કચ્છ યુનિવર્સિટી હેઠળ 45 કોલેજો કાર્યરત છે અને લાખો વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરી રહ્યા છે. યુનિવર્સિટીના 12મા પદવીદાન સમારોહમાં 4968 વિદ્યાર્થીઓએ પદવી મેળવી હતી. આર્ટસ, વિજ્ઞાન, કાયદો, અભ્યાસ, વાણિજ્ય, મેડિકલ, તેમજ ફિલોસોફી વિષયના વિદ્યાર્થીઓએ આજે પદવી મેળવી હતી. આ વિદ્યાર્થીઓમાં એક ડોક્ટરેટ પદવી મેળવનાર વિદ્યાર્થિની પણ હતી.
તો આ વર્ષે એક તદ્દન નવો આયામ સર કરતા યુનિવર્સિટી દ્વારા કચ્છના બે ખ્યાતનામ સર્જકોને ડોક્ટરેટની માનદ પદવી અર્પણ કરી હતી. કચ્છી સાહિત્ય સર્જક પદ્મશ્રી નારાયણ જોશી ‘કારાયલ’ અને ઉમિયાશંકર અજાણી ને આજે ગુજરાતના રાજ્યપાલ અને કચ્છ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતના હસ્તે આ માનદ પદવી અર્પણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે નારાયણ જોશી ‘કારાયલ’ કચ્છના એક જાણીતા લેખક છે જેમને કચ્છી ભાષામાં પોતાના યોગદાન માટે કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકોનું સર્વોચ્ય પુરસ્કાર પદ્મશ્રી પણ એનાયત કરવામાં આવ્યું છે. તો બીજી તરફ ઉમિયાશંકર અજાણીએ પણ પોતાની નવલકથાઓ, વાર્તાસંગ્રહો, તેમજ સંશોધનાત્મક લેખક દ્વારા કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડવા માધ્યમ બનાવ્યું છે.
News18 સાથે વાત કરતા યુનિવર્સિટીના કુલપતિ જયરાજસિંહ જાડેજા જણાવ્યું હતું કે, \”આ બંને લેખકોએ કચ્છ માટે ઘણો યોગદાન આપ્યું છે. તેમને આ પદવી દ્વારા બિરદાવવાનો વિચાર એમને આવ્યો અને અમે એકેડેમીક કાઉન્સિલ અને એજ્યુકેશન કાઉન્સિલમાં આને પસાર કર્યા બાદ રાજ્યપાલને પ્રપોઝલ મોકલાવ્યો હતો. રાજ્યપાલ દ્વારા તેની અનુમતિ મળતાં બન્ને સર્જકોને અમે માનદ પદવી આપી સન્માનિત કર્યા હતા. આ પહેલ યુનિવર્સિટી માટે ભવિષ્યમાં નવા આયામ ખોલશે.\”
માનદ પદવી મેળવેલ બન્ને સર્જકોએ News18 સાથે વાત કરતા આ ક્ષણને અવિસ્મરણીય કહ્યા હતા અને યુનિવર્સિટીનો આભાર માન્યો હતો. તો ઉમિયાશંકર અજાણીએ આ દિવસને પોતાના જીવનના યાદગાર દિવસોથી શિરમોર ગણાવ્યું હતું.
તમારા શહેરમાંથી (કચ્છ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર