બાજરાની નવી જાત નેશનલ કક્ષાએ રજુ કરવામાં આવશે ત્યારબાદ તેની ચકાસણી કર્યા બાદ તેની મંજૂરી આપવામાં આવશે. તમને જાણીને નવાઈ લાગશે કે અત્યાર સુધીમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી સંલગ્ન જામનગર ખાતે આવેલા બાજરા સંશોધન કેન્દ્રમાં બાજરાની 23 જેટલી હાઇબ્રિડ જાત વિકસાવવામાં આવી ચુકી છે. બાજરાની હાઇબ્રિડ જાતમાં કેટલા જરૂરિયાત ન્યુટ્રીશન હોય છે જે શરીર માટે ફાયદા કારક હોય છે અને ખેડૂતો માટે પણ ફાયદાકારક હોય છે જેણે ઓછા પાણીમાં પણ ઉગાડી શકાય છે.
શું છે આ બાજરાની નવી જાત, આવો વિગતે સમજીએ. કેવી છે બાજરાની નવી હાઇબ્રિડ જાત અને શું નામ રાખવામાં આવ્યું છે. જામનગરમાં આવેલા બાજરા સંશોધન કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટર કે ડી મુંગરાએ જણાવ્યું કે અમે બાજરાની નવી હાઇબ્રિડ જાત વિકસાવી છે જેણે અમે GHB 1294 નામ આપ્યું છે. આ નવી જાતની પ્રપોઝલ નેશનલ કક્ષાએ મુકવાના છીએ. આ નવી વિકસાવેલી બાજરાની નવી જાત વેલી પાક છે, એટલે કે તેમાં ફૂલકાળ 45 દિવસમાં આવી જાય છે.
અને તેના પાકવાના દિવસો 70થી 75 દિવસ છે. એટલું જ નહીં આ નવી જાત અત્યારે એટલે કે ચોમાસાની ખરીફ ઋતુમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવે છે. બાજરાની આ નવી જાત નેશનલ લેવલની જાત છે. એટલું જ નહીં બાજરાની આ નવી જાત ઓછા પાણી વાળી જમીનમાં પણ ઉગાડી શકાય છે, જે બાજરા માટે એ વન વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. શારીરિક શું ફાયદો છે આ નવી જાતમાં ? ડૉ. મૂંગરાએ જણાવ્યું કે બાજરામાં અનેક ગુણકારી તત્વો રહેલા હોઈ છે.
સમયાંતરે અમે બાજરાનાં ગુણો વધે તે માટે હાઇબ્રિડ જાત વિક્સવતા હોઈ છે, આવી જ એક બાજરાની નવી જાત GHB 1294 ને વિકસાવી છે. આ નવી જાતમાં શારીરિક ફાયદાની વાત કરીએ તો તેમાં AP અને ઝીંકનું પ્રમાણ ધારાધોરણ મુજબનું જ છે, આ જાતમાં રોગ અને જીવાતનું પ્રમાણ ખુબ જ ઓછું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં જામનગરમાં આવેલા બાજરા સંશોધન કેન્દ્રમાં બાજરાની કુલ 23 જેટલી હાઇબ્રિડ જાત વિક્સવવામાં આવી છે.
થોડા સમય પહેલા જ અહીં બાયો ફોર્ટીફાઇડ બાજરાની ત્રણ નવી જાત વિકસાવામાં આવી હતી, જેમાં હાઇબ્રીડ બાજરાની 1129, 1225 અને 1231 નો સમાવેશ થાય છે. આ ત્રણેય નવી જાતમાં આરોગ્યની દ્રષ્ટિએ લાભદાયી લોહનું પ્રમાણ 70 અને જસતનું પ્રમાણ 40 પીપીએમથી વધ્યું છે. શાકભાજી, ફળ, તેલીબીયા, ધાન્ય સહિતના પાકમાંથી સૌ પ્રથમ બાજરા પર કરાયેલા સંશોધનમાં સફળતા મળતા બિયારણ મેળવી ખેડૂતો દ્વારા નવી જાતના બાજરાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.
