ધીમે ધીમે આપણને સૌને
મોબાઇલ પર આંગળીના ઇશારે કરિયાણાની ખરીદી કરવાની ફાવટ આવવા લાગી છે. ખાસ કરીને
એટલા માટે કે આવી એપ્સ હવે ફટાફટ - અમુક કિસ્સામાં તો માંડ ૧૦-૨૦ મિનિટમાં ડિલિવરી
આપવા લાગી છે. હવે ગ્રોસરી એપ્સ હજી એક ડગલું આગળ વધી રહી છે.
આવી ઘણી એપ્સમાં અમુક
માર્કેટ્સમાં મોડી રાત સુધી ડિલિવરીની સગવડ આપવામાં આવી રહી છે. આવી એપ્સ અત્યારે
મોટે ભાગે સવારના ૭-૦૦ થી રાતના ૧-૦૦ વાગ્યા સુધી ડિલિવરીની સગવડ આપવા લાગી છે.
તેમાં પ્રોત્સાહક પરિણામો મળતાં હવે સર્વિસનો સમય હજી વધારીને મધરાતના ૩-૦૦ વાગ્યા
સુધીનો કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં અમુક એપ્સ આખો દિવસ અને આખી રાત એમ
ચોવીસેય કલાક ડિલિવરીના વિકલ્પો પણ તપાસી રહી છે.
હાલમાં આ સુવિધાઓ
અમુક શહેરોમાં ને ત્યાંની મહાનગરપાલિકાના નિયમોને આધિન આપવામાં આવી રહી છે. જોકે
લગભગ બધી જ સર્વિસને લેટ નાઇટ ડિલિવરીના જે રીતે પ્રોત્સાહક પરિણામો મળી રહ્યાં છે
એ જોતાં નજીકના ભવિષ્યમાં કમ સે કમ અમુક શહેરોમાં ચોવીસેય કલાક ગ્રોસરી શોપિંગ થઈ
શકે તેવી શક્યતા છે!