Ahmedabad two round firing at night


અમદાવાદ: શહેરના નોબલનગર ટી રોડ ખાતે ગત મોડી રાત્રે બે રાઉન્ડ ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. કેસમાં સમાધાન કરી લેજો નહિતર જાનથી મારી નાંખીશ તેમ કહીને સ્કોર્પિયો ચાલકે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

નોબલનગરમાં રહેતા અને નોબલનગર ટી રોડ ખાતે મહાકાળી રેસ્ટોરન્ટ નામની ચા નાસ્તાની હોટલ ધરાવતા હરેશભાઈએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે તેમના સમાજની એક દીકરીને એક યુવક ભગાડીને લઈ ગયાની હકીકત સામે આવતા સમાજના કેટલાક લોકો હોટલ પર ચર્ચા કરતા હતા. તે દરમિયાન તેઓની હોટલ પાસે એક કાળા કલરની નંબર વગરની સ્કોર્પિયો ગાડી આવીને ઊભી રહી હતી. જેમાં તેમના વિસ્તારમાં આવેલ ઓઝોન સિટી પાસે રહેતો ગોપાલ નામનો વ્યક્તિ ડ્રાઇવર સીટની બાજુમાં બેઠો હતો.

જોકે, ડ્રાઇવર એકદમ ઉકેરાઈને બોલવા લાગ્યો હતો કે તમે અમારા સમાજના છોકરા ઉપર છોકરી ભગાડવા અંગેની જે ફરિયાદ કરી છે, તેમાં સમાધાન કરી લેજો નહીંતર જોવા જેવી થશે. ત્યાર બાદ ફરિયાદી તેમના કામ અર્થે ઘરે ગયા હતા. આ વખતે હોટલ પર કેટલાક લોકો હાજર હતા. થોડીવાર બાદ રાત્રિના પોણા એક વાગ્યાની આસપાસ તેમના પિતરાઈ ભાઈએ તેમને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે સ્કોર્પિયો ચાલક અને ગોપાલ ફરીથી હોટલ ઉપર આવ્યા હતા અને સ્કોર્પિયો ચાલકે ગાડીમાં બેઠાં બેઠાં કહ્યુ હતું કે, કેસમાં સમાધાન કરી લેજો નહિતર જાનથી મારી નાંખીશ. તેમ કહીને ધમકીઓ આપી ગંદી ગાળો આપી હતી. આ ઉપરાંત બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. ફરિયાદીને સમગ્ર ઘટનાની જાણ થતા તેઓ તુરંત જ હોટલ પર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે હાલમાં આ મામલે હત્યાના પ્રયાસ સહિતની કલમો અંતર્ગત ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદના નરોડામાં વિજ્જુ બોડીએ માતાને માર મારી જાનથી મારવાની ધમકી આપી

બનાવ-2: વટવામાં અગાઉના ઝઘડાની અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો

વટવામાં રહેતા યુવક સાથે અગાઉના ઝઘડાની અદાવત રાખીને બે ભાઈઓ તથા તેની માતાએ યુવક સાથે ઝઘડો કરી લોખંડની પાઈપના ફટકા મારીને બેભાન કરી નાખ્યો હતો. આ મામલે ઈજાગ્રસ્ત યુવકના ભાઈએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેયના વિરુદ્ધમાં હત્યાના પ્રયાસો સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. વટવામાં રહેતા અને ફેબ્રીકેશનનુ કામ કરતા સતીષકુમાર રાય સાંજના સમયે મિત્ર સાથે બચુભાઈના કુવા ક્રાંતિનગર સોસાયટી પાસે ઉભા હતા. તે સમયે તેમના મિત્ર રામપ્રસાદ રાયના ગાયત્રીનગરમાં રહેતા અખિલેશસિંગનો ફોન આવ્યો હતો અને જણાવ્યુ હતુ કે, આદિત્યકુમાર રાયને ગાયત્રીનગરમાં રહેતા અમિત યાદવ તથા તેના ઘરના સભ્યો સાથે ઝધડો થયો છે. જેના કારણે તે અત્યારે ગાયત્રીનગર પાસે બેભાન હાલતમાં પડ્યો છે. જેથી સતીષકુમાર તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત આદિત્યકુમારને સારવાર માટે મોકલી આપ્યા હતા.

બાદમાં તેમને જાણવા મળ્યુ હતુ કે, અમીત યાદવ તથા તેના ભાઈ અભિષેક યાદવ અને તેમની માતા બબીતા યાદવે અગાઉના ઝઘડાની અદાવત રાખીને આદિત્યકુમાર સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાના ઈરાદે લોખંડની પાઈપોના ફટકા માથાના ભાગે માર્યા હતા. જેના કારણે તે બેભાન થઈ ગયો હતો. સતીષકુમારે આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં અમીત, અભિષેક અને બબીતાના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

Published by:Vinod Zankhaliya

First published:

Tags: Firing, અમદાવાદ, પોલીસSource link

Leave a Comment