ચાઈનામાં ફરી કોરોના વિસ્ફોટે કોવિડ અંકુશોએ વૈશ્વિક બજારોમાં ધોવાણ
મુંબઈ : ચાઈનામાં કોરોના કેસો ફરી રેકોર્ડ ઊંચાઈએ પહોંચતાં અને કોરોનાના કારણે મૃત્યુના કેસ નોંધાતાં કોવિડ અંકુશો લાદવામાં આવતાં વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ જવાના જોખમે અને યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં તોળાતા નવા વધારાના પગલે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં ગાબડાં પડયા હતા. વૈશ્વિક નેગેટીવ પરિબળો સાથે ઘર આંગણે ભારતનો આર્થિક વિકાસ આગામી વર્ષમાં નબળો પડવાના અહેવાલોની નેગેટીવ અસરે ફંડોએ શેરોમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો. આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં મોટાપાયે ઓફલોડિંગ થવા સાથે ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, બેંકિંગ, ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલીએ સેન્સેક્સ ૫૧૮.૬૪ પોઈન્ટ તૂટીને ૬૧૧૪૪.૮૪ અને નિફટી સ્પોટ ૧૪૭.૭૦ પોઈન્ટ ઘટીને ૧૮૧૫૯.૯૫ બંધ રહ્યો હતો. સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત ધોવાણે શેરો મંદીના ઝોનમાં ખાબક્યા હતા. અનેક શેરોમાં ઓછા વોલ્યુમે ગાબડાં પડતાં જોવાયા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૧૬ પૈસા નબળો પડીને ૮૧.૮૪ રહ્યો હતો. ક્રુડ ઓઈલના ભાવ નરમાઈ તરફી રહી સાંજે બ્રેન્ટ ક્રુડ ૮૭.૧૨ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૭૯.૭૦ ડોલર નજીક રહ્યા હતા.
આઈટી ઈન્ડેક્સ ૪૩૫ ગબડયો : એલ એન્ડ ટી ઈન્ફો રૂ.૧૨૬, માઈન્ડટ્રી રૂ.૭૬, પર્સિસ્ટન્ટ રૂ.૮૪ તૂટયા
આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં અમેરિકા પાછળ આજે ફંડોએ વધુ મોટાપાયે હેમરીંગ કરતાં બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૩૫.૩૭ પોઈન્ટ તૂટીને ૨૯૩૭૯.૫૬ બંધ રહ્યો હતો. એલ એન્ડ ટી ઈન્ફોટેક રૂ.૧૨૬.૪૦ તૂટીને રૂ.૪૭૬૮.૨૦, સિગ્નિટી ટેકનો રૂ.૩૦.૩૫ ઘટીને રૂ.૫૨૮.૨૦, પર્સિસ્ટન્ટ રૂ.૮૪.૪૦ ઘટીને રૂ.૩૬૫૦, માઈન્ડટ્રી રૂ.૭૬.૨૫ ઘટીને રૂ.૩૪૩૦.૨૦, ટેક મહિન્દ્રા રૂ.૧૮.૯૦ ઘટીને રૂ.૧૦૪૨.૩૦, ટીસીએસ રૂ.૫૯.૫૦ ઘટીને રૂ.૩૨૮૨.૩૦, વિપ્રો રૂ.૫.૫૦ ઘટીને રૂ.૩૮૮.૫૦, ઈન્ફોસીસ રૂ.૨૫.૭૦ ઘટીને રૂ.૧૫૬૭.૨૦, એએસએમ ટેકનો રૂ.૧૯.૫૫ ઘટીને રૂ.૫૦૨.૨૫, રેટગેઈન ટ્રાવેલ રૂ.૯.૧૦ ઘટીને રૂ.૨૭૬.૩૦ રહ્યા હતા.
મેટલ-માઈનીંગ હિન્દાલ્કો, જેએડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ ઘટયા : રિલાયન્સ રૂ.૪૭ તૂટીને રૂ.૨૫૫૦
મેટલ-માઈનીંગ, ઓટોમોબાઈલ, ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી રહી હતી. જેમાં હિન્દાલ્કો રૂ.૮.૩૫ ઘટીને રૂ.૪૩૦.૪૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૨.૨૫ ઘટીને રૂ.૬૯૬.૨૦, ટાટા સ્ટીલ રૂ.૧.૩૦ ઘટીને રૂ.૧૦૪.૨૦ રહ્યા હતા. ઓઈલ-ગેસ શેરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૭.૫૦ ઘટીને રૂ.૨૫૫૦.૦૫ રહ્યો હતો. ઓટો શેરોમાં ટીવીએસ મોટર રૂ.૩૩.૨૦ ઘટીને રૂ.૧૦૪૮.૨૫, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૨૮.૫૦ ઘટીને રૂ.૧૩૨૦.૬૫, હીરો મોટોકોર્પ રૂ.૫૦.૦૫ ઘટીને રૂ.૨૬૭૨.૯૦, બોશ રૂ.૧૪૮.૯૦ ઘટીને રૂ.૧૬,૩૮૧.૬૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરો મંદીના ઝોનમાં : ઓછા વોલ્યુમે ગાબડાં : ૨૧૭૨ શેરો નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં સતત કડાકા બોલાતાં રહી શેરો મંદીના ઝોનમાં આવી ગયા હોય એમ અનેક શેરોમાં ઓછો વોલ્યુમે ભાવો તૂટતાં જોવાઈ રહ્યા હતા. ફંડો, મહારથીઓએ સ્મોલ, મિડ કેપ શેરોમાંથી રોકાણ પાછું ખેંચવાનું સતત ચાલુ રાખીને આજે પણ વ્યાપક વેચવાલી કરી હતી. બજારના જાણકારો હાલ તુરત સ્મોલ, મિડ કેપ શેરોમાં સસ્તાની લાલચમાં આવીને ખરીદીની દોટ નહીં મૂકવાની ગણતરીએ ખરીદીથી દૂર વેચીને નફો ઘરભેગો કરી રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૭૨ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૪૨૪ અને ઘટનારની સંખ્યા ૨૧૭૨ રહી હતી.
FPI/FIIની કેશમાં રૂ.૧૫૯૩ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૨૬૨ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો-એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૫૯૩.૮૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૪૮૯૦.૭૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૪૮૪.૫૫ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો આજે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૨૬૨.૯૧ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૫૯૯૧.૭૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૭૨૮.૮૨ કરોડની વેચવાલી થઈ હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૩૯ લાખ કરોડ ઘટીને રૂ.૨૮૦.૯૧ લાખ કરોડ
શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ કડાકા સાથે અનેક શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૩૯ લાખ કરોડ ઘટીને રૂ.૨૮૦.૯૧ લાખ કરોડ રહી ગયું હતું.