલ અને હીટિંગ ઓઈલનો સ્ટોક ચાર દાયકાઓના નીચા સ્તરે છે.
નોર્થવેસ્ટ યુરોપમાં પણ સ્ટોકની અછત છે. રશિયા પર લગાવવામાં આવેલા આર્થિક પ્રતિબંધોના અમલમાં આવ્યા બાદ માર્ચ 2023માં સંકટ વધુ ગાઢ બની શકે છે. ડીઝલના સંકટનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે ગ્લોબલ એક્સપોર્ટ માર્કેટમાં ડીઝલનું એવુ સંકટ છે કે પાકિસ્તાન જેવા ગરીબ દેશોને ઘરેલૂ જરૂરિયાતો માટે સપ્લાયના સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.
ન્યુ યોર્ક હાર્બર જે બેન્ચમાર્ક છે તેમના સ્પોટ માર્કેટમાં ડીઝલના ભાવોમાં આ વર્ષે 50 ટકાનો વધારો આવી ચૂક્યો છે. નવેમ્બરમાં 4.90 ડોલર પ્રતિ ગેલન ભાવ પહોંચી ચૂક્યો છે જે એક વર્ષ પહેલાની સરખામણીએ બમણો છે. નોર્થવેસ્ટ યુરોપમાં ડીઝલના ફ્યૂચરનો રેટ બ્રેંટ ક્રૂડથી 40 ડોલર વધારે છે.
કેમ છે અછત?
સમગ્ર દુનિયામાં રિફાઈનિંગ કેપેસિટીમાં ઘટાડો થયો છે. ક્રૂડ ઓઈલના સપ્લાયને મુદ્દે પણ મુશ્કેલીઓ છે પરંતુ મુશ્કેલીઓ ત્યારે વધી જાય છે જ્યારે ક્રૂડને પેટ્રોલ અને ડીઝલમાં રિફાઈન કરવુ પડી રહ્યુ છે. કોરોના મહામારી દરમિયાન માગ ઘટ્યા બાદ રિફાઈનિંગ કંપનીઓએ ઘણો ઓછો નફો આપનારા પોતાના અમુક પ્લાન્ટ્સને બંધ કરી દીધા.
2020 બાદથી અમેરિકાની રિફાઈનિંગ કેપેસિટી એક મિલિયન બેરલ પ્રતિ દિન ઓછી થઈ ગઈ છે. તો યુરોપમાં શિપિંગ ડિસરપ્શન અને વર્કર્સની હડતાળના કારણે રિફાઈનિંગ પર અસર પડી છે. રશિયા પાસેથી સપ્લાય બંધ થયા બાદ મુશ્કેલીઓ વધવા લાગી છે. ડીઝલ પર યુરોપીય દેશ સૌથી વધારે નિર્ભર કરે છે.
ફેબ્રુઆરીમાં યુરોપિયન યુનિયનના રશિયાના સમુદ્રી માર્ગથી આવતા ડિલિવરી પર બેન અમલમાં આવી જશે પરંતુ રશિયાથી આવતા સપ્લાયનો વિકલ્પ શોધવામાં આવ્યો નહીં તો યુરોપીય અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી શકે છે. ઠંડીના કારણે યુરોપની સમસ્યા વધુ ગંભીર થઈ શકે છે. યુરોપ હજુ પણ રશિયા પાસેથી ડીઝલ ઈમ્પોર્ટ કરી રહ્યુ છે સાથે જ સાઉદી અરેબિયા, ભારત જેવા દેશો પાસેથી પણ આયાત કરવામાં આવી રહ્યુ છે.