મુંબઈ : ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે ડેરિવેટીવ્ઝમાં નવેમ્બર વલણના અંતે આજે ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં વિક્રમી ઊંચાઈનો ઈતિહાસ રચાયો હતો.વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન, ચાઈનામાં ફરી કોરોના કેસોના વિસ્ફોટે લોકડાઉન અને મંદીનો ફફડાટ તેમ જ યુરોપમાં એનજીૅ કટોકટીને લઈ ચિંતા અને વિશ્વ હજુ ફુગાવાથી ત્રસ્ત છે, ત્યારે યુ.એસ. ફેડરલ રિઝર્વની તાજેતરની મીટિંગની મીનિટ્સમાં વ્યાજ દરમાં વધારાની તીવ્રતા ઘટવાના સંકેત વચ્ચે વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે ભારતીય શેર બજારોમાં આજે ફંડોએ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોની આગેવાનીએ ઐતિહાસિક તેજી કરી હતી. ઓસ્ટ્રેલિયા સાથે ભારતની વેપાર સંધિના પરિણામે આઈટી ઉદ્યોગને મોટો ફાયદો થવાના પોઝિટીવ પરિબળે પણ બિગબુલ સહિત ફંડોએ આઈટી શેરોમાં આક્રમક તેજી કરી હતી. આ સાથે સેન્સેક્સે ૧૯,ઓકટોબર ૨૦૨૧નો તેનો ૬૨૨૪૫.૪૩નો વિક્રમ પાર કરીને આજે ૬૨૪૧૨.૩૩ નવી ઐતિહાસિક ટોચ બનાવી અંતે ૭૬૨.૧૦ પોઈન્ટ વધીને ૬૨૨૭૨.૬૮ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી સ્પોટ ૧૮૫૨૯.૭૦ની બાવન સપ્તાહની નવી ટોચ બનાવી અંતે ૨૧૬.૮૫ પોઈન્ટ વધીને ૧૮૪૮૪.૧૦ની ઊંચાઈએ બંધ રહ્યો હતો.
આઈટી ઈન્ડેક્સ ૬૮૦ પોઈન્ટ ઉછળ્યો
આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોએ આક્રમક તેજી કરી હતી. ઓસ્ટ્રેલિયા સાથે ભારતની તાજેતરમાં થયેલી વેપાર સંધિના પરિણામે આઈટી ઉદ્યોગને મોટો ફાયદો થવાના અંદાજો વચ્ચે ફંડો, બિગબુલ સહિતના મહારથીઓએ આઈટી શેરોમાં મોટી ખરીદી કરી હતી. જેથી બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૬૮૦.૮૧ પોઈન્ટ ઉછળીને ૩૦૨૫૭.૨૦ બંધ રહ્યો હતો. એલ એન્ડ ટી ઈન્ફોટેક રૂ.૧૯૮.૪૫ વધીને રૂ.૪૯૪૦.૬૦, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૧૫૪.૬૦ વધીને રૂ.૩૮૮૫.૧૦, ઈન્ફોસીસ રૂ.૪૬.૪૦ વધીને રૂ.૧૬૨૯.૮૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૮.૫૦ વધીને રૂ.૧૧૩૦.૯૦, વિપ્રો રૂ.૯.૪૫ વધીને રૂ.૩૯૮.૦૫, ટેક મહિન્દ્રા રૂ.૨૫ વધીને રૂ.૧૦૬૯.૧૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓનું આકર્ષણ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ઘટાડે ફંડો, ખેલંદાઓનું પસંદગીનું આકર્ષણ વધતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૭૧ અને ઘટનારની સંખ્યા ૧૬૪૨ રહી હતી.
FIIની કેશમાં રૂ.૧૨૩૨ કરોડનીખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો-એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૨૩૧.૯૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૬૪૭૧.૯૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૨૩૯.૯૫ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો આજે કેશ સેગ્મેન્ટમાં રૂ.૨૩૫.૬૬ કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૫૮૫૦.૭૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૦૮૬.૩૬કરોડની વેચવાલી થઈ હતી.
રોકાણકારોની સંપત્તિ રૂ. ૨.૨૬ લાખ કરોડ વધી
સેન્સેક્સમાં નોંધાયેલ ઊછાલાના પગલે આજે રોકાણકારોની સંપત્તિ (બીએસઈ માર્કેટકેપ.) રૂ. ૨.૨૬ લાખ કરોડ વધીને રૂ. ૨૮૩.૭૦ લાખ કરોડ પહોંચ્યું હતું.