- પાંડેસરા મિલન પોઇન્ટથી સચિન સુધીના વિસ્તારમાં 14 એટીએમમાં રૂ. 1.77 કરોડ લોડ કર્યાઃ બાકી હિસાબ પેટે રૂ. 64 લાખને બદલે રૂ. 49 લાખની બેલેન્સ હતી
સુરત
સુરતના પાંડેસરા અને સચિન વિસ્તારમાં જુદી-જુદી બેંકના એટીએમમાં કેશ લોડ કરવાનું કામ કરતી ભટારની સીએમએસ ઇન્ફો સિસ્ટમ લિ. ની ગાડીમાંથી ભેદી સંજોગોમાં રૂ. 15 લાખ ગાયબ થઇ જતા ડ્રાઇવર, ગાર્ડ અને બે કસ્ટોડીયન સહિત ચાર વિરૂધ્ધ સચિન પોલીસમાં ફરીયાદ નોંધાય છે. પોલીસે ચારેયની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
ભટાર ચાર રસ્તા સ્થિત ઇશ્વરનગર સોસાયટીમાં આવેલી અને શહેરના અલગ-અલગ બેંકના એટીએમમાં કેશ લોડ કરવાનું કામ કરતી સીએમએસ ઇન્ફો સિસ્ટમ લિમીટેડની ગાડી નં. જીજે-19 વાય-3168 નો ડ્રાઇવર મનોજસીંગ રામબિલખસીંગ (રહે. લાઇ ફળીયું, આભવા), ગાર્ડ હીરામણ ચુડામણ પાટીલ (રહે. આકાર રેસીડન્સી, લિંબાયત), કસ્ટોડીયન આશુતોષ શ્રીરામ તિવારી (રહે. રાધેશ્યામ નગર, પાંડેસરા) અને પવિત્ર જયેશ ખલાસી (રહે. ટેકરા ફળીયું, ગભેણી, સુરત) ગત 15 નવેમ્બરે રોકડા રૂ. 2.14 કરોડ લઇને નીકળ્યા હતા.
પાંડેસરા મિલન પોઇન્ટથી સચિન સુધીના વિસ્તારમાં એક્સીસ બેંકના મિલન પોઇન્ટ, વડોદ, ઉન ભીંડી બજાર, ઉન ચાર રસ્તા, ગભેણી ગામ, સચિન શીવનગર અને સિધ્ધી ગણેશ ટાઉનશીપ, યાદવનગર, એસબીઆઇના ભેસ્તાન, બેંક ઓફ બરોડાના ઉન, અને સચિન હાઉસીંગ બોર્ડ તથા આઇસીઆઇસીઆઇના તલંગપુર અને સચિન જીઆઇડીસીના એટીએમમાં કુલ રૂ. 1.77 કરોડની કેશ લોડ કરી હતી. ત્યાર બાદ તેઓ પરત કંપની ઓફિસે ગયા ત્યારે ગાડીમાં રૂ. 64 લાખ હોવા જોઇએ પરંતુ તેના બદલે માત્ર રૂ. 49 લાખ એટલે કે રૂ. 15 લાખ ઓછા હતા. જેથી કંપનીના ઓપરેશન મેનેજર યોગેશ ચંદુ પટેલ (રહે. ગુરખા કોલોની, મગદલ્લા ગામ, સુરત) સહિતના સ્ટાફે જે એટીએમમાં કેશ લોડ કરી હતી ત્યાં જઇ તપાસ કરવા ઉપરાંત સીસીટીવી પણ ચેક કર્યા હતા પરંતુ રૂ. 15 લાખ મળ્યા ન હતા. જેથી ડ્રાઇવર સહિત ચારેય જણાએ રોકડ ગાયબ કર્યાની આશંકા વ્યકત કરતી ફરીયાદ સચિન પોલીસમાં નોંધાય છે. પોલીસે ચારેયને અટકાયતમાં લઇ પૂછપરછ હાથ ધરી છે.