- ઠાકોર સમાજે પણ માલધારીઓને ટેકો જાહેર કર્યો
- લમ્પી વાયરસ માટે સરકારે રૂ. 500 કરોડના પેકેજની જાહેરાતો કરી પરંતુ એક પણ રૂપિયાની સહાય ન મળી હોવાની ફરિયાદ
અમદાવાદ, તા. 18 સપ્ટેમ્બર 2022, રવિવાર
ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરનો મુદ્દો દિવસેને દિવસે ખૂબ ગરમાઈ રહ્યો છે. હાઈકોર્ટની ટકોર બાદ ગુજરાત સરકારે રખડતા ઢોરને પકડવા કડક કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ મામલે માલધારી સમાજે પણ એક વેદના રેલીના આયોજન દ્વારા તેમને કયા પ્રકારની મુશ્કેલીઓ અનુભવવી પડે છે તે વ્યક્ત કરવા પ્રયત્ન કર્યો હતો. જોકે હવે આ અંગે રાજકારણ વધારે ગરમાઈ રહ્યું છે અને માલધારી સમાજે આજે અમદાવાદના શેરથા ખાતે વેદના સંમેલનનું આયોજન કર્યું હતુ.
જોકે સંમેલનના નામે તેમણે સરકાર સામે શક્તિ પ્રદર્શન કર્યું છે. આ સંમેલનમાં રાજ્યભરમાંથી માલધારી સમાજના સાધુ-સંતો અને ભુવાઓ હાજર રહ્યા છે. માલધારી સમાજ દ્વારા ઢોર અંકુશ નિયંત્રણ કાયદો રદ કરવામાં આવે, ગૌચરોની જમીન પરત કરવામાં આવે, આ ઉપરાંત ઢોરવાડા માલધારીઓના ઘર નજીક બનાવી આપવામાં આવે તેવી માગણીઓ મામલે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
માલધારી સમાજની માગોને લઈને આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં માલધારી સમાજના હજારો લોકો એકઠા થયા છે. MLA રઘુ દેસાઈ, લાખા ભરવાડ, માલધારી સમાજના ભુવાજીઓ, પૂર્વ અધિકારીઓ હાજર રહ્યા છે. આ બેઠકમાં આંદોલનની રણનીતિ ઘડવામાં આવશે. માલધારી સમાજે ઉકેલ નહીં આવે તો વિધાનસભા સત્ર સમયે વિધાનસભા ઘેરવાની ચીમકી આપી છે. સૌરાષ્ટ્ર-કચ્છથી પણ માલધારી સમાજના સાધુ-સંતો આ સંમેલનમાં પહોંચ્યા છે. સુરતથી પણ ગુજરાત માલધારી મહાપંચાયતના હોદ્દેદાર-આગેવાનો હાજર રહ્યા છે તથા ઠાકોર સમાજના અગ્રણી નવઘણજી ઠાકોર હાજર રહ્યા છે. ઠાકોર સમાજ વતી માલધારી સમાજને ટેકો જાહેર કરવામાં આવ્યો છે.
માલધારી સમાજે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે. તેમની એવી ફરિયાદ છે કે, સરકાર ગાયોના મામલે માત્ર વાતો જ કરે છે, કોઈ સહાય નથી કરતી. લમ્પી વાયરસ માટે પણ સરકારે રૂ. 500 કરોડના પેકેજની જાહેરાતો કરી હતી પરંતુ હજુ સુધી એક પણ રૂપિયો ફાળવવામાં નથી આવ્યો.
માલધારી સમાજના આગેવાન ભીમા આતાએ કહ્યું કે, જ્યાં સુધી ઢોર અંકુશ નિયંત્રણનો આ કાળો કાયદો રદ નહીં થાય ત્યાં સુધી તેઓ પાછા નહીં પડે. આખો સમાજ એક સાથે મળીને સરકાર સામે લડશે.
રાજકોટ માલધારી સમાજના આગેવાન મનીષભાઈ નાગોરે જણાવ્યું કે, આ લડત માટે રબારી, ભરવાડ, ગઢવી અને આહીર એમ ચારેય સમાજે એક થવું પડશે. જો આ ચારેય સમાજ એક થયો તો આવનારી ચૂંટણીમાં મુખ્યમંત્રી આપણા હશે. તેમણે કહ્યું કે, રાજકોટના રસ્તા પર ચક્કાજામ કરીશું અને એક પણ વાહનને આગળ નહીં જવા દઈશું. રાજકોટના રસ્તાઓ પરથી એક પણ નેતાઓને નીકળવા નહીં દઈશું.