બંને તબક્કાની ચૂંટણી : ૧૬ હજારથી વધુ મતદાન મથકો સંવેદનશીલ


સંવેદનશીલ-અતિ સંવેદનશીલ મથકોમાં પોલીસ ઉપરાંત પેરામીલીટ્રી ફોર્સ તૈનાન કરવામા આવે છે

અમદાવાદ

ગુજરાત વિધાનસભાની
બંને તબક્કાની ચૂંટણીના કુલ મળીને ૫૧૭૮૨ જેટલા મતદાન મથકોમાંથી અંદાજે ૨૮થી૩૦ ટકા જેટલા
મતદાન મથકો એટલે કે ૧૬ હજારથી વધુ મથકો સંવેદનશીલ મથકો તરીકે નક્કી કરવામા આવ્યા છે.સંવેદનશીલથી
અતિ સંવેદનશીલ ગણાતા મથકોમાં સ્ટેટ પોલીસ ઉપરાંત પેરામીલિટ્રી ફોર્સના જવાનો પણ તૈનાત
કરવામા આવે છે.ચૂંટણીપંચ દ્વારા ગત ચૂંટણીની વિવિધ બાબતો અને સ્થાનિક ભૌૈગોલિક પરિસ્થિતિ
વગેરેને ધ્યાને રાખીને  સંવેદનશીલ-અતિસંવેદનશીલ
મથકો નક્કી કરવામા આવે છે.

પ્રથમ
તબક્કામાં ૮૯ બેઠકો અને બીજા તબક્કામાં ૯૩ બેઠકોની ચૂંટણી થનાર છે અને પ્રથમ તેમજ
બીજા તબક્કાની મળીને ૧૮૨ બેઠકો માટે રાજ્યના ૩૩ જિલ્લામાં કુલ ૫૧૭૮૨ મતદાન મથકો
નક્કી કરવામા આવ્યા છે.આ મતદાન મથકોમાંથી અંદાજે ૩૦ ટકાથી વધુ મતદાન મથકો
સંવેદનશીલ કેટેગરીમાં નક્કી કરવામા આવ્યા છે. રાજ્યના કુલ મતદાન મથકોમાંથી ૧૬૨૩૪
જેટલા મથકો એટલે કે ૩૧ ટકા મથકો સંવેદનશીલ છે. ગત વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ
જ્યાં આ વખતની ચૂંટણીમાં ૧૫૧૮ મતદાન મથકો વધ્યા છે.જે વિવિધ જિલ્લામાં વધારવામા
આવ્યા છે.

આ વખતની
ચૂંટણીમાં મુખ્ય શહેર-જીલ્લાવાર જોઈએ તો સૌથી વધુ ૫૫૯૯ મતદાન મથકો અમદાવાદ
જિલ્લમાં છે ત્યારબાદ સુરતમાં ૪૬૨૩
, બનાસકાંઠામાં ૨૬૧૨ ,વડોદરામાં ૨૫૮૯ અને રાજકોટમાં ૨૨૫૩ પોલીંગ સ્ટેશન્સ છે.સૌથી ઓછાં ૩૩૫
મતદાન મથકો ડાંગ જિલ્લામાં છે.અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરની ૧૬ બેઠકોના કુલ
મતદાન મથકોમાં અંદાજે ૧૪૫૦ જેટલા એટલે કે ૩૪ ટકા જેટલા મતદાન મથકો સંવેદનશીલ
છે.સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ ગણાતા મતદાન મથકોમાં પેરામીલિટ્રી ફોર્સની ટુકડીઓ
તૈનાત કરવામા આવતી હોય છે અને ચૂંટણી પંચ દ્વારા પોલીસ બંદોબસ્ત માટે પણ ઉચ્ચ આઈપીએસ
અધિકારીઓને પોલીસ ઓબ્ઝર્વર તરીકે મુકવામા આવતા હોય છે.૩૫થી વધુ પોલીસ ઓબ્ઝર્વર
ચૂંટણી પંચ દ્વારા મોકલવામા આવ્યા છે.

 Source link

Leave a Comment