આ સંશોધનમાં લાગ્યા છ વર્ષ જામનગરમાં આવેલા બાજરા સંશોધન કેન્દ્રન વિજ્ઞાનિક ડો. કે. ડી. મુંગરાએ જણાવ્યું કે બાજરાની ત્રણ નવી બાયો ફોર્ટીફાઇડ જાત વિકસાવવાનો પ્રોજેકટ વર્ષ 2011-12 માં જામનગર બાજરા સંશોધન કેન્દ્ર દ્વારા શરૂ કરાયો હતો. જેમાં બાજરાની જૂની 1700 થી વધુ અને આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા મોકલવામાં આવેલી બાજરાની જાતનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.
આ બાજરામાં લોહ અને જસતનું પ્રમાણ વધારે હતું તેને હાઇબ્રીડ કરી ગુજરાત હાઇબ્રીડ બાજરાની 1129, 1225 અને 1231 ત્રણ નવી જાત ઉભી કરાઇ હતી. જેને ભારત સરકારની ઇન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ સંસ્થાએ માન્યતા આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બાજરાની ત્રણ નવી જાતનું વાવેતર જામનગર બાજરા સંશોધન કેન્દ્ર ઉપરાંત આણંદ, પાલનપુર સરદાર કૃષિ કેન્દ્ર અને ભુજમાં કરવામાં આવ્યું હતું.ઓલ ઇન્ડિયા બેસ્ટ કેન્દ્ર અને બેસ્ટ વૈજ્ઞાનિકનો એવોર્ડ મળ્યો હતો.
બાજરાની નવી બાયો ફોર્ટીફાઇડ જાત વિકસાવવા બદલ વર્ષ 2020-21 માં જામનગર બાજરા સંશોધન કેન્દ્રને ભારત સરકારની ઓલ ઇન્ડિયા કો-ઓર્ડીનેટર રીસર્ચ પ્રોજેકટ ઓન પર્લ મીલેટ સંસ્થા દ્વારા ઓલ ઇન્ડિયા બેસ્ટ કેન્દ્રનો એવોર્ડ એનાયત કરાયો હતો. જયારે આ સંસ્થા દ્વારા બાજરા સંશોધન કેન્દ્રના વડા ડો.કે.ડી.મુંગરાને વર્ષ 2017-18 માં બાજરાની બાયો ફોર્ટીફાઇડ જાત વિકસાવવા માટે બેસ્ટ વૈજ્ઞાનિકનો એવોર્ડ એનાયત કરાયો હતો. ગુજરાતમાં એક માત્ર બાજરા સંશોધન કેન્દ્ર જામનગર ખાતે આવેલું છે. અહીં બાજરા પર વિવિધ સંશોધન કરવામાં આવે છે.
દેશની કૃષિ સંલગ્ન ટોચની સંશોધન સંસ્થામાં જામનગરના બાજરા સંશોધન કેન્દ્રનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં આ સંશોધન કેન્દ્રને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અનેક એવોર્ડ પણ મળી ચુક્યા છે. જામનગરમાં ખેતીવાડી સંશોધન કેન્દ્ર અંદર આવેલી બાજરા સંશોધન કેન્દ્રની શરૂઆત 1950 બાદથી જ કરવામાં આવી હતી. ત્યાર બાદ 1960 પછી સરકાર દ્વારા આ સંશોધન કેન્દ્ર પર ધ્યાન આપવામાં આવ્યું અને આ કેન્દ્ર ખાતે બાજરા પર અનેક સંશોધન પણ કરવામાં આવ્યા હતા.
જેમાં 1962માં અમેરિકાની માદા બાજરી અને ભારતનો નર બાજરાનું સંકરણ કરીને એક હાઈબ્રિડ તૈયાર કરવામાં આવ્યું. આ હાઇબ્રિડથી બાજરાના ઉત્પાદનમાં ક્રાંતિ આવી અને ઉત્પાદન બમણુ થઇ ગયું. આજે પણ આ બાજરા સંશોધન કેન્દ્ર ખાતે વિવિધ સંશોધન થઇ રહ્યા છે. અહીંના અસોસીએટ રિસર્ચ વિજ્ઞાનીક ડૉ. કે. ડી. મુંગારાનું કહેવું છે કે બાજરામાં અનેક ગુણકારી પોષક તત્વો રહેલા છે. ડાયાબિટીસ જેવા અનેક અસાધ્ય રોગોમાં બાજરો ખાવાથી ઘણો ફાયદો થાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર