મેડિકલ જગતમાં ખૂબ જ ઓછી જોવા મળતી સ્ટર્નમ ટ્યૂમરની સફળ સર્જરી
મૂળ કલકત્તાના 51 વર્ષીય અરુણ કોલેની નામના યુવાનની જીસીએસ હોસ્પિટલ ખાતે સ્ટર્નમ ટ્યૂમરની સફળ જટીલ સર્જરી કરવામાં આવી છે. આ પ્રકારની સર્જરી મેડિકલ જગતમાં ખૂબ જ ઓછી જોવા મળે છે. સ્ટર્નમ (છાતીના હાડકામાં) કેન્સરની અસામાન્ય ગાંઠ માટે ડોક્ટરોની ટીમ દ્વારા અત્યંત રેર કહી શકાય તેવી સર્જરી સફળતાપુર્વક પાર પાડવામાં આવી હતી અને દર્દીને નવજીવન આપ્યું હતું.હાલ અમદાવાદ ખાતે અમરાઈવાડી વિસ્તારમાં રહેતા શ્રી અરુણભાઈને છેલ્લા એક વર્ષથી છાતીના ભાગમાં ગાંઠના કારણે અસહ્ય દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જેની સારવાર માટે દર્દીએ કલકત્તાની ઘણી હોસ્પિટલમાં બતાવ્યું. છતાં કોઈ ઉકેલ ન આવતા તેમણે અમદાવાદ આવવાનું નક્કી કર્યું.
આખરે અમદાવાદ ખાતે જીસીએસ હોસ્પિટલમાં ડો. ઉર્વીશ શાહે (કેન્સર સર્જન) દર્દીની તપાસ દરમિયાન સીટીસ્કેન, પેટ સીટી અને બાયોપ્સી રિપોર્ટ કરાવતા એ ગાંઠ કોન્ડ્રોસારકોમાની હોવાનું માલુમ પડ્યું. કોન્ડ્રોસારકોમા એ એક દુર્લભ પ્રકારનું કેન્સર છે. જે સામાન્ય રીતે હાડકામાં શરૂ થાય છે. પરંતુ કેટલીકવાર હાડકાની નજીકની નરમ પેશીઓ અને ટિસ્યુમાં થઈ શકે છે.પરંતુ આ ગાંઠનું સ્થાન ખુબ કટોકટીભર્યું હતું. છાતીમાં હાડકાનું બનેલું પાંસળીઓનું હાડપિંજર હોય છે. જેની અંદર ફેફસાં અને હૃદય સુરક્ષિત હોય છે. છાતીની બંને તરફ બાર-બાર પાંસળીઓ રહે તે રીતે વચ્ચેના હાડકાં સાથે જોડાઈને પિંજર જેવો આકાર તૈયાર થયેલો હોય છે. પાંસળીના પિંજરની વચ્ચેના મુખ્ય સ્થંભને સ્ટર્નમ કહેવાય છે.
ટાઈટેનિયમની મેશ દ્વારા પાંસળીઓને ટેકો આપવાનો વિચાર કર્યો
ત્યારે દર્દીના સ્ટર્નમના ભાગમાં કેન્સર જોવા મળ્યું હતું. જે ધીરે ધીરે વધી રહ્યું હતું. ફેફસાંની પાંસળીઓને સપોર્ટ આપતું મુખ્ય હાડકું અને હૃદયના બહારના આવરણ સુધી આ ગાંઠ ફેલાયેલી હોવાથી ફેફસાંના હાડકાને કાઢવું જરૂરી બને એવું હતું. આ જટિલ સર્જરી માટે જીસીએસ હોસ્પિટલના ડોક્ટરોએ સાથે મળીને એક યુનિક એપ્રોચ વિચાર્યો હતો.જેમાં સ્ટાર્નમના ગાંઠ ગ્રસ્ત ભાગ નીકાળી લીધા બાદ ટાઈટેનિયમની મેશ દ્વારા પાંસળીઓને ટેકો આપવાનો વિચાર કર્યો હતો. ટાઈટેનિયમ મેશની વિશેષતા એ છે કે તેનાથી દર્દીને ભારેપણું લાગતું નથી. આ ઓપરેશન ખુબ જોખમી હોવાથી સગાની સાથે વાત કરી આખરે ઓપરેશનનો નિર્ણય લેવાયો.
આ ખાસ ઓપરેશન દરમિયાન ડો. ઉર્વીશ શાહ દ્વારા કેન્સરની ગાંઠનો નિકાલ કરવાની અને ડો. અનિતેશ શંકર (કાર્ડિયોથોરાસિક અને વાસ્ક્યુલર સર્જન) દ્વારા હૃદયને કોઈ હાનિ ન થાય એ કાળજી લેવાની અને ડો. પ્રમોદ મેનન (પ્લાસ્ટિક સર્જન) દ્વારા મેશનું પ્રત્યારોપણ અને પગમાંથી ચામડી લઈ છાતીના ભાગે પ્લાસ્ટિક સર્જરી કરવાની કામગીરી હતી.તેમજ એનેસ્થેસિયા વિભાગના ડો. કેરોલીન કેરકેટા અને ટીમ દ્વારા પણ સમગ્ર ઓપરેશન દરમિયાન ખાસ કાળજી લેવામાં આવી હતી. ડોક્ટરોએ 10 કલાકના અથાગ પરિશ્રમના અંતે એક કિલોની ગાંઠ દૂર કરવામાં આવી હતી. તેમજ હ્રદય અને ફેફસાંના ભાગને નુકસાન ન થાય તે રીતે સફળ ઓપરેશન પૂરું પાડ્યું હતું.પરંતુ દર્દી માટે આટલી જ મુશ્કેલીઓ પુરી થઈ ન હતી. ટાઈટેનિયમના ઇમ્પ્લાન્ટનું પણ ખુબ ધ્યાન રાખવું જરૂરી હતું. આ તબક્કામાં ડો. ભાવેશ શાહ (ઈન્ટેન્સિવિસ્ટ) અને આઈસીયુ સ્ટાફે ખુબ કાળજી રાખીને દર્દીને સચોટ આઇસીયુની સારવાર પૂરી પાડી હતી.
ખાનગી હોસ્પિટલમાં લાખોમાં થતી સર્જરી, દર્દીને મળી નિઃશુલ્ક સારવાર
દર્દી અરુણભાઈ અને તેમના ભાઈ વરુણભાઇએ જીસીએસ હોસ્પિટલનો આભાર માનતા કહ્યું કે હોસ્પિટલના ડૉક્ટર્સ, પેરા મેડિકલ સ્ટાફ અને અન્ય સ્ટાફ દ્વારા મારી યોગ્ય સારવાર કરવામાં આવી છે. હું હંમેશાં તેમનો ઋણી રહીશ. ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશન માટે લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે.વધુમાં જણાવતા કહ્યું કે આયુષ્માન ભારત યોજનાને પરિણામે તદ્દન નિઃશુલ્કપણે ઓપરેશન અને સારવાર કરવામાં આવી છે. જે માટે હું જીસીએસ હોસ્પિટલ અને સરકારનો આભાર વ્યક્ત કરૂં છું.
20 દિવસની હોસ્પિટલ સારવાર બાદ અરુણભાઈ સંપૂર્ણ સ્વસ્થ રીતે ડિસ્ચાર્જ થઇ હાલ જાતે ચાલી શકે છે અને તમામ દિનચર્યા પણ સારી કરી શકે છે. જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત 750 બેડની હોસ્પિટલ છે. સમાજ સેવાના ઉદ્દેશ સાથે નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા જીસીએસ હોસ્પિટલ કાર્યરત છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Cancer Hospital, Caner surgery, Doctors