- રોડ-રસ્તા અને ગટરના પ્રશ્ન નહીં ઉકેલાતા
- સોસાયટીની બહાર જ બેનરો લગાવી ચૂંટણીનો બહિષ્કાર કરવાનું રહિશોએ જાહેર કર્યું
ભાવનગર : બોટાદમાં પાળીયાદ રોડ પર આવેલ હાઉસીંગ બોર્ડની એ ગ્રેડની સોસાયટીમાં પ્રાથમિક જરૂરીયાતો અંગે તંત્ર દુર્લક્ષ્ય સેવતા હોય નારાજગી ચરમસીમાએ પહોંચતા રાજકીય આગેવાન કે કાર્યકર્તાઓએ ચૂંટણી પ્રચાર માટે પ્રવેશ નહીં કરવાના બેનરો લગાડી ચૂંટણીનો બહિષ્કાર કરવા નક્કી કર્યું હતું.
મળતી વિગતો મુજબ આગામી સમયમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ પક્ષોમાં પણ મત મેળવવા આયોજનો ઘડાવાનું શરૂ થયું છે પરંતુ આમ જનતાની મુશ્કેલી અંગે અગાઉની નિષ્ક્રીયતા ઉડીને સામે આવી રહી છે. બોટાદના પાળીયાદ રોડ પર આવેલ એ કેટેગરીની હાઉસીંગ સોસાયટીમાં લાંબા સમયથી ગટર, પેવર બ્લોક, રોડ રિપેરીંગનો પ્રશ્ન છે અને આ જરૂરીયાતને લઇ રહિશો દ્વારા અવાર નવાર રજૂઆતો પણ કરાઇ છે અને તંત્ર દ્વારા હૈયાધારણા સીવાય કશુ મળ્યું નથી ત્યારે રોષે ભરાયેલ રહિશો દ્વારા આ વખતની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. એટલું જ નહીં પોતાના પ્રાથમિક જરૂરીયાતવાળા કામો પણ કરી નહીં શકતા શાસકો સામે રોષ ઠાલવ્યો છે અને સોસાયટીની બહાર કોઇપણ રાજકીય સભ્ય કે કાર્યકર્તાઓએ ચૂંટણી પ્રચાર માટે કે મત માંગવા માટે પ્રવેશ નહીં કરવા સ્પષ્ટ સુચના જારી કરી છે. આમ લોકોના વર્ષો જુના પડતર કામો કે જે તંત્રની જવાબદારીમાં ઓ છે છતાં નહીં કરી માત્ર લોલીપોપ આપતા હોય સરકાર સામે વ્યાપક વિરોધ ઉઠવા પામ્યો છે. જનતા આગેવાનને લોકોના કામ કરવા ચૂંટે છે પરંતુ આ રાજકીય આગેવાનો ગણ્યા ગાઠયા કામ કરી ચૂંટણી જાય એટલે માત્ર પોતાના વિકાસ કાર્યોમાં લાગી જાય છે ત્યારે વખતો વખત આવતી ચૂંટણી ટાણે જનતા જનાર્દન પણ પોતાની આત્મસુઝથી રોષ ઠાલવી શકે છે તેવું વાતાવરણ હાલ હાઉસીંગ બોર્ડની સોસાયટીમાં જોવા મળ્યું છે. સોસાયટીમાં ઉભરાતી ગટરોને કારણે રહિશોમાં માંદગીનો પણ પેસારો થઇ રહ્યો છે અને બ્લોકના અભાવે ચોમાસામાં કાદવ-કીચડના કારણે ગંદકી પણ વ્યાપક થઇ રહી છે ત્યારે આ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ માટે માત્ર સાંત્વના ન ચાલે જેથી લોકોએ સોસાયટીમાં રાજકીય લોકો માટે પ્રવેશબંધી જાહેર કરી છે.