70 વર્ષ બાદ ભારતમાં જોવા મળશે ચિત્તા, જુઓ પ્રથમ ઝલકનો વીડિયો– 8 ચિત્તાઓને અગાઉ પહેલા જયપુરમાં લાવવાના હતા પરંતુ લોજિસ્ટિકને લગતી મુશ્કેલીઓના કારણે યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તેઓ સીધા ગ્વાલિયર આવશે

નવી દિલ્હી, તા. 16 સપ્ટેમ્બર 2022, શુક્રવાર

ભારતમાં 70 વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ ચિત્તાનું આગમન થઈ રહ્યું છે. આવતીકાલે 17મી સપ્ટેમ્બરના રોજ નામિબિયાથી 8 ચિત્તાને ભારત લાવવામાં આવશે. આ ચિત્તાઓને ખાસ ચાર્ટર ફ્લાઈટ દ્વારા ગ્વાલિયર લાવવામાં આવશે. 

હવે સીધા ગ્વાલિયર આવશે ચિત્તાઓ

દક્ષિણ આફ્રિકાના 8 ચિત્તાઓને અગાઉ ભારતમાં પહેલા જયપુરમાં લાવવાના હતા પરંતુ લોજિસ્ટિકને લગતી મુશ્કેલીઓના કારણે યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચિત્તાઓને ગ્વાલિયરથી ચાર્ટર હેલિકોપ્ટર દ્વારા મધ્ય પ્રદેશના કુનો-પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન (KNP) ખાતે લઈ જવામાં આવશે. આ કારણે જયપુર પહોંચી રહેલા કર્મચારીઓ-અધિકારીઓ માટે જયપુર એરપોર્ટ પાસે જે રૂમ બુક કરવામાં આવ્યા હતા તે રદ્દ કરવામાં આવ્યા છે. 

આજે રાત્રે 8 ચિત્તાઓ સાથેનું ખાસ વિમાન નામિબિયાથી ભારત આવવા રવાના થશે અને 17મી સપ્ટેમ્બરે સવારે 8:00 કલાકે તે ગ્વાલિયર પહોંચશે. ત્યાંથી ચિત્તાઓને હેલિકોપ્ટર દ્વારા કુનો પાર્ક લઈ જવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. વડાપ્રધાન પોતાના જન્મદિવસ પર આ ચિત્તાઓને અભયારણ્યમાં બનાવવામાં આવેલા ખાસ વાડાઓમાં છોડશે. 

જુઓ ભારત આવી રહેલા ચિત્તાઓની ઝલક

ખાસ વાત એ છે કે, નામિબિયાથી ભારત આવી રહેલા ચિત્તાઓને હવાઈ મુસાફરી દરમિયાન ખાલી પેટ રાખવામાં આવશે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ચિત્તાઓને નામિબિયાથી ઉડાન ભર્યા બાદ સીધા કુનો-પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે જ ભોજન આપવામાં આવશે. 

સાવધાનીના પગલારૂપે એ જરૂરી છે કે, મુસાફરી દરમિયાન પ્રાણીઓનું પેટ ખાલી હોય. આ કારણે પ્રાણીઓ મુસાફરી દરમિયાન ઉબકા સહિતની સમસ્યાથી બચી શકે છે. 

30 દિવસ સુધી ક્વોરન્ટાઈન રાખવામાં આવશે

કુનો પહોંચ્યા બાદ ચિત્તાઓને 30 દિવસ સુધી એક વાડામાં રાખવામાં આવશે. આ દરમિયાન તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવશે. ત્યાર બાદ તેમને જંગલમાં છોડી દેવામાં આવશે. ઈકોલોજિકલ બેલેન્સ જાળવી રાખવા માટે ઓછામાં ઓછા 25-30 ચિત્તા હોવા જરૂરી છે માટે 5 વર્ષમાં નામિબિયા અને દક્ષિણ આફ્રિકાથી વધુ કેટલાક ચિત્તાઓને ભારત લાવવામાં આવશે. 

1947થી ભારતમાં ચિત્તા લુપ્ત

ચિત્તાઓના શિકારની ઘટનાઓના કારણે તે પ્રજાતિ સંકટમાં આવી ગઈ હતી. મધ્ય પ્રદેશમાં કોરિયાના મહારાજા રામાનુજ પ્રતાપ સિંહ દેવે 1947માં દેશમાં છેલ્લા બચેલા 3 ચિત્તાઓનો શિકાર કરી નાખ્યો હતો. ત્યાર બાદ 1952માં ભારત સરકારે ચિત્તાઓને સત્તાવાર રીતે વિલુપ્ત જાહેર કર્યા હતા. 

વધુ વાંચોઃ ચિત્તાને લાવવા માટે નામીબિયા પહોંચ્યુ આ ખાસ વિમાન, ભારતે કર્યો છે આવો શણગારSource link

Leave a Comment