Kutch: 17 લાખ પાના છાપવાની કામગીરી ચાલુ છે, જાણો કેમ અને કોના માટે?


Dhairya Gajara, Kutch: અભ્યાસ મેળવવું સૌ કોઈનો અધિકાર છે. આ અધિકારથી દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ વંચિત ન રહી જાય તે માટે કેન્દ્ર સરકારે ખાસ વ્યવસ્થા કરી છે. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે પણ બ્રેઈલ લિપિમાં પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ થાય તે માટે ભારત સરકાર દ્વારા બ્રેઈલ પ્રિન્ટ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તો ગુજરાતના દરેક પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે કચ્છની નવચેતન સંસ્થા ખાતે પાઠ્યપુસ્તકનાં અંદાજિત 17 લાખ પાના છાપવાની કામગીરી ચાલુ છે. આ ખાસ આયોજન થકી હવે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ પણ વર્ગખંડમાં મને આકાશે ઊડતી પતંગ ગમે કવિતાનું સમૂહ પઠન કરી શકશે.

સામાન્ય વિદ્યાર્થીઓ માટેની પાઠ્યપુસ્તકો તો દરેક સ્ટેશનરીની દુકાને મળી રહે છે. પરંતુ તે જ પાઠ્યપુસ્તકો પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે બ્રેઈલ લિપિમાં મળતી નથી. તેમને પણ પોતાના અભ્યાસક્રમ મુજબની પાઠ્યપુસ્તક મળે તે માટેના આયોજન અંતર્ગત પહેલી વખત ભારત સરકારે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત વિનામૂલ્યે બ્રેઈલ પુસ્તક વિતરણ કરવાની કામગીરી હાથ પર લીધી છે.

ગુજરાતમાં પણ 936 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ છે જેમને આ પાઠ્યપુસ્તકો પહોંચાડવામાં આવશે. ગુજરાતના વિદ્યાર્થીઓ માટેની પાઠ્યપુસ્તકો છાપવાનું કામ કચ્છના માધાપર ગામે આવેલી નવચેતન અંધજન મંડળ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. વર્ષ 1998થી નાનકડા બ્રેઈલ પ્રેસ થકી પોતાના વિદ્યાર્થીઓ માટે બ્રેઈલ લિપિમાં પુસ્તકો પ્રિન્ટ કરવામાં આવતી હતી. તો ત્રણ વર્ષ પહેલા સરકાર દ્વારા બ્રેઈલ પ્રિન્ટ મશીન આપવામાં આવતા સંસ્થાએ જાતે જ જરૂરિયાતમંદ બાળકો સુધી પુસ્તકો પહોંચાડ્યા હતા.

ત્યારે આ વર્ષે પહેલી જ વખત કેન્દ્ર સરકારે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રાજ્યના બધા જ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની યાદી સાથે તેમને આ પાઠ્યપુસ્તક પ્રિન્ટ કરવાનું કામ સોંપ્યું છે. રાજ્યના 936 પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે સંસ્થા 17 લાખથી વધારે પાના પ્રિન્ટ કરશે, જેમાંથી 12.14 લાખ જેટલા પાના તૈયાર થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે બ્રેલ પ્રિન્ટ વધારે જગ્યા રોકતી હોવાના કારણે સામાન્ય પાના પર કરાયેલ લખનને બ્રેઈલમાં પ્રિન્ટ કરવા ચાર પાનાની જગ્યા લાગે છે. તેવામાં અત્યારસુધી સંસ્થા દ્વારા 13,183 પુસ્તકો પ્રિન્ટ કરી લીધી છે.

અત્યારસુધી પ્રિન્ટ થયેલા આ 13 હજારથી વધારે પુસ્તકો બાળકો સુધી પહોંચાડવામાં આવ્યા છે તો બાકી રહેતા પાંચ લાખ જેટલા પાના પણ આ મહિનાના અંત સુધીમાં બાળકો સુધી પહોંચાડવામાં આવશે.

તમારા શહેરમાંથી (કચ્છ)

First published:

Tags: Kutch, Local 18



Source link

Leave a Comment