રાજકોટ: વીરપુરમાં જેતપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ તેમજ વીરપુર જૂથ સેવા સહકારી મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ સાધારણ સભામાં ધારાસભ્ય જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતાં. આ સાધારણ સભામાં જયેશ રાદડિયાએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતાં. આપ પર પ્રહાર કરતા જયેશ રાદડિયાએ કહ્યું કે, આપ પાર્ટીની ટોળકી ગેરંટી કાર્ડ આપવા નીકળી છે પણ એની ગેરંટી ક્યાં લેવા જશો? આ સાથે એમણે કહ્યું કે, અત્યારસુધીમાં જેતપુરમાં કોંગ્રેસ પાર્ટી હોય કે ભાજપ હોય, હજી સુધી કોઈ પાર્ટીએ ક્યારેય ખંડણી નથી માંગી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું હજુ આગમન પણ નથી થયું ત્યાં જ આમ આદમી પાર્ટીના લોકો કારખાનેદારો પાસેથી 10 લાખની ખડણી માંગવા લાગ્યા છે. જો આ પાર્ટી સત્તામાં આવે અને આવા લોકો આપણા વિસ્તારમાં આવી જાય તો આપણી સુરક્ષાનું શું?
…તો મને જાકારો આપી દેજો!
જયેશ રાદડિયાએ લોકોને કહ્યું કે, “જ્યારે તમને મારાથી વિશેષ ધારાસભ્ય મળે ત્યારે મને ના પાડી દેજો કે, હવે તમારે મારી જરૂર નથી. આ માટે મારી નીચે બેસવાની તૈયારી છે. તેમણે સભાને સંબોધતા અને આમ આદમા પાર્ટી પર વધુ પ્રહાર કરતા કહ્યું કે, એવા લોકો પાસે સત્તા ના જાય કે જે લોકોને આપણે ઓળખતા જ નથી અને જેની પાસે આપણી ગેરંટી નથી.”
આમ આદમી પાર્ટી પર પૂર્વમંત્રી જયેશ રાદડિયાનો પ્રહાર
કહ્યું- જેની ખુદની ગેરન્ટી નથી તે ગેરન્ટી આપવા નિકળ્યા છે
ઉલ્લેખનીય છે કે અત્યારે દરેક જગ્યાએ રાજકીય પ્રહારો થઈ રહ્યા છે. રાજકીય નેતાઓ એકબીજા પર સત્તાને ટકાવી રાખવા માટે તો ક્યાંક સત્તા પર આવવા માટે સભાઓ યોજી રહ્યા છે, ત્યારે આ પરંપરાને સાચવી રાખતા જયેશ રાદડિયાએ વીરપુર સાધારણ સભામાં તોફાની પ્રવચન આપ્યુ હતુ